નિયમોનું ઉલ્લંઘન:અમદાવાદમાં 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસ-એકમો સામે કાર્યવાહી, AMCએ 5 જેટલી ઓફિસ સીલ કરી

અમદાવાદએક વર્ષ પહેલા
મકરબામાં આવેલા ગેલોપ્સને સીલ કરવામાં આવી હતી.

શહેરમાં કોરોના સંક્રમણ બેફામ બની આગળ વધી રહ્યું છે ત્યારે કોરોનાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. જે મામલે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 427 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું. જેમાં 5 યુનિટને 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા છે.

મકરબામાં આવેલા ગેલોપ્સ ઓટોહોસ પ્રાઇવેટ લિમિટેડ, એસજી હાઇવે પર આવેલા મેસર્સ સી એન્ડ એસ, થલતેજની એક્સિસ બેંકના હેલ્પ ડેસ્ક, નિકોલ સરદાર મોલમાં આવેલા રિદ્ધિ કો સર્વિસસ, વસ્ત્રાલની ક્રિશ્ના ડાયમન્ડ એમ કુલ પાંચ યુનિટમાં 50 ટકા કરતા વધુ સ્ટાફ હાજર હોવાથી યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

સીલ થયેલા એકમોની યાદી
સીલ થયેલા એકમોની યાદી

ઔદ્યોગિક એકમોને મુક્તિ મળી છે
જો કે ઔદ્યોગિક એકમોને આ વ્યવસ્થામાંથી કોર્પોરેશને મુક્તિ આપી છે. ટેક્સ વિભાગ દ્વારા આગળના દિવસોમાં આ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. 50 ટકા જ સ્ટાફ હાજર રાખવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે 50 ટકા જ સ્ટાફની છૂટ આપી છે
આ પહેલા 12 એપ્રિલે ગુજરાત સરકારે રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ બોર્ડ - કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50% સુધી રાખવાનો અથવા કર્મચારીઓ ઓલ્ટરનેટ દિવસે ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરિપત્રનું પાલન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે.