અંબાજીમાં જેમને ચીકીનો કોન્ટ્રેક્ટ મળ્યો તેમણે કહ્યું:ભલે મારી ચીકીનું એક પેકેટ વેચાય, પણ માતાજીનો પ્રસાદ તો મોહનથાળ જ હોવો જોઈએ

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: મૃગાંક પટેલ
  • કૉપી લિંક
  • ‘ટેન્ડર ભર્યું ત્યારે ખબર નહોતી કે મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જશે’

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતાં ભારે વિવાદ છેડાયો છે. ડિસેમ્બર મહિનાથી મોહનથાળ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ડિસેમ્બરમાં ચીકીનું ટેન્ડર બહાર પાડ્યુ્ હતું અને જાન્યુઆરીમાં કલોલની કંપનીને આ ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું. પહેલો ઓર્ડર 27 ફેબ્રુઆરીએ 60 હજાર ચીકીનો અપાયો હતો. ચીકીનો ઓર્ડર મળ્યો છે એ નંદિની ગૃહઉદ્યોગના રજનીભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું અને મારો પરિવાર મા અંબાના મોટા ભક્ત છીએ. મારી અને મારા પરિવારની લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ તો બંધ ન થવો જોઈએ, ભલે મારી ચીકીનું એક પેકેટ વેચાય અને મોહનથાળનાં દસ પેકેટ વેચાય. હું પણ ત્યાં દર્શન કરવા જઉં છું ત્યારે 20થી 25 પેકેટ મોહનથાળનાં લઉં છું. ચીકીના કોન્ટ્રેકટ વિશે તેમણે કહ્યું હતું કે વર્ષે 1.17 કરોડનો કોન્ટ્રેકટ આપવામાં આવ્યો છે. 1 માર્ચે મને ટેલિફોનિક જાણ કરાઈ હતી કે તમે ચીકીનો બીજો ઓર્ડર સપ્લાય કરવાની તૈયારી કરી લેજો.

સવાલ- મોહનથાળ અને ચીકીના પ્રસાદ વિશે ચાલી રહેલા વિવાદ અંગે તમે શું માનો છો?
જવાબ- ટેન્ડર ભર્યું ત્યારે મને ખબર નહોતી કે મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જશે. અખબારમાં જાહેરાત જોઈને મેં ટેન્ડર ભર્યું હતું અને પછી મને ટેન્ડર મળ્યું. સોમનાથમાં પણ અમે જ ચીકી આપીએ છીએ. હું અંબામાતાના એક ભક્ત તરીકે માનું છું કે મોહનથાળનો પ્રસાદ બંધ થવો ન જોઈએ. મારા પરિવારની પણ એ જ લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ બંધ થાય નહીં.

સવાલ- તમને ચીકીનું ટેન્ડર કેવી રીતે મળ્યું?
જવાબ-
ડિસેમ્બરમાં જાહેરાત જોઈને મેં ચીકીનું ટેન્ડર ભર્યું હતું, જેમાં દરેક કંપની પાસેથી પાંચથી સાત પ્રકારનાં લાઇસન્સની માગણી કરવામાં આવી હતી અને કેટલીક ટેક્નિકલ બાબતો પણ માગી હતી. બીડ ખૂલ્યું ત્યારે મને ટેન્ડર લાગ્યું હતું.

સવાલ- ચીકીનું ટેન્ડર કેટલાનું અને કઈ શરતોને આધીન હતું? એમાં મોહનથાળના પ્રસાદ વિશે કોઈ ચોખવટ હતી ખરી?
જવાબ- ચીકીનું ટેન્ડર વાર્ષિક ભરવાનું હતું. મારું ટેન્ડર મંજૂર થયું એ પછી મને મંદિરમાંથી ફોન આવ્યો હતો અને ત્યાર બાદ નિયમ પ્રમાણે મેં 5.85 લાખ ડિપોઝિટ પેટે ભર્યા હતા. એક વર્ષનું ટેન્ડર છે અને કુલ 1.17 કરોડનો કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે. મોહનથાળ બંધ કરવાનો છે એવી કોઈપણ બાબત અમારો કોન્ટ્રેક્ટ નક્કી કરતી વખતે ધ્યાનમાં મુકાઈ ન હતી.

