નેશનલ ફેમિલી હેલ્થ સરવેના તારણો અનુસાર રાજ્યમાં વર્ષ 2000 બાદ એલપીજી કનેક્શનમાં 36 ટકાનો વધારો થયો છે. જો કે રાજ્યમાં હજુપણ 53 ટકા લોકો લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ કરીને ચૂલા પર જ રસોઈ કરવાનું પસંદ કરે છે. સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ 1000ને પાર પહોંચતાં એક જ મહિનામાં ભાવવધારાનો બમણો ઘા વાગ્યો છે. મે 2020ની તુલનામાં મે 2022માં સબસિડી વગર 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડરના ભાવમાં 16 વખત ભાવવધારો ઝીંકાયો છે જેના કારણે બે વર્ષના સમયગાળામાં જ લોકોને 72% વધુ ભાવ ચૂકવવો પડી રહ્યો છે.
જેની સામે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના માત્ર 45.2% ઘરોમાં એલપીજી કે નેચરલ ગેસનો ઉપયોગ રાંધવામાં કરવામાં આવે છે જ્યારે લાકડાનો ઉપયોગ 50%, કોલસા-ચારકોલનો ઉપયોગ 1.4%, કેરોસીનનો ઉપયોગ 0.6% કરવામાં આવી રહ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5 (2019-21) મુજબ, રાજ્યના શહેરી વિસ્તારમાં એલપીજી-નેચરલ ગેસનો વપરાશ 94% છે.
1998-99માં હાથ ધરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવે-2ની તુલનામાં NFHS-5માં રાજ્યમાં તેના ઉપયોગમાં 36% વધારો નોંધાયો છે. જેની સામે 21 વર્ષના ગાળામાં લાકડાનો ઉપયોગ માત્ર 21% ઘટ્યો છે. તેની સાથોસાથ કેરોસીનના વપરાશમાં 13% અને છાણામાં 2.4%નો ઘટાડો નોંધાયો છે. પરંતુ કોલસા-લિગ્નાઇટ અને ચારકોલનો ઉપયોગ 0.8% વધી ગયો છે. NFHS-4ના આંકડા મુજબ, કોલસા-ચારકોલનો ઉપયોગ 2.5% સુધી પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યમાં 35 લાખથી વધુ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે.
ઉજ્જવલા યોજનામાં 14.2 કિગ્રાના 1.42 કરોડ સિલિન્ડર રિલીફ કરાયા
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 24 માર્ચ 2022ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 35,38,543 એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. તેમાં PMUY ફેઝ-1માં 28,98,006 અને ઉજ્જવલા 2.0માં 5,40,537 કનેક્શનનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલી માહિતી મુજબ, આ દરમિયાન 14.2 કિગ્રાના 141,73,593 સિલિન્ડર અને 5 કિગ્રા 2,63,005 સિલિન્ડર રિફીલ કરવામાં આવ્યા છે.નાણાકીય વર્ષ 2020-21માં ચાર કે તેનાથી ઓછા સિલિન્ડરનું રિફીલ કરાવનાર લાભાર્થીઓની સંખ્યા 14,13,966 હતી.
NFHS-4 (2015-16) | NFHS-5 (2019-21) | |||||
રસોઈનું બળતણ | શહેરી | ગ્રામ્ય | કુલ | શહેરી | ગ્રામ્ય | કુલ |
LPG/નેચરલ ગેસ | 82.60% | 26.20% | 51.70% | 94.00% | 45.20% | 66.20% |
ઇલેક્ટ્રિસિટી | 0.40% | 0.30% | 0.30% | 0.30% | 0.60% | 0.40% |
કેરોસીન | 3.60% | 1.60% | 2.50% | 0.50% | 0.60% | 0.60% |
કોલસો/લિગ્નાઇટ | 0.10% | 0.10% | 0.10% | 0.10% | 1.00% | 0.60% |
કોલસો | 0.30% | 0.40% | 0.30% | 0.20% | 1.30% | 0.80% |
લાકડું | 10.70% | 69.80% | 43.10% | 4.30% | 49.90% | 30.30% |
છાણા | 0.10% | 0.30% | 0.20% | 0.00% | 0.10% | 0.00% |
ગામડામાં 9.3 ટકા લોકો ખુલ્લામાં રસોઈ કરે છે, રાજ્યના શહેરોમાં આ પ્રમાણ 1.5 ટકા છે
રાજ્યના શહેરોમાં વસતા 18.5% ઘરોમાં રાંધવા માટે રસોડું કે અન્ય કોઈ રૂમની વ્યવસ્થા નથી, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રમાણ 25.8% છે. આમ સરેરાશ 22.7% ઘરોમાં રાંધવાની વિશેષ વ્યવસ્થા નથી. રાજ્યના ખુલ્લામાં રાંધવાનું બનાવવાનું પ્રમાણ 5.9% છે, જેમાં ગ્રામ્યમાં પ્રમાણ 9.3% અને શહેરમાં 1.5% છે. ગ રૂમ કે રસોડાની વ્યવસ્થા છે.
32% ઘરોમાં લાકડા, કેરોસીન, કોલસા કે છાણાંની મદદથી રાંધવાનું બનાવવામાં આવે છે
NFHS-5 મુજબ, રાજ્યમાં સરેરાશ 32% ઘરોમાં લાકડા, કેરોસીન, કોલસા કે છાણાંની મદદથી રાંધવાનું બનાવવામાં આવે છે. આ પૈકી સરેરાશ 98.9% ઘરોમાં ચૂલા પર રાંધવામાં આવે છે, સ્ટવ પર 0.5% અને ખુલ્લામાં રાંધવાનું પ્રમાણ 0.5% છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.