વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 5.955 લાખ કરોડના રોકાણ માટે ગુરુવારે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં 10 લાખ જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે આગામી 10થી 15 વર્ષના ગાળામાં રૂ. 5 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજનના કેપ્ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનોલોજી અને ઇનોવેશન અપનાવવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (SMEs) ને સહાયરૂપ બનવા તથા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા રિલાયન્સ ઇકો-સિસ્ટમ વિકસાવશે. આ તરફ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રૂપે દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો સાથે કચ્છના મુન્દ્રામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યા છે. આ માટે બંને કંપનીઓ 36,950 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બંને કંપનીઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
અદાણી ગ્રૂપના જણાવ્યા પ્રમાણે બંને જૂથ રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન અને લોજિસ્ટિક્સ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર સાધશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આ સમજૂતીથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ મળશે. પોસ્કોના સીઇઓ જ્યોંગ વુ ચોઇએ કહ્યું હતું કે આ કરારથી સ્ટીલ બનાવવા માટેની પોસ્કોની અત્યાધુનિક ટેકનોલોજીને અને અદાણીના એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની નિપુણતાનો લાભ મળશે.
રિલાયન્સે કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માગણી કરી
ગુજરાત સરકાર સાથેના પરામર્શમાં રિલાયન્સે 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે. વધુ રૂ. 60,000 કરોડનું રોકાણ ન્યૂ એનર્જી મેન્યુફેક્ચરિંગ - ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેક્ટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફ્યુઅલ સેલ્સ, વગેરે સહિતની ફેસિલિટી સ્થાપવા માટે કરશે.
આ ઉપરાંત જિઓ નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવા આગામી 3/5 વર્ષમાં રૂ. 7,500 કરોડ, આગામી 5 વર્ષમાં રિલાયન્સ રિટેલમાં રૂ. 3,000 કરોડ અને વર્તમાન તેમજ નવા પ્રોજેક્ટ્સમાં રૂ. 25,000 કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.