રસી ચેકિંગનો ગ્રાઉન્ડ રિપોર્ટ:વેક્સિન સર્ટિફિકેટ વગરનાને બસમાંથી ઉતારી દીધા, વેક્સિન વિના મોર્નિંગ વોક પર આવેલાને ગાર્ડનમાં જતા અટકાવતા માથાકૂટ

અમદાવાદ4 મહિનો પહેલા
  • અમદાવાદના સિવિક સેન્ટર દ્વારા સવારથી શહેરના અલગ-અલગ સ્થળે વેક્સિનેશનના ચેકિંગ
  • દિવ્યભાસ્કર દ્વારા વેક્સિનેશનના ચેકિંગનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં આજે પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત કરી છે. જેને લઇ આજે સવારથી જ શહેરના બગીચાઓ, AMTS અને BRTS બસમાં, AMC મુખ્ય ઓફિસ તેમજ સિવિક સેન્ટર સહિતની જગ્યાઓએ વેક્સિન લીધી હોવા અંગે ચેકિંગ શરૂ કર્યું હતું. દિવ્યભાસ્કરે અમદાવાદના સિવિક સેન્ટર અને AMTS તેમજ BRTS બસ સ્ટેન્ડ પર કોરોનાં વેક્સિનેશનના ચેકિંગ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

વેક્સિન સર્ટિફિકેટ બાદ જ સિવિક સેન્ટર મળી એન્ટ્રી
લો ગાર્ડન ખાતે આવેલા સિવિક સેન્ટર પર ગેટ પર જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા સિવિક સેન્ટર પર આવતા વ્યક્તિને પૂછવામાં આવતું હતું કે, કોરોનાં વેક્સિનેશનનું સર્ટિફિકેટ છે? જેમની પાસે વેક્સિનેશન લીધાનું મોબાઈલ અથવા ઝેરોક્ષ સર્ટિફિકેટ હોય તેને જ પ્રવેશ આપવામાં આવતો હતો. જેમને વેક્સિન લીધી છે પણ સર્ટિફિકેટ તેમની પાસે ન હોય તેઓએ મોબાઈલમાં PDF ડાઉનલોડ કરાવી અને ચેક કરી જવા દેવામાં આવતાં હતાં.

સિવિક સેન્ટર પર ગેટ પર જ સિક્યુરિટી ગાર્ડ ચેકિંગ કરાયું
સિવિક સેન્ટર પર ગેટ પર જ સિક્યુરિટી ગાર્ડ ચેકિંગ કરાયું

AMTS-BRTS બસમાં બેસતા પહેલા વેક્સિનેશન ફરજિયાત
લો ગાર્ડન પાસે જ રહેતા હિતેશભાઈ ભટ્ટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આજે સિવિક સેન્ટર પર આવ્યો હતો. સરકાર દ્વારા કોરોનાં વેક્સિનના સર્ટિફિકેટ ચેક કરી અને પ્રવેશ આપવામાં આવે જેથી હું આવ્યો ત્યારે મને ગેટ પર જ મારું કોરોનાં વેક્સિનેશનનું સર્ટિફિકેટ ચેક કરવામાં આવ્યું હતું. AMTS અને BRTS બસમાં પણ ફરજિયાત વેક્સિનેશન સર્ટિફિકેટ હોવું જરૂરી હોવાથી AMTS બસમાં કંડકટર ઉપરાંત AMTSનો એક કર્મચારી મુકવામાં આવ્યો છે જે પણ પેસેન્જર બસ સ્ટેન્ડથી બસમાં બેસે એ પહેલાં તેની પાસે સર્ટિફિકેટ છે કે કેમ તે પૂછવામાં આવે છે. બસમાં બેઠેલા તમામ મુસાફરોનું વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે જો સર્ટિફિકેટ હોય તો જ તેને બસમાં બેસવા દેવામાં આવે છે.

બસ સ્ટેન્ડ પર પેસેન્જરનું ચેકિંગ
બસમાં બેઠેલા મુસાફર નયનભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉસ્માનપુરથી હું બસમાં બેઠો હતો. જે પણ બસ સ્ટેન્ડ પર બસ ઉભી રહે ત્યાં પેસેન્જર પાસે વેક્સિન લીધી હોય તેનું સર્ટિફિકેટ માગે છે જેઓ OAS સર્ટિફિકેટ હોય તેઓને જ બસમાં બેસવા દેવામાં આવે છે. જેમની પાસે વેક્સિનેશન સર્ટિફિકેટ નથી તેઓને બસમાંથી ઉતારી દેવામાં આવે છે.

AMCની બિલ્ડીંગમાં પ્રવેશ પહેલા વેક્સિન સર્ટિફિકેટ માંગ્યા
AMCની બિલ્ડીંગમાં પ્રવેશ પહેલા વેક્સિન સર્ટિફિકેટ માંગ્યા

શહેરના બગીચાઓ પર AMCનું ચેકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતેની મુખ્ય ઓફિસમાં પણ ગેટ પર જ પ્રવેશ કરતા પહેલા કોરોનાં વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવતું હતું. શહેરના તમામ બગીચા ઉપરાંત વસ્ત્રાપુર લેક પર આજે વહેલી સવારથી જ કોર્પોરેશનના અધિકારીઓ ગેટ પર ઉભા રહી લેક પર મોર્નિંગ વોક માટે આવેલા લોકોના મોબાઈલમાં વેક્સિનના સર્ટિફિકેટ અંગે ચેકિંગ કરવામાં આવતું હતું. BRTS બસ સ્ટેન્ડ પર પણ અધિકારીઓ ટીકીટ બારી પાસે ઉભા રહી અને ટીકીટ લેનાર પાસે વેક્સિન સર્ટિફિકેટ છે કે નહીં તેની તપાસ કરતા હતા. સવારે પાંચથી છ લોકો પાસે સર્ટિફિકેટ ન હોવાથી લેકમાં અને BRTS બસ સ્ટેન્ડમાં પ્રવેશ મળ્યો ન હતો.

AMCની બિલ્ડીંગમાં પ્રવેશ પહેલા વેક્સિનેશન ફરજિયાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વીમીંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

બસ સ્ટેન્ડ પર પેસેન્જર પાસે વેક્સિન લીધી હોય તેનું સર્ટિફિકેટ માગે છે
બસ સ્ટેન્ડ પર પેસેન્જર પાસે વેક્સિન લીધી હોય તેનું સર્ટિફિકેટ માગે છે

અમદાવાદમાં 54 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી
અમદાવાદ શહેરમાં 36 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16થી વધુ લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 54 લાખથી વધુ લોકોએ વેક્સિન લઇ લીધી છે. બાકીના લોકો પણ જેઓ વેક્સિન માટે 18 વર્ષથી ઉપરની વય ધરાવે છે તેઓને વેક્સિન લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 27 જેટલા શોપિંગ મોલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 6 જેટલા શોપિંગ મોલમાં સ્થળ પર જ વેક્સિનેશન આપવાની વ્યવસ્થા ગોઠવી હતી. 2038 જેટલા લોકોએ વેક્સિન લીધેલી ન હોવાથી તેઓને સમજાવી સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિનની જાગૃતતા માટે શહેરમાં 800 જેટલા વાહનોમાં ઓડિયો ક્લિપ વગાડી તેમજ 1.5 લાખ પેમ્પ્લેટ વહેચવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...