સવાલ- એક કરોડના કોન્ટ્રેકટમાં તમને વર્ષે કેટલી ચીકી સપ્લાય કરવા માટે કહેવાયું છે?
જવાબ- એક કરોડના કોન્ટ્રેક્ટમાં વર્ષે મારે ચારથી પાંચ લાખ પેકેટ ચીકીના સપ્લાય કરવાના થાય છે, જેમાં એક પેકેટેમાં ચાર પેકેટ ચીકી આવે છે.

સવાલ- તમને કોન્ટ્રેકટ મળ્યો ત્યારથી અત્યારસુધી તમે કેટલો ઓર્ડર સપ્લાય કર્યો?
જવાબ- 27 ફેબ્રુઆરીએ મને અંબાજી મંદિરના પીઆરઓ તરફથી 60 હજાર ચીકી સપ્લાય માટે કહેવાયું હતું. એટલે એ ઓર્ડર મેં પૂરો કર્યો હતો. જેમ જેમ મને કહેવામાં આવે એમ એમ મારે ઓર્ડર સપ્લાય કરવાનો છે.

સવાલ- અત્યારે વિવાદ ચાલે છે એ દરમિયાન તમને નવા ઓર્ડર માટે કોઈ સૂચના અપાઈ છે ખરી?
જવાબ- મેં 60 હજાર ચીકીના પેકેટનો ઓર્ડર પૂરો કર્યો ત્યારે મને અંબાજી મંદિરના પીઆરઓનો ફોન આવ્યો હતો કે 1 માર્ચ પછી તમને ચીકી માટે બીજો ઓર્ડર આવશે, એટલે તમે એ પ્રમાણે તૈયારી કરી રાખજો.

સવાલઃ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરી ચીકીનો પ્રસાદ બંધ થાય તો એ અંગે તમે શું માનો છો
જવાબઃ એ નિર્ણય તો કલેકટર કરશે, પણ ચીકીનું ટેન્ડર મળતાં અમે પણ એના સપ્લાય માટેની તૈયારીઓ કરી લીધી છે, જેમ કે અમે આટલા બલ્કમાં ઓર્ડર હોવાને કારણે મશીનરી પાછળ 25 લાખનું રોકાણ કર્યું છે, છ મહિના ચાલે એટલાં 3થી 4 લાખ બોકસ છપાવી દીધાં છે. જો ચીકી બંધ કરે તો મને નુકસાન જઈ શકે છે.

સવાલ- તમે કેમ એવું માનો છો કો મોહનથાળનો પ્રસાદ બંધ થવો ન જોઈએ
જવાબ- હું અને મારો સંપૂર્ણ પરિવાર પહેલેથી જ મા અંબાના મોટા ભક્ત છીએ. હું જ્યારે અંબાજી દર્શન કરવા જઉં ત્યારે હું પોતે જ 15થી 20 પેકેટ મોહનથાળના પ્રસાદના ખરીદું છું. ચીકીનો પ્રસાદ આપો એમાં પણ વાંધો નથી, પણ મોહનથાળ બંધ ન કરી શકાય. ભલે ચીકીનું એક પેકેટ વેચાય અને મોહનથાળનાં દસ પેકેટ વેચાય.

'ચીકી નાબૂદ કરો, મોહનથાળ પ્રસાદ ચાલુ કરો':અંબાજીના જાહેર રસ્તાઓ પર ચીકી નાબૂદ કરોનાં પોસ્ટર લાગ્યાં; પોસ્ટરોમાં તમામ યાત્રિકોને મંદિરમાં મોહનથાળની માગ કરવા વિનંતી કરવામાં આવી

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના મામલાને ચાર દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે વિવિધ સંસ્થાનો, આગેવાનો અને પાર્ટીઓ દ્વારા અંબાજી મંદિર તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, સાથે સાથે ગુજરાત અને દેશભરના ભક્તોની પણ પ્રબળ માગ છે કે અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો મહાપ્રસાદ ચાલુ થાય. પરંપરાગત વર્ષોથી ચાલતી આવતી અંબાજી મંદિરની ઓળખ અને રાજભોગ એવો મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચીકીના પ્રસાદનું વેચાણ કરાતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

મોહનથાળ મુદ્દે સરકાર ઘેરાઈ:કલેક્ટરે કહ્યું- જરૂરી નથી દરેક નિર્ણય અહીંથી જ લેવાય

ચાર દિવસથી અંબાજીના માઈ ભક્તોને તેમનો પ્રિય મોહનથાળ મળતો બંધ થઈ ગયો છે. ભારે ઊહાપોહ થતાં કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાનમાં આવી ગઈ છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. શનિવારે પ્રદેશ કાર્યાલયથી પ્રેસ-કોન્ફરન્સ કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અંબાજી પણ આવી ગયા હતા અને મંદિર ટ્રસ્ટને મળી મોહનથાળ પુન: શરૂ કરવા રજૂઆત કરી હતી. બીજી તરફ શ્રીઆરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ફરજ પરનાં કેટલાંક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે “મંદિર પ્રસાદનો સમગ્ર નિર્ણય રાજ્ય સરકારના સ્તરેથી લેવાઈ રહ્યો છે, જેમાં કલેક્ટર તો હોદ્દાની રૂએ માત્ર જવાબદારી વહન કરી રહ્યા છે.

આ સમગ્ર મુદ્દે દિવ્ય ભાસ્કરે કલેકટર આનંદ પટેલ સાથે સાંજે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે “મોહનથાળ મુદ્દે હું કોઈ પ્રતિક્રિયા ન આપી શકું. બપોરે જ્યારે જાગીરદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ અને ભારત રક્ષા મંચ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પાલનપુરના હોદ્દેદારો કલેકટરને મળવા ગયા હતા. કલેકટરે પોતાના મનની વાતો આગેવાનો સમક્ષ રજૂ કરી હતી.

કલેકટરે પોતાના મનની વાતો આગેવાનો સમક્ષ રજૂ કરી
કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે “ જરૂરી નથી કે નિર્ણય અહીંથી જ લેવાય, મને સાંભળો. બે-ત્રણ મુદ્દાઓ ક્લિયર કરી દઉં, રાજભોગની પરંપરામાં કોઈ જ બદલાવ નથી આવ્યો, સવારે શીરાનો ભોગ અપાઈ રહ્યો છે. બપોરે રાજભોગમાં આખું ભાણું. પૂરી, શાક, દાળ, ભાત અને એક મીઠાઈ તેમજ સાંજે માતાજીને ફળ ધરાવવામાં આવે છે. એ પરંપરા ચાલુ જ છે. અમુક તત્ત્વો કહે છે કે રાજભોગ બંધ કરાયો છે. આવું કોઈ જ નિર્ણય લેવાયો નથી. રાજભોગ સાથે ચેડાં થયાં નથી. મંદિરના ગર્ભગૃહ બાબત સાથે મંદિરનો વહીવટી સ્ટાફ કોઈ ચંચુપાત કરતો નથી.

બીજો મુદ્દો પ્રસાદનો છે. આપ બેફિકર રહે જો. બધા કહે છે કે કમાણીમાં રસ છે અને એમાં રસ છે. ખરેખર મને કોઈ રસ નથી, મા જગદંબાની સાક્ષીએ કહી રહ્યો છું કે કોઈને કંઈ રસ નથીસ મંદિરમાં આવતો પૈસો પ્રજાના હિત માટે વપરાય છે. ચાહે એ 20 લાખ લોકોને જમાડવાની બાબત હોય, સ્કૂલ કોલેજ ચલાવવાની બાબત હોય કે બીજાં સારાં કાર્ય કરવાની બાબત હોય. તમે બે ફિકર રહેજો. આ મુદ્દે અમારી પણ લાગણી છે.

ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ આવી જાય, કલેકટરને રજૂઆત કરવા આવેલા લોકોમાંથી કોઈકે આ કોના ભેજાની પેદાશ છે ? એવું કલેક્ટરને પૂછી લેતાં કલેક્ટરે જણાવ્યું હતું કે “ દરેક વિચારો નેગેટિવ દૃષ્ટિકોણથી લેવાય એ જરૂરી નથી, દિમાગમાંથી એ મુદ્દો કાઢી નાખવો જોઈએ કે આ કોના દિમાગની પેદાશ છે? વધુ ને વધુ પ્રસાર થાય અને ક્વોલિટી જળવાઈ, સેલ્ફલાઈન વધે એ મુદ્દો હતો. આપ બધાની લાગણી પર મોકલીશું, હકારાત્મક ઉકેલ સાથે અમારી પણ એ જ લાગણી છે.” તો બીજી તરફ દિવ્ય ભાસ્કરે ગાંધીનગર સ્થિત યાત્રા ધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આસ્થા અને વ્યવસ્થા બન્ને સચવાય એ રીતે બધું યોગ્ય થશે. સમગ્ર મામલે કલેકટર બનાસકાંઠા પાસે અહેવાલ મગાવ્યો છે, જે બાદ નિર્ણય લઈશું.”

અંબાજીમાં કોંગ્રેસે કાળી પટ્ટી ધારણ કરી રેલીસ્વરૂપે દેવસ્થાન ટ્રસ્ટને આવેદનપત્ર સુપરત કર્યું

સોમવારે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલની આગેવાનીમાં દાંતા અંબાજી કોંગ્રેસ સમિતિ સહિત એનએસયુઆઈ દાંતાના કાર્યકરો કાળી પટ્ટી ધારણ કરી ખોડિયાર ચોકમાં એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શિત કરતાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ સાથે દેવસ્થાન ટ્રસ્ટ સત્તાધીશોને આવેદન પાઠવ્યું હતું. પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો બે દિવસ તહેવાર બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન અને જલદ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

મોહનથાળ બંધ કરાતાં કરણીસેના નારાજ
પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો કરણીસેનાએ તેની જવાબદારી સ્વીકારવા તૈયારી દર્શાવી છે, પરંતુ કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણીસેનાના અગ્રણી જે. પી. જાડેજાએ અપીલ કરી છે.

અંબાજીમાં ચોથા દિવસે પણ યાત્રિકોમાં રોષ યથાવત્, માનાં દર્શન કરી ચીકી ખરીદવી જ ન જોઈએ તો આપોઆપ ચીકી બંધ થઈ જશે: ભક્તો અંબાજીમાં સોમવારે ચોથા દિવસે પણ મોટા ભાગના શ્રદ્ધાળુઓ માતાજીનો પ્રસાદ ખરીદ્યા વિના પરત ફરતા જોવા મળ્યા હતા .તો વળી દૂરના અંતરેથી આવેલા ભક્તો કચવાટ સાથે ફુલ નહિ તો પાખડી એમ માતાજીનો પ્રસાદ સમજી ચીકીનો પ્રસાદ ખરીદી ભારે આક્રોશ અને શાબ્દિક પ્રહાર નઘરોળ તંત્ર-સરકાર વિરુદ્ધ કરતા હતા .

માતાજીનું મંદિર જાણે એક રાજકીય મંચ બની ગયો
જોકે એક માઈ ભક્તે તો પોતે નામ ન જાહેર કરવાની શરતે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હવે “અંબાજી મંદિરનું સરકારીકરણ થઈ ગયું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યાં સુધી માતાજી મંદિરની ગરિમા અને પવિત્રતા સાથે ભક્તોની આસ્થા સાથે ક્યારેય ખિલવાડ થતી ન હતી. હવે માતાજીનું મંદિર જાણે એક રાજકીય મંચ બની ગયો છે. નેતાઓનું જાણે શક્તિપ્રદર્શન કરવાનો અખાડો બની ગયું છે .

દેવસ્થાન ટ્રસ્ટમાં સરકારી અધિકારીઓ સિવાય કોઈ પબ્લિકનો માણસ ના હોવાને કારણે માતાજી, મંદિર, પવિત્રતા અને શ્રદ્ધાળુઓની ગરિમા લાજે એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો વળી, મંડાલીના એક ભક્ત વિજયસિંહએ તો જણાવ્યું હતું કે સમગ્ર માઈ ભક્તોને મારી એક નમ્ર વિનંતી કે માનાં દર્શન કરી ચીકી ખરીદવી જ ન જોઇએ તો આપોઆપ ચીકી બંધ થઈ જશે. ભક્તોનો મિજાજ જોતાં સોમવારે ભેટ કાઉન્ટર પર પણ ચીકીના પ્રસાદનો મોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો, જ્યાં સાંજ સુધીમાં 11,459 પેકેટ ચીકીના પ્રસાદનું વિતરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...