મત માગવાની આવી 'ટ્રિક' નહીં જોઈ હોય:આ ઉમેદવાર રડતાં રડતાં લોકો પાસે મત માગતાં કહે છે, 'હું રોડ-રસ્તા બધું સારું કરી દઈશ'

અમદાવાદ2 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે. પ્રચાર દરમિયાન કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવે છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. અમદાવાદમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રડતાં રડતાં લોકો પાસે મત માગી રહ્યાં છે અને લોકોને વિનંતી કરી રહ્યા છે કે હું રોડ, રસ્તા અને ગટર બધું જ સારું કરી દઈશ.આ વખતે મને એક તક આપીને જિતાડો.

અલ્તાફ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે
અમદાવાદના બાપુનગરના ઉમેદવાર અલ્તાફ ખાન ઉર્ફે અલ્તાફ બાસી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ રડતાં રડતાં મત માગે છે અને કહે છે કે હું રોડ-રસ્તા, ગટર સાફ કરાવી દઈશ, પણ મને જ મત આપો, એક વખત મને જિતાડો. તેમનો આવું કહેતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અમદાવાદના બાપુનગર વિધાનસભામાં આ વખતે એક બે નહીં, પણ 29 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને હવે મહત્ત્વના ગણાતો ઉમેદવાર સમાજવાદી પાર્ટીમાંથી છે.

બાપુનગરમાં અલ્તાફનું કાર્યાલય ધમધમે છે.
બાપુનગરમાં અલ્તાફનું કાર્યાલય ધમધમે છે.

અગાઉ ઓવૈસીની પાર્ટીમાંથી AMCની ચૂંટણી લડી હતી
આ સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર અગાઉ ઓવૈસીની પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યો છે અને નજીવા મતથી તે હાર્યો હતો. આ વખતે તેણે સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે અને આ વખતે પણ મોટા પ્રમાણમાં મતદાર પર પ્રભાવ પાડી શકે તેમ છે. આ માટે અન્ય પક્ષ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે અને કોઈ પોતાની સીટ બચાવવા, તો કોઈ જીત મેળવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે.

અલ્તાફ ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
અલ્તાફ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં તે પોતાને મત આપવા માટે કહે છે અને તેની આંખોમાંથી આંસુ સરી રહ્યાં છે. તે આંસુ પાડતાં પડતાં કહે છે કે મને મત આપો, હું રોડ, રસ્તા, ગટર તમામ સારું કરી દઈશ. હાલ તો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને અમદાવાદમાં પણ કોઈ રોતાં રોતાં મત માગતો હોય એવો પહેલો ઉમેદવાર સામે આવ્યો છે.

AMCની ચૂંટણીમાં અલ્તાફ ઓવૈસીની પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો હતો.
AMCની ચૂંટણીમાં અલ્તાફ ઓવૈસીની પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો હતો.

બાપુનગર વિધાનસભા બેઠક પર 29 ઉમેદવાર
બાપુનગર વિધાનસભા બેઠક પર 29 ઉમેદવાર છે, જેમાં 16 જેટલા અપક્ષો ઉમેદવાર છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર છ જ અપક્ષ ઉમેદવાર હતા, જેઓ કુલ 2616 મત લઈ ગયા હતા, જેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને થયો હતો અને તેઓ 3000ની લીડથી જીત્યા હતા. ભાજપને ભોગવવું પડ્યું હતું આ વિધાનસભાની ચૂંટણીમાં. હવે ત્રણ ગણા અપક્ષ ઉમેદવારો નોંધાતાં આ વખતે બાપુનગર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટો ઊલટફેર જોવા મળે એમ લાગી રહ્યું છે.

અલ્તાફનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભારે ચર્ચા.
અલ્તાફનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભારે ચર્ચા.

આ વખતે સૌથી વધુ 29 જેટલા ઉમેદવારો નોંધાયા
ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ક્યારેક મુખ્ય રાજકીય પક્ષો માટે ચિંતા ઊભી કરી દેતી હોય છે, કારણ કે અપક્ષ ઉમેદવારો જે હોય છે તે પોતાની તરફ કેટલાક મત ખેંચી જતા હોય છે જેના કારણે ચૂંટણી જીતવાની જે માર્જિનની સંખ્યા હોય છે એમાં મોટો ઊલટફેર જોવા મળતો હોય છે. અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક જે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. એ બેઠક રસાકસીવાળી ગણવામાં આવે છે, કારણ કે ત્યાં જીતનું માર્જિન 5000 મત કરતાં પણ ઓછું છે અને આ જ બેઠક પર આ વખતે સૌથી વધુ 29 જેટલા ઉમેદવારો નોંધાયા છે. માત્ર ઉમેદવારોની સંખ્યા જ નહીં, પરંતુ અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ એમાં સૌથી વધારે છે. 16 જેટલા ઉમેદવારો અપક્ષ તરીકે ઊભા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...