અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઇન્દિરાનગર આવાસ યોજનામાં દુકાનો વચ્ચે પિલર મામલે થયેલા વિવાદમાં ગત ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સભ્ય દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગુણવંતસિંહ સોલંકી પાસે લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો હતો. આજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યને લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો.
રહીશોની માંગ મુજબ દુકાનો બનાવાઈ હોવાનો જવાબ
DyCMએ આપેલા લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2018માં મંજૂર થયેલા પ્લાનમાં 1610 મકાનો અને 52 દુકાનો હતી. વર્ષ 2020માં આવાસ યોજનાના ચાર એસોસિએશન દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે a,b,c,d અને eની નીચેની અને પહેલા માળે આવેલી દુકાનો નાના રોડ ઉપર છે જેથી તેને બીજા બ્લોકની દુકાનો જે મોટા રોડ પર આવેલી છે ત્યાં નીચેના માળે આપવી. સ્થાનિક રહીશો દ્વારા જે રીતે માંગણી કરવામાં આવી હતી તે મુજબ રિવાઇઝ્ડ પ્લાન મંજૂર કરી અને તે રીતે દુકાનો ફાળવવામાં આવી હોવાનો જવાબ ભાજપના સભ્યને લેખિતમાં આપવામાં આવ્યો છે.
પાર્કિંગની જગ્યા વિશે જવાબમાં કોઈ ઉલ્લેખ નહીં
જો કે સવાલ એ છે કે હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગુણવંતસિંહ સોલંકીએ આવાસ યોજના સ્કીમમાં પાર્કિંગની જગ્યા ક્યાં? તેમજ ફર્સ્ટ ફ્લોર ઉપર જે દુકાનો બનાવવાની હતી ત્યાં અત્યારે શું બનાવવામાં આવ્યું છે તેનો લેખિતમાં કોઈપણ પ્રકારનો જવાબ રજૂ કર્યો નથી.
વિવાદ અંગે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ!
અધિકારીઓ અને બિલ્ડર દ્વારા આ સમગ્ર વિવાદ અને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખુદ શાસક પક્ષ ભાજપના સભ્યોને પણ યોગ્ય રીતે જવાબ નથી આપ્યો. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદમાં શુ ઉકેલ લાવશે? લાભાર્થીઓ દ્વારા જે રીતે હવે માંગણી કરવામાં આવશે તે રીતે શું અધિકારીઓ દરેક હાઉસિંગ પ્રોજેક્ટમાં બદલીની માંગ કરશે તો રિવાઇઝ્ડ પ્લાન મંજૂર કરવામાં આવશે? તે મામલે સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.