સિબિલ સ્કોર ખરાબ હોવાથી એક પણ બેંક લોન આપતી ન હતી. જ્યારે યુવાનને પૈસાની જરૂર હોવાથી મોબાઈલમાં ઓનલાઈન શોર્ટ ટર્મ લોન વાળી એપ્લિકેશન ડાઉન લોડ કરી હતી. જો કે એપ્લિકેશન ડાઉનલોડ કરતાની સાથે જ કંપનીએ યુવાનના બીભત્સ ફોટા તેના પત્ની - પિતા સહિતના પરિવારના સભ્યોને મોકલીને બદનામ કરવાની ધમકી આપીને રૂ. 1.02 લાખ પડાવ્યા હતા.
બીભત્સ ફોટા મોકલીને બદનામ કરવાની ધમકી આપી
બોપલમાં રહેતો રાહુલ(30)(નામ બદલેલ છે) ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. રાહુલનો સિબિલ સ્કોર ખરાબ હોવાથી એક પણ બેંક લોન આપતી ન હતી. જેથી રાહુલે મોબાઈલ ફોનમાં ઓનલાઈન શોર્ટ ટર્મ લોનની એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી હતી. જેના માટે રાહુલે મોબાઈલ નંબર, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતની માહિતી માંગી લીધી હતી.
શોર્ટ ટર્મ લોનની એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી હતી
આ ઉપરાંત ફોનબુક, લોકેશન તેમજ ગેલેરીના એકસેસ પણ મેળવી લીધા હતા. ત્યારબાદ રાહુલ ઉપર મેસેજ આવવા લાગ્યા હતા કે તમે લોન લીધી છે, રૂ.4 હજાર હપ્તો ભર્યો નથી. જો કે રાહુલે લોન લીધી નહીં હોવાથી મેસેજની અવગણના કરી હતી. જેથી રાહુલના પિતા તેમજ પત્નીના ફોનમાં રાહુલના નગ્ન ફોટા મોકલ્યા હતા.
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આટલું જ નહીં રાહુલને ધમકી આપી હતી કે જો હજુ તુ પૈસા નહીં આપે તો આ ફોટા અન્ય લોકોને મોકલીને સોસિયલ મિડિયામાં વહેતા કરી દઈશું. જેથી બદનામીથી બચવા રાહુલે ઓન લાઈન જુદા જુદા ટ્રાન્ઝેકશનથી રૂ. 1.02 લાખ આપ્યા હતા. તેમ છતાં પણ માંગણી ચાલુ જ રહેતા આખરે રાહુલે આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.