ગુજરાત માટે વિતેલું નાણાકીય વર્ષ 2021-22 વિદેશી મૂડીરોકાણ બાબતે સારું નથી રહ્યું. ગુજરાતમાં વર્ષ 2020-21માં 1.62 લાખ કરોડ FDIની સામે વર્ષ 2021-22માં માત્ર 20 હજાર કરોડ જ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. ગત જાન્યુઆરીથી માર્ચ મહિનાના ક્વાર્ટરમાં 5 હજાર કરોડ રોકાણ આવ્યું છે.
આ સમયગાળામાં મહારાષ્ટ્રમાં 43 હજાર કરોડ અને કર્ણાટકમાં 63 હજાર કરોડ રોકાણ આવ્યું છે. વર્ષ 2021-22માં 1.63 લાખ કરોડ સાથે કર્ણાટક પહેલા ક્રમે જ્યારે મહારાષ્ટ્ર 1.14 લાખ કરોડ રોકાણ આવ્યું છે. વર્ષ 2020-21માં ગુજરાત પહેલા નંબરે હતું, જે 2021-22માં 6ઠ્ઠા ક્રમે ધકેલાઇ ગયું છે. સમગ્ર દેશમાં વર્ષ 2021-22માં વિદેશી મૂડીરોકાણ 4.37 લાખ કરોડ છે જેમાંથી 1.88 લાખ કરોડ રોકાણ માત્ર બે નાના દેશો સિંગાપોર અને મોરેશિયસમાંથી આવ્યું છે. સિંગાપોરમાંથી 1.18 લાખ કરોડ રોકાણ આવ્યું છે.
સિંગાપોરની વસતી અંદાજે 60 લાખ જ્યારે મોરેસિયસની વસતી અદાજે 13 લાખ છે. અમદાવાદ શહેરની વસતી અંદાજે 80 લાખ છે. એટલે કે બન્ને દેશોની મળીને કુલ વસતી કરતાં પણ અમદાવાદ શહેરની વસતી વધારે છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના તાજેતરના રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે.
નાના દેશોની ભારતમાં મોટી છલાંગ
દેશ | 2020-21 | 2021-22 |
સિંગાપોર | 1.29 લાખ | 1.18 લાખ |
મોરેશિયસ | 41661 | 69945 |
અમેરિકા | 1.02 લાખ | 78527 |
નેધરલેન્ડ | 20,830 | 34442 |
જાપાન | 14,441 | 11187 |
યુ.કે. | 2043 | 1647 |
કુલ | 4.42 લાખ | 4.37 લાખ |
2021-22માં મહારાષ્ટ્ર, કર્ણાટકે બાજી મારી વર્ષ 2020-21માં ગુજરાત પહેલા નંબરે હતું
રાજ્ય | 2020-21 | 2021-22 | 2022 (જાન્યુ.માર્ચ) |
મહારાષ્ટ્ર | 1.19 લાખ | 1.14 લાખ | 43 હજાર |
કર્ણાટક | 56884 | 1.63 લાખ | 63 હજાર |
ગુજરાત | 1.62 લાખ | 20169 | 5 હજાર |
દિલ્હી | 40,464 | 60839 | 13 હજાર |
તમિલનાડુ | 17,208 | 22396 | 5 હજાર |
હરિયાણા | 12559 | 20971 | 5 હજાર |
ભારત દ્વારા ઘણા દેશ સાથે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ
વિદેશી મૂડીરોકાણ બાબતે કાયમ પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે કે સાવ નાનકડા દેશો એવા સિંગાપોર તેમજ મોરેશિયસમાંથી ભારત દેશમાં વિદેશી મૂડીરોકાણ સૌથી વધારે હોય છે ? કેટલાક નિષ્ણાતોના મતે, આ બન્ને દેશો ટેક્સ હેવન તરીકે જાણીતા છે. એક અહેવાલ અનુસાર, ભારતમાં આવતું મોટાભાગનું વિદેશી મૂડીરોકાણ અન્ય દેશોમાંથી આ બન્ને દેશોમાંથી કોઇ એક મારફતે રૂટ થઇ ને આવે છે. આ બાબતે સવાલો પણ ઉઠતા રહે છે કે, ભારત દ્વારા ઘણા દેશો સાથે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ કરવામાં આવ્યા છે. જેનો કેટલાક રોકાણકારો દ્વારા ટેક્સ બચાવવા ગેરલાભ પણ ઉઠાવવામાં આવે છે. જેથી 1.88 લાખ કરોડ રોકાણ માત્ર બે નાના દેશો સિંગાપોર અને મોરેશિયસમાંથી આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.