દાવો:અમદાવાદમાં ઠેરઠેર ખાડા હોવા છતાં શહેરમાં માત્ર 214 જેટલા જ ખાડા હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો, અધિકારીઓ અને શાસકોની બેઠક મળી

અમદાવાદ2 મહિનો પહેલા
રોડ રસ્તાઓ તૂટેલા હોવાની વધુ ફરિયાદને પગલે સ્ટેન્ડિંગ કમિટી
  • આજે પડેલા વરસાદને લઈ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દ્વારા મેયર, પ્રભારી અને રોડ બિલ્ડિંગના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી
  • સવારે 10થી 12ની વચ્ચે 2 કલાક વરસેલા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવવા અને રોડ તૂટવાની ફરિયાદો ઉઠી

અમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતાં. દરેક વિસ્તારમાં રસ્તા તૂટેલા હતા જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રોડ રસ્તાઓ તૂટેલા હોવાની વધુ ફરિયાદને પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા આજે બપોરે તાકીદે બેઠક બોલાવાઈ હતી. મેયર કિરીટ પરમાર, રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અન્ય ઇજનેરી અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં શહેરમાં રોડની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 214 જગ્યાએ જ ખાડા હોવાના કોર્પોરેશન જણાવી રહ્યું છે, પરંતુ શહેરની ખાડાની વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાય છે. માત્ર એક જ ઝોનમાં 214 ખાડા હોય છે, પરંતુ કોર્પોરેશન મુજબ અમદાવાદ શહેરમાં જ આટલા ખાડા હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેના પર સવાલો ઉભા થયા છે.

અગાઉ કોર્પોરેશનની કામગીરીમાં 16056 ખાડા જણાવાયા હતા
અમદાવાદ શહેરમાં ચોમાસામાં 1 જુલાઈથી 24 સપ્ટેમ્બર સુધીમાં રોડ પર તૂટેલા, એજન્સીઓ દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા અને કોર્પોરેશનની કામગીરી માટે ખોદવામાં આવેલા કુલ 16056 જેટલા ખાડાઓ હોવાનું જણાવ્યું હતું. સૌથી વધુ રોડ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના વોર્ડ થલતેજ તેમજ ઘાટલોડિયા, ગોતા, બોપલ, ઘુમા, ચાંદલોડિયા અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિના ચેરમેન મહાદેવ દેસાઈના વોર્ડ સૈજપુર-બોધા, કૃષ્ણનગર, નરોડા, કુબેરનગર, ઇન્ડિયા કોલોની, બાપુનગર, સરસપુર સહિતના વિસ્તારોમાં પડ્યા છે.

1 જુલાઈથી 24 સપ્ટેમ્બર સુધીમાં 16056 જેટલા ખાડાઓ અલગ અલગ વિસ્તારમાં પડ્યા
1 જુલાઈથી 24 સપ્ટેમ્બર સુધીમાં 16056 જેટલા ખાડાઓ અલગ અલગ વિસ્તારમાં પડ્યા

રોડ તૂટતા 12344 ખાડા પડતા પૂરી દેવાયા છે
શહેરમાં આજે સવારે 10થી 12ની વચ્ચે 2 કલાક જેટલા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવવા અને રોડ તૂટેલા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને તાકીદે અધિકારીઓ સાથે બેઠક કરી અને તૂટેલા રોડ રસ્તા અંગે માહિતી મેળવી હતી. 1 જુલાઈથી 24 સપ્ટેમ્બર સુધીમાં 16056 જેટલા ખાડાઓ અલગ અલગ વિસ્તારમાં પડ્યા છે. જેમાં 12344 જેટલા ખાડાઓ રોડ તૂટવાના કારણે પડ્યા છે. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રજૂ કરેલી માહિતીમાં મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં એકપણ ખાડો પડ્યો નથી. જ્યારે શહેરમાં આવેલા 277 જેટલા ખાડા પડયા હતા પરંતુ અત્યારે એકપણ બ્રિજ ઉપર પણ ખાડા ન હોવાની માહિતી આપી છે. 16056માંથી 15842 જેટલા ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. શહેરમાં હવે માત્ર 214 જેટલા ખાડાઓ પુરવાના બાકી હોવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

225 કિમી રોડ એપ્રિલ સુધી રિ-સરફેસ કરાશે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, શહેરમાં 15842 જેટલા ખાડાઓ પૂરવામાં આવ્યા છે. સરખેજમાં એક વ્યક્તિ જે અંડરબ્રિજમાં ડૂબવાથી મૃત્યુ પામ્યો છે, તે ઘટનામાં અંડરબ્રિજ પાસે ત્રણ આડશ મૂકવામાં આવી હતી, ત્યારે તેઓ અંદર કઈ રીતે ગયા તે તપાસનો વિષય છે. 225 કિલોમીટરના રોડ એપ્રિલ મહિના સુધીમાં રિ-સરફેસ કરવામાં આવશે. જેમાં રૂ. 30 કરોડના ખર્ચે ઉત્તરઝોનમાં 37 રોડ, 23 કરોડના ખર્ચે ઉતર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 42 રોડ, 36 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં 98 રોડ, 24 કરોડના ખર્ચે મધ્યઝોન 37 રોડ, 25 કરોડના ખર્ચે પૂર્વમાં 48 રોડ અને 33 કરોડના ખર્ચે પશ્ચિમમાં 57 રોડ રિસરફેસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...