બોપલમાં સફાઈ ક્યારે શરૂ થશે:AMCએ 53 સફાઈકર્મીની નિમણૂક કરી છતાં ચાર દિવસે પણ હાજર ન થયાં, અન્ય ઝોનથી 119ને મૂકાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ યોગ્ય રીતે થાય તેના માટે શહેરના વિવિધ ઝોનમાં ફરજ બજાવતા કુલ 119 જેટલા સફાઈ કામદારોની બોપલ અને ઘુમા વિસ્તાર જે ચાર વોર્ડમાં આવે છે. એવા થલતેજ, જોધપુર, સરખેજ અને બોડકદેવ વોર્ડમાં નિમણૂક આપવામાં આવી છે. આમ કુલ 172 જેટલા સફાઈ કામદારો હવે બોપલ તેમ જ ઘુમા વિસ્તારમાં સફાઈ કરશે. જોકે બોપલ વિસ્તારમાં આ સફાઈનો મુદ્દો ત્રણ દિવસમાં ઉકેલ લાવવાની વાત હતી. પરંતુ આજે પાંચ દિવસ થયા છતાં પણ બોપલ વિસ્તારમાં સફાઈ શરૂ થઈ શકી નથી. કારણ કે જે 53 જેટલા કર્મચારીઓને રોજિંદા કામદાર તરીકે લેવામાં આવ્યા હતા. તેઓ નોકરી પર હાજર થયા નથી, ત્યારે હવે આ વધુ 120 જેટલા કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ઉપવાસની ચીમકી આપી હતી
અમદાવાદના બોપલ તેમજ ઘુમા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી સફાઈના પ્રશ્ને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવાના આદેશ કર્યા હતા. ત્યારે સોલિડ વેસ્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોપલ ઘુમા નગરપાલિકામાં જે તે સમયે ફરજ બજાવતા 53 જેટલા સફાઈ કામદારોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજિંદા કામદાર તરીકે નિમણૂક કર્યા હતા. જોકે સફાઈ કામદારોની નિમણૂક કર્યાના ચાર દિવસ બાદ પણ તેઓ હાજર ન થતાં સોલિડ વેસ્ટ વિભાગે આમ કર્મચારીઓને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં હાજર થવા માટે જણાવ્યું છે. જો ત્રણ દિવસમાં તેઓ હાજર નહીં થાય તો તેમના કરવામાં આવેલા ઓર્ડરને રદ ગણવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ કર્મીને રોજમદાર તરીકે લેવાયા
બે વર્ષ પહેલા જ્યારે બોપલ ઘુમા નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યું, ત્યારે નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓને કોર્પોરેશનમાં રોજિંદા કામદાર તરીકે લેવા ના હતા. પરંતુ જે તે સમયે થયેલા વિવાદના કારણે એક પણ કર્મચારીને કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. નગરપાલિકાના 53 જેટલા સફાઈ કામદારોને સમાવેશ કરવાનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું. આ 53 સફાઈ કર્મચારીઓને બે સપ્ટેમ્બરના રોજ ઓર્ડર કરી અને કોર્પોરેશનમાં રોજિંદા કામદાર તરીકે લેવામાં આવ્યા છે. પરંતુ ચાર દિવસ છતાં તેઓ હાજર ન થતાં આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તેઓને નોટિસ આપી અને ત્રણ દિવસમાં હાજર થવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...