વેક્સિનેશનનો વિવાદ:પેઇડ વેક્સિન મુદ્દે મોટો વિવાદ સર્જાતા AMCએ રાતોરાત એપોલો હોસ્પિટલ સાથેનું જોડાણ રદ કર્યું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડજના એક રસી કેન્દ્ર પર લોકો સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા હતા પણ સ્ટાફ 11 વાગ્યે આવ્યો. - Divya Bhaskar
વાડજના એક રસી કેન્દ્ર પર લોકો સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા હતા પણ સ્ટાફ 11 વાગ્યે આવ્યો.
  • લોકોએ કહ્યું, વેક્સિનના સ્લોટ મળતાં જ ન હોવાથી રૂ.1 હજાર ખર્ચી રસી લેવા મજબૂર
  • વેક્સિન માટે રૂ.1 હજાર ખર્ચ કરવા છતાં લોકોએ 6 કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એપોલો હોસ્પિટલના ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન સેન્ટર પર લોકો રૂ.1 હજાર ખર્ચીને પણ 6 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. રસી માટે આવેલા લોકોમાંથી મોટાભાગનાએ કહ્યું, કોવિન એપ્લિકેશન પર સ્લોટ મળતા ન હોવાથી આખરે રસી માટે પૈસા ખર્ચવા મજબૂર છીએ. બીજી તરફ પેઈડ વેક્સિન મુદ્દે વિવાદ થતાં મ્યુનિ.એ એપોલોના ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન સાથેનું જોડાણ રદ કર્યું છે. આ ઉપરાંત પીપીપી ધોરણે વેક્સિનેશન અંગેના બોર્ડ પણ ઉતારી લીધા હતા. અધિકારીઓના આ નિર્ણયથી ગાંધીનગર સુધી રજૂઆત થતાં જોડાણ રદ કરવું પડ્યું.

મ્યુનિ.એ કહ્યું કે, કોઈપણ ખાનગી હોસ્પિટલ તૈયારી બતાવશે તો અમે ડ્રાઈવ-થ્રૂ વેક્સિનેશનને મંજૂરી આપીશું. જીએમડીસી ગ્રાઉન્ડ પર સવારે 8 વાગ્યાથી કારની લાઈનો લાગી હતી અને લોકોએ 6-6 કલાક રાહ જોવી પડી હતી. કારમાં બેઠેલાનું રજિસ્ટ્રેશન કર્યા પછી તેમને બીજા ડોમમાં મોકલવામાં આવતા હતા.

રસી વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો
અધિકારીઓએ એપોલો સાથે પીપીપી ધોરણે જોડાણ કરી વેક્સિનેશન સેન્ટરની જાહેરાત કરી પણ પદાધિકારીઓને તે બાબતની જાણ જ ન હતી. મ્યુનિ.એ પ્રેસનોટ જાહેર કર્યા બાદ સમગ્ર બાબત પદાધિકારીના ધ્યાને આવી અને આવા નિર્ણયથી પક્ષને નુકસાનની ગાંધીનગર સુધી રજૂઆત થઇ હતી.

ફ્રીમાં રસી આપવા કોંગ્રેસની માગણી
એપોલો સાથે મળીને ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં રૂ. 1000 વસૂલવાને બદલે લોકોને મફતમાં વેક્સિન આપવાનું શરૂ કરવું જોઇએ તેવી માગ કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષી, ઇમ્તિયાઝ શેખ, સમીરા શેખ અને માધુરી કલાપીએ કરી છે. તેમણે એવી રજૂઆત કરી છેકે, કોવિડની મહામારીમાં વેપાર (વેપલો) કરવો દુ:ખદ છે.

ડ્રાઇવ થ્રુમાં પ્રથમ દિવસે માત્ર 679 લોકોએ રસી મુકાવી
ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં એપોલોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી 1000 જેટલી રકમ વસૂલી છે. આ સ્થળે 679 જેટલા લોકોએ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર પરથી રસી મુકાવી હતી. જે પેટે એક જ દિવસમાં એપોલોને રૂ. 6.79 લાખ જેટલી આવક થઇ છે.

રૂ.1 હજાર બધાને પરવડે નહીં
ગ્રાષ્મી જીવાનીએ જણાવ્યું હતું કે, સવારે 8.30થી બપોરે 1.30 સુધી વેક્સિન માટે લાઇનમાં ઉભી રહી. 15 દિવસથી કોવિન એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન થતું નથી. હવે ના છૂટકે 1,000 આપીને વેક્સિનનો પહેલો ડોઝ લેવો પડ્યો. વેક્સિન પાછળ 1,000નો ખર્ચ કરવો બધાને પોસાય તેમ નથી પણ તેના સિવાય કોઈ ઓપ્શન નથી.

રજિસ્ટ્રેશન માટે 1 મહિનો રાહ જોઈ
નયન ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, વેક્સિન માટે 1,000 ખર્ચીને પણ 6 કલાક સુધી લાઈનોમાં ઉભા રહ્યા. કોવિનમાં સ્લોટ ન મળતાં પહેલો ડોઝ માટે એક મહિનાથી વધુ રાહ જોઈ. વેક્સિન લેવા આવેલા મોટાભાગનાં લોકો કારમાં આવ્યા છે જેમને 1 હજાર ખર્ચવા પોસાય, પણ એક સામાન્ય વ્યક્તિ માટે રકમ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...