અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી અને દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહી જાય છે. શહેરના વાડજ, સતાધાર ચાર રસ્તા અને નરોડા ગેલેક્સી પાસે બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ માત્ર જાહેરાત જ બનીને રહી ગઈ છે. નરોડા ગેલેક્સી બ્રિજ બનાવવાની છેલ્લા ચાર વર્ષથી જાહેરાત કરવામાં આવે છે. પરંતુ હજી સુધી તેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ચૂકી નથી. ઘોડાસર ચાર રસ્તા પર કેડીલા ઓવરબ્રિજ, જગતપુર ઓવરબ્રિજ સહિતના બ્રિજની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે જે હજી સુધી પૂર્ણ થઈ નથી.
કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં જે પણ બ્રિજના ટેન્ડરો મંજૂર થયા છે અને જે બ્રિજની કામગીરી ચાલુ છે. તે ઝડપથી કામગીરી કરવામાં આવે તેની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ છેલ્લા કેટલાય સમયથી નબળી ચાલી રહી છે જેના કારણે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી ધીમી કરી દેવામાં આવી છે. રોડ કે બ્રિજના પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી જે ચાલી રહ્યા છે તેમાં કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવવામાં આવતા નથી જેના કારણે તેઓએ પોતાની કામગીરી ધીમી કરી દીધી છે.
લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં કોર્પોરેશન નબળું
મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ છેલ્લા કેટલાય સમયથી નબળી ચાલી રહી છે. કોર્પોરેશનને અન્ય સ્ત્રોતથી લોન મેળવી અને કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવવાની નોબત આવી ગઈ છે. કોર્પોરેશનની મુખ્ય આવક તરીકે ટેક્સની આવક ગણવામાં આવે છે. પરંતુ ટેક્સ વિભાગની નબળી કામગીરીના કારણે જેટલી પણ ટેક્સની રિકવરી થવી જોઈએ તે થઈ શકી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક અંદાજ મુજબ શહેરમાંથી રૂપિયા ત્રણ હજાર કરોડની ટેકસની આવક થઈ શકે તેમ છે. પરંતુ આ ટેક્સની આવક મેળવવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નબળું સાબિત થઈ રહ્યું છે. વ્યાજ માફી સહિત અનેક સ્કીમો લાવવામાં આવે છે. પરંતુ લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં કોર્પોરેશન નબળું સાબિત થયું છે.
રિવરફ્રન્ટ અને હેરિટેજ સ્થળો પર સુશોભન કરવાની સૂચના
સ્ટેન્ડિંગ કમિટીમાં U20ને લઈને પણ આજે ચર્ચા કરવામાં આવી હતી. U20 જ્યારે ગુજરાતમાં યોજવાની હોય અને અમદાવાદમાં દેશ-વિદેશથી મહેમાનો આવવાના હોય ત્યારે શહેરમાં સુશોભન વગેરે કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. શહેરના વિવિધ સ્થળો તેવા કે રિવરફ્રન્ટ અને હેરિટેજ સ્થળો પર સુશોભન વગેરે કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીના કાયદાની વધુ માહિતી લોકો સુધી પહોંચે તેના માટે એસ્ટેટ વિભાગને સૂચના આપી છે. દરેક ઝોનના સેન્ટર પર એક વ્યક્તિ બેસાડી અને જે પણ વ્યક્તિને ઇમ્પેક્ટ ફી ભરવી હોય તેની મદદ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.