AMC સામે 1500 પરિવારનું જનઆંદોલન:સેવી સ્વરાજે 10 લાખ ભર્યા છતાં 7 વર્ષથી ગટર-પાણી જોડાણ નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રહીશોએ સોશિયલ મીડિયામાં ફરતી કરેલી પત્રિકા. - Divya Bhaskar
રહીશોએ સોશિયલ મીડિયામાં ફરતી કરેલી પત્રિકા.
  • મ્યુનિ. સામે 1500 પરિવારનું રવિવારે જનઆંદોલન

​​​શહેરમાં પશ્ચિમના હાલ સૌથી વધુ વિકસિત એવા ગોતા વોર્ડમાં આવેલા સેવી સ્વરાજ રેસિડન્સીના રહીશોને છેલ્લા 7 વર્ષથી ગટરનું કનેક્શન અને પાણીનું કનેક્શન મ્યુનિ. દ્વારા નહીં આપવામાં આ‌વતા નાગરિકો આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગટર અને પાણી કનેક્શન મેળવવા માટે બિલ્ડર દ્વારા રૂ. 10 લાખ ફી પેટે ચૂકવ્યા હોવા છતાં પણ મ્યુનિ. તંત્રના ઉદાસીન વલણથી નાગરિકો છંછેડાયા છે. બાજુમાં જ આવેલા વૃંદાવન હાઇટ્સમાં મ્યુનિ દ્વારા નર્મદાનું કનેકશન આપવામાં આવ્યું છે, ત્યારે તેની બાજુમાં આવેલા સેવી સ્વરાજમાં જોડાણો આપવામાં આવતા નથી.

અમદાવાદ મ્યુનિ.ની હદમાં ભળ્યા બાદ પણ શહેરના અનેક વિસ્તારોની મુશ્કેલીઓનો હજુ અંત આવ્યો નથી. એક તરફ શહેરના ગોતા વિસ્તારમાં બહુમાળી ઇમારતો સતત વધી રહી છે, શહેરીકરણ સતત વધી રહ્યું છે, ત્યારે ત્યાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પણ મ્યુનિ. તંત્ર ઉદાસીન છે. છેલ્લા 7 વર્ષથી સેવી સ્વરાજના રહીશો દ્વારા તેમની સોસાયટીમાં પાણી - ગટરના જોડાણો અપાયા નથી. નોંધનીય છેકે, સેવી સ્વરાજમાં અલગ અલગ 11 જેટલા ટાવર આવેલા છે. જેમાં 578 જેટલા ફ્લેટ છે. આ ફ્લેટમાં 1500 કરતાં વધારે નાગરિકો છે. જોકે તેમને ફરજીયાત બોરનું પાણી પીવું અને વાપરવું પડે છે. તેમને માટે ગટરને બદલે ખાળકૂવા જ વિકલ્પ છે.

બિલ્ડર દ્વારા આ રહીશોને પાણી અને ગટરના કનેક્શન મળે તે માટે તમા પ્રક્રિયા પૂર્ણ કરીને તેની જરૂરી ફી પણ 7 વર્ષ પહેલા જ ભરી દીધી છે. જોકે તેમને તેનો લાભ હજુ સુધી મળ્યો નથી. આ બાદ પણ અવાર નવાર રહીશો દ્વારા મ્યુનિ. સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. જોકે તેમ છતાં કોઇ ઉકેલ નહીં આવતાં આખરે રહીશોએ રવિવારે આ બાબતે વિરોધ કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું છે. જેમાં આગામી લડતની રણનીતિ તૈયાર થશે.

ગોદરેજ ગાર્ડન સિટીના રહીશો પણ આંદોલનમાં જોડાશે
સેવી સ્વરાજે જન આંદોલનની જાહેરાત કરતાં જ ગોદરેજ ગાર્ડન સિટીના લોકોએ પણ તેમની સાથે જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એક ટ્વિટમાં ગોદરેજ ગાર્ડન સિટીના રહીશે લખ્યું હતું કે, ગોદરેજ ગાર્ડન સિટી જગતપુરમાં 4 હજારથી વધુ ફ્લેટ આવેલા છે, છતાં પણ પાયાની સુવિધાઓ આપવામાં આવી રહી નથી. ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ નર્મદાનું પાણી અને સુએજ કનેક્શન નથી.

અન્ય સમાચારો પણ છે...