તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ડેટા લીક ના આરોપો પાયાવિહોણા, NSUI વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનું કામ કરે