મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી અંબાજી મંદિર બંધ, રાજ્યમાં કોરોનાના નવી 10 હજાર 19 કેસ, ત્રીજી ટેસ્ટમાં ભારતને હરાવી દ.આફ્રિકાનો શ્રેણી પર કબજો

અમદાવાદ12 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શનિવાર છે, 15 જાન્યુઆરી, પોષ સુદ-તેરસ(વાસી ઉત્તરાયણ).

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) કોરોના સંક્રમણને પગલે શક્તિપીઠ અંબાજી મંદિર આજથી 22 જાન્યુઆરી સુધી બંધ.
2) કોરોના સિવાયની કામગીરીમાં સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે આજે જાહેર રજા.
3) ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) પહેલીવાર અમદાવાદ કરતાં સુરતમાં કોરોનાના વધુ કેસ, 10019 નવા કેસ, 55 હજારથી વધુ એક્ટિવ કેસ
રાજ્યમાં ફરી કોરોનાના કેસ ઘટીને 10019 થયા છે અને બે લોકોના મોત નિપજ્યાં છે. જો કે કેસમાં ઘટાડાનું કારણ ઉત્તરાયણનો તહેવાર હોઈ શકે છે. 13 જાન્યુઆરીએ 11 હજાર કેસની સપાટી વટાવી હતી. સુરત શહેર અને જિલ્લામાં 3,259 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 3,164 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાકાળના કુલ પોઝિટિવ કેસનો આંકડો 9 લાખને પાર થયો છે. તેમજ એક્ટિવ કેસનો આંકડો 55 હજારને પાર થયો છે.

વાંચો સમાચાર વિગતવાર

2) સ્કૂલ અને કોલેજોમાં આવતીકાલે પણ રજા, પવન અને પતંગના સંગાથે રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી
ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાને કારણે ઉત્તરાયણની મજા ફિક્કી પડી ગઈ હતી. જો કે થોડા મહિનાની શાંતિ બાદ ત્રીજી લહેરમાં સંક્રમણ ફરી વિસ્ફોટક બન્યું છે. સાથે જ બે દિવસ કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા હતા.રાજ્યમાં અનેક વિસ્તારોમાં પવન સારો થતા હવે ધીરે-ધીરે ધાબા પર લોકો ચઢી રહ્યા છે અને નાના સ્પીકરો પર ગીરો વગાડી પતંગોત્સવની મજા માણી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

3) વિજય રૂપાણીએ બહુ ખેંચ્યો છતાં પતંગ કપાયો, ભૂપેન્દ્ર પટેલે બે ઠૂમકામાં જ પતંગ ચગાવી બતાવ્યો
રૂપાણીનો પતંગ કપાયો અને પટેલનો ઉંચે ચગ્યો. હા, આ ઉત્તરાયણમાં બે રાજકીય દિગ્ગજના પતંગ ચર્ચામાં રહ્યા. એક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બીજા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી. બન્ને દિગ્ગજોએ ઉત્તરાયણ પર્વમાં પરિવાર સાથે ધાબે ચઢીને પતંગ ચગાવ્યા. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરામાં તો વિજય રૂપાણીએ વતન રાજકોટ આ મહાપર્વની ઉજવણી કરી.

વાંચો સમાચાર વિગતવાર

4) સુરતમાં પિતાએ કહ્યું, કોરોના ફેલાયેલો છે એટલે ઉત્તરાયણે ફ્રેન્ડ સાથે ફરવા નથી જવાનું; માઠું લાગતાં 14 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાધો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું મૃતક સગીરાના પિતાએ કહ્યું હતું. પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરી એ 10 મિનિટમાં જ રૂમમાં આપઘાત કરી લીધો હતો

વાંચો સમાચાર વિગતવાર

5) દ.આફ્રિકાએ ભારતને 7 વિકેટથી હરાવી 2-1થી સિરીઝ જીતી; મેદાન પર અમ્પાયર-વાન ડેન ડુસેન-કોહલી વચ્ચે ઝઘડો
કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી ભારતને હરાવી જીતી લીધી છે. આ મેચમાં આફ્રિકા સામે 212 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 3 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ જીતની સાથે જ એલ્ગર એન્ડ કંપનીએ ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાને નામ કરી લીધી છે. રસપ્રદ વાત તો એ છે કે આ મેદાનમાં માત્ર ચોથી વાર કોઈ ટીમે 200+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

6) રાજસ્થાનની 'નિર્ભયા', હોસ્પિટલમાં તડપતી ગેંગરેપ પીડિતા બોલી નથી શકતી, ઈશારામાં દોષિતોની ઓળખ કરાવવાના પ્રયત્નો
રાજસ્થાનના અલવરમાં 14 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટના બની છે. પીડિત બાળકી બોલી શકતી નથી. તેને સાંભળવામાં પણ તકલીફ પડી રહી છે. અત્યારે તે જયપુરમાં સારવાર હેઠળ છે. બુધવારે તેના ઓપરેશન બાદ મંત્રી અને અધિકારી મળવા માટે પહોંચ્યા હતા. તે પોતાની વ્યથા અંગે કહેવામાં ફક્ત બે જ શબ્દનો સહારો લેતી હતી. એ શબ્દો હતા-'મા અને પા'. આથી વિશેષ કંઈ જ તે બોલી શકતી નહોતી.

વાંચો સમાચાર વિગતવાર

7) સ્વામી પ્રસાદ અને ધર્મસિંહ સહિત 8 ધારાસભ્યો ભાજપમાંથી SPમાં જોડાયા, મૌર્યએ કહ્યું- હું જેનો સાથ છોડું છું એ ખોવાઈ જાય છે
યોગી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સ્વામી પ્રસાદ મૌર્ય અને ધર્મસિંહ સૈની શુક્રવારે સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે ભાજપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અમરસિંહ ચૌધરી, ભગવતી સાગર, બ્રજેશ પ્રજાપતિ, રોશન લાલ વર્મા, દિનેશ શાક્ય, મુકેશ વર્મા પણ સપામાં જોડાયા હતા. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, હવે ભાજપ સરકારનો ખાત્મો કરીને યુ.પીને ભાજપનાં શોષણથી મુક્ત કરાવીશું.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) રાજ્યમાં સાંજ સુધીમાં 224 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયાં, અમદાવાદમાં સૌથી વધુ 62 લોકોને દોરીથી ઈજા થઈ
2) સુરતમાં ઉત્તરાયણની રજાને લઈને મિત્રો સાથે ફરી પરત ફરતા કારે અડફેટે લેતા એકનું મોત, મૃતક યુવકની પત્ની ગર્ભવતી
3) રાજકોટમાં જિમમાં કસરત કરતી વખતે આધેડ અચાનક ઢળી પડ્યા, બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોત
4) અમદાવાદમાં કોરોનાને કારણે ઊંધિયું-જલેબીનો ટેસ્ટ ફિક્કો પડ્યો, ભાવમાં વધારો થતાં એડવાન્સ ઓર્ડર પણ કેન્સલ થયાં
5) જાણીતા પત્રકાર કમાલ ખાનનું હાર્ટ એટેકેને કારણે નિધન; મોડી રાત સુધી રિપોર્ટીગ કર્યું હતું
6) ચીન ભુતાનમાં 166 બિલ્ડિંગ્સ-રોડ બનાવી રહ્યું છે; એ ડોકલામથી માત્ર 30 કિમી દૂર, જ્યાં 2017માં વિવાદ થયો હતો
7) દેશમાં એક્ટિવ કેસ 13 લાખને પાર, 90 હજાર નવા દર્દી નોંધાયા; દિલ્હીમાં નવા કેસો ઘટ્યા પણ પોઝિટિવિટી રેટ 31% થયો

આજનો ઈતિહાસ
15 જાન્યુઆરી 1934નાં રોજ ભારત અને નેપાળમાં એક ખતરનાક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 11 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.3 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેનો અનુભવ મુંબઈ સુધી થયો હતો.

અને આજનો સુવિચાર
થોડું-ઘણું ગાંડપણ તો આપણા બધામાં જ હોય છે, પણ પોતાના ગાંડપણનું જે વિશ્લેષણ કરી શકે તેને ફિલોસોફર, તત્ત્વચિંતક કહેવામાં આવે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...