હાઉસિંગ બોર્ડના કમિશનરને સસ્પેન્ડ કરવા માંગ:​​​​​​​રિડેવલપમેન્ટ યોજના અંગે રજૂઆત કરવા ગયેલા રહીશો સાથે બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ, સસ્પેન્ડ કરવાની માંગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીની ફાઈલ તસવીર

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રિડેવલપમેન્ટને લઇને છેલ્લાં કેટલાંક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગઇકાલે તા.12મી જુલાઇને મંગળવારના રોજ રિડેવલપમેન્ટ યોજના અંતર્ગત રજૂઆત કરવા ગયેલાં શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટના સેક્રેટરી સાથે હાઉસીંગ બોર્ડના કમિશનર રાકેશ શંકરે બિભત્સ વર્તન કર્યું હોવાના મામલે ગઇકાલે હાઉસિંગ બોર્ડના રહીશોએ કચેરીના પ્રાંગણમાં જ રામધૂન કરીને વિરોધ પ્રગટ કર્યો હતો. આ સંદર્ભે આજે શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટના સેક્રેટરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં હાઉસિંગ બોર્ડના કમિશનર સામે શિસ્તભંગની સજા રૂપે તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

20થી વધુ એપાર્ટમેન્ટે અરજી કરવા છતાં નક્કર કાર્યવાહી ન થઈ
અમદાવાદ શહેરના નારણપુરા-શાસ્ત્રીનગર ખાતે આવેલાં શ્રધ્ધાદીપ કોમ્પ્લેક્ષના સેક્રેટરી અમુતભાઇ પ્રજાપતિ દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ઉદ્દેશીને આજે પત્ર લખ્યો છે. જેમાં તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ સ્ક્રીમમાં લગભગ અમદાવાદની 20થી વધુ એપાર્ટમેન્ટ તરફથી અરજી કરી છે. પરંતુ આ અરજીઓ પરત્વે કોઇ નક્કર કાર્યવાહી થતી નથી.

હાઉસિંગ કમિશનરને મળવા ગયેલા રહીશો સાથે બિભત્સ વર્તન
ગઇકાલે મંગળવારે હાઉસિંગ બોર્ડના કમિશનર રાકેશ શંકર અમદાવાદના પ્રગતિનગર સ્થિત હાઉસિંગ બોર્ડની કચેરીમાં આવ્યા હોવાની માહીતી મળતાં હાઉસિંગ એપાર્ટમેન્ટના આગેવાનો કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે રિડેવલપમેન્ટની યોજનાની ચર્ચા દરમિયાન હાઉસિંગ કમિશનર ઉશ્કેરાઇ જઇને તેમના હોદ્દાને ન શોભે તેવું અમાનવીય, બિભત્સ તથા ના કહેવાય તેવી ગંદી ગાળ બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

હાઉસિંગ કમિશનરને સસ્પેન્ડ કરવા રહીશોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
વધુમાં પત્રમાં જણાવ્યું છે કે, આ ઘટના સમયે અમદાવાદની નારણપુરા વિસ્તારની અન્ય હાઉસિંગ સોસાયટીના રહીશો પણ હાજર હતા. તેમ જ તેમનો ઊંચો અવાજ સાંભળીને વિશાલ કંથારિયા દોડી આવ્યા હતા. જયારે વિનોદ ચૌહાણ મારી સાથે હતા. તેઓએ પણ કમિશનરના આવા વર્તન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. આ અંગે ગુજરાત હાઉસિંગના કમિશનર રાકેશ શંકર વિરુધ્ધ તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા અને તેઓને શિસ્તભંગની સજા રૂપે સત્વરે ફરજ પરથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...