તાઉ-તેની અસર:અમદાવાદમાં વાવાઝોડાની અસરના પગલે ભારે પવન સાથે વરસાદ, ચાંદલોડિયા, ગોતા, રામોલ સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં પવન સાથે વરસાદ - Divya Bhaskar
અમદાવાદમાં પવન સાથે વરસાદ
  • અમદાવાદ શહેરમાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.
  • તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી.
  • 24 જગ્યાએ વૃક્ષો પડ્યા અને કોરોના ટેસ્ટિંગ ડોમ ધરાથાયી

તાઉ-તે નામનું વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. ગુજરાત કોસ્ટમાં 17 તારીખે પહોંચશે અને 18 તારીખે સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 152થી 160 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેશે. વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા જ અમદાવાદમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. શહેરના સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, મોટેરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં 24 સ્થળે ઝાડ પડવાના બનાવો બન્યા હતા.

તેમજ અમદાવાદ એસપી રિંગ રોડ, ગોતા, સોલા, જગતપુર, ચાંદલોડિયા, રામોલ વટવા સહિતના વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો

અમદાવાદમાં તાઉ-તેની અસરના પગલે વરસાદી છાંટા
શહેરમાં રવિવારે બપોર બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર, મણિનગર, વટવા, ઈશનપુર, ઘોડાસર, વસ્ત્રાલ, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ સરખેજની આસપાસના વિસ્તાર બાકરોલ, નવાપુરા, સનાથલ અને શાંતિપુરા વિસ્તારમાં પવન સાથે ધીમો ધીમો વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદના કારણે જમાલપુર સહિત 15 જગ્યાએ ઝાડ પડવાના કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. જેમાંથી બે ઝાડ ઘરો પર પડ્યા હતા, જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ કોરોનાના ટેસ્ટિંગ ડોમ તથા હોર્ડિંગ્સ પડવાના પણ બનાવો બન્યા હતા. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બપોર બાદ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ
બપોર બાદ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ

ક્યાં ક્યાં વરસાદની આગાહી?
તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાઉથ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવા, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 18મી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરામાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ પાંચ દિવસ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ થશે અને સપાટી પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે.

વસ્ત્રાલમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું
વસ્ત્રાલમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું

અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ સ્ટેન્ડ ટુ પર રખાઈ
રાજયમાં તાઉ-તે વાવઝોડા ત્રાટકવાની અગમચેતીના ભાગરૂપે અમદાવાદ ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સીની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી દ્વારા જ્યારે પણ ફાયર વિભાગની મદદની જરૂર પડશે તો તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવશે. ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ અધિકારી જયેશ ખડીયાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 14 જેટલી બોટ, વુડન, સ્લેબ સહિતના કટર મશીન, જનરેટર સહિતના ઉપકરણોને તપાસી લેવામાં આવ્યા છે. તમામ ઉપકરણો ચાલુ હાલતમાં છે. ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામા આવી છે. જરૂર પડ્યે અમદાવાદ ફાયરબ્રિગેડ તાત્કાલિક મદદે પહોંચવા તમામ રીતે તૈયાર છે.

સૌરાષ્ટ્ર, મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને કાલે વરસાદ પડશે
વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના લઇને 16 મેના બપોર બાદ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે વરસાદ પડી શકે છે. તેમજ 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જો વાવાઝોડું ત્રાટકશે તો આ જિલ્લામાં તબાહી નોતરશે
હવામાન વિભાગે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે કે, જો વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તો તો રાજ્યમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી જિલ્લાઓને ઓછી કે વધારે તબાહી નોતરી શકે છે.

રાજ્યના અનેક જિલ્લાના ગામોમાં એલર્ટ
વાવાઝોડાના પગલે રાજ્યમાં કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાંઠા વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાને લઇને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.