લાંભાના અપક્ષ MLAનો ગંભીર આક્ષેપ:AMCની બોર્ડ બેઠકમાં ​​​​​​​કહ્યું - બાકરોલ પાંજરાપોળમાંથી 300 ગાય ગાયબ, વિજિલન્સ તપાસની માગણી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘પાંજરાપોળમાં ઘાસચારા કૌભાંડ થયું હોવાથી ​​​​​​​ગાયો ખોરાક વિના મરી રહી છે’

મ્યુનિ. દ્વારા જે બાકરોલ પાંજરાપોળમાં ગાયો રાખવામાં આવે છે ત્યાં 200 ગાયો મૃત્યુ પામતાં સર્જાયેલા વિવાદમાં બુધવારે મ્યુનિ. બોર્ડમાં લાંભાના અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડે સીધો આક્ષેપ કર્યો હતો કે, આ પાંજરાપોળમાં મ્યુનિ.એ મૂકેલી 300 ગાયો ગાયબ છે. આ મામલે તત્કાલ વિજિલન્સ તપાસની તેમણે માગણી કરી છે.

મ્યુનિ.એ બાકરોલ પાંજરાપોળમાં મૂકેલી 300 ગાયો ગુમ છે. આ મામલે તત્કાલ વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માગ અપક્ષના કોર્પોરેટરે કરી છે. ઉપરાંત કોર્પોરેટરે આ પાંજરાપોળમાં ગાયો ભૂખમરાને કારણે મરી રહી હોવાનું જણાવી ઘાસચારા કૌભાંડ થયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આ બાબતે તેમણે મ્યુનિ. બોર્ડની બેઠકમાં જણાવ્યું હતું કે, બાકરોલ પાંજરાપોળ ખાતે જ્યારે માલધારી સમાજ સાથે તેમણે મુલાકાત લીધી તે સમયે અન્ય પાંજરાપોળના આગેવાનો તેમની સાથે હતા. તે સમયે રજિસ્ટર પ્રમાણે મ્યુનિ.ના સીએનસીડી વિભાગે 1806 કુલ પશુ હોવાનું જણાવ્યું હતું, જેમાં પાડા, ઘોડા, ગધેડા જેવા અન્ય પશુઓ પણ 160 જેટલા હતા. એટલે 1646 જેટલી ગાયો હોવાનું જણાવ્યું હતું. મ્યુનિ. અધિકારીઓના જવાબ બાદ માલધારી સમાજના અગ્રણીઓ તથા અન્યોએ ત્યાં હાજર પશુઓની ગણતરી કરતાં ત્યાં 1106 જેટલી ગાયો અને 150 અન્ય પશુ હોવાનું જણાયું હતું.

હવે મ્યુનિ. ખુલાસો કરે છે કે, 200 ગાયો મરી ગઈ હોય તો પણ તેમના રજિસ્ટર અને ત્યાં હાજર ગાયો વચ્ચેનો તફાવત જોઇએ તો 300 ગાય ક્યાં ગઈ તે સવાલ છે. આ ગાયો ક્યાં ગઈ તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ તેવી માગણી તેમણે મ્યુનિ. બોર્ડમાં કરી છે.

‘1 પશુને 16 કિલો ઘાસ અપાતું હોય તો મરે છે કેમ?’
ઘાસચારા બાબતે કોર્પોરેટરે જણાવ્યું હતું કે, તંત્ર સત્તાવાર રીતે જણાવે છે કે, રોજનું 22 હજાર કિલો લીલું ઘાસ અને 8 હજાર કિલો સૂકંુ ઘાસ પાંજરાપોળમાં પશુઓને ખવડાવવામાં આવે છે. આ પ્રમાણે જોઈએ તો પણ એક પશુને ભાગે 16 કિલો 600 ગ્રામ જેટલું ઘાસ આવે. હવે આટલું ઘાસ આપવામાં આવતું હોય તો ભૂખમરાને કારણે એક પણ ગાય મરે નહિ, ત્યારે આ ઘાસ ક્યાં ગયું તે પણ શોધવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...