ભાસ્કર ઈમ્પેક્ટ:અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ રૂટ પર AMC અને મેટ્રો રેલ કોર્પોરેશન સંકલન કરી અને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોખરા રેલવે ઓવરબ્રિજ 31 જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે

અમદાવાદમાં રૂ. 10000 કરોડના ખર્ચે મેટ્રો રેલ શરૂ કરવામાં આવશે પરંતુ મેટ્રો રેલ રૂટ પણ ક્યાંય પણ પાર્કિંગ વ્યવસ્થા ન હોવા અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસારિત કર્યો હતો. દિવ્ય ભાસ્કરના આ અહેવાલને બાદ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં મેટ્રો રેલ રૂટ પર પાર્કિંગની વ્યવસ્થા કરવા મામલે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેટ્રો રેલ રૂટ પર જ્યાં પણ નજીકમાં કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ આવેલા હોય તેમાં પાર્કિગ પોલિસી અંતર્ગત પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે મેટ્રો સાથે સંકલન કરી અને કામગીરી કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું.

ફૂટપાથ પર સૂતા લોકો માટે આશ્રયગૃહની વ્યવસ્થા કરાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ફૂટપાથ પર લોકો રહે છે. તેઓનું જીવન ધોરણ ઉંચુ આવે અને તેઓને સુવા માટેની જગ્યા મળી રહે તેના માટે આશ્રય ગૃહમાં વ્યવસ્થા કરવા માટેની પણ આજે ચર્ચા કરવામાં આવી હતી. રાત્રિના સમય દરમિયાન શહેરમાં ફૂટપાથ પર કે રોડ પર જે પણ લોકો રહે છે અને સૂવે છે તેવા લોકોને આશ્રયગૃહમાં રહેવાની વ્યવસ્થા કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેશન અને એનજીઓ સંસ્થા સાથે મળી અને આ માટે કામગીરી કરશે. જે લોકો આ રીતે ફૂટપાથ પર રહે છે તે લોકો સારી રીતે જીવન જીવી શકે અને તેમને રોજગારી મળી શકે તેવો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

સીએમએ અચાનક જ ખોખરા રેલવે ઓવરબ્રિજની સમીક્ષા કરી હતી
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલો ખોખરા રેલવે ઓવરબ્રિજનું છેલ્લા ચારથી પાંચ વર્ષથી રીપેરીંગ ચાલી રહ્યું હતું. રેલવે વિભાગ ની મંજૂરી અને કોર્પોરેશન તંત્ર વચ્ચે સંકલનના અભાવે થી એક વર્ષ જેટલું કામગીરી મોડી થઈ હતી. જોકે થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી અચાનક જ ખોખરા રેલવે ઓવરબ્રિજની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ કામ ઝડપી થયું હતું આગામી 15થી 31 જુલાઇ સુધીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ થઇ જશે એટલે 31 જુલાઈ પહેલા ખોખરા બ્રિજ શરૂ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું.

અસામાજીક તત્વો કરે છે બ્રિજની નીચેની જગ્યાનો ઉપયોગ
શહેરમાં આવેલા બ્રિજની નીચે કેટલાક લોકો દબાણ કરી દેતા હોય છે જેથી આ દબાણ દૂર કરી અને ત્યાં લોકો માટે લાઈબ્રેરી જેમ કે અન્ય સુવિધાઓ ઉભી કરવા માટે નીતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બ્રિજની નીચેની જગ્યાનો ઉપયોગ કેટલાક અસામાજીક તત્વો રાત્રિના સમયે કરતા હોય છે. આ જગ્યા ઉપર દબાણ કરી અને ખાણીપીણીની લારી-ગલ્લા ઉભા કરી દેવામાં આવ્યા છે. જેથી બ્રિજની નીચેની જગ્યાનો ઉપયોગ થાય અને લોક ઉપયોગી સુવિધાઓ ઊભી કરવામાં આવે તે માટે ચર્ચા થઈ હતી.

53 સ્થળે વરસાદી પાણી ઉલેચવા પંપ મુકાશે
શહેરમાં નીચાણવાળી 53 જગ્યાઓ પર પાણી ભરાવાની શક્યતા છે ત્યારે આ વિસ્તારમાં ખાસ પંપ મુકવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જેથી ચોમાસા દરમ્યાન ત્યાં પાણી ભરાય તો તત્કાલ નિકાલ કરી શકાય. આ ઉપરાંત શહેરમાં કેચપીટ સફાઇની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કેચપીટની આસપાસ રહેલી માટી પણ ઉઠાવી લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જેથી શહેરમાં ચોમાસા દરમિયાન ક્યાંય પાણી નહીં ભરાય.

અન્ય સમાચારો પણ છે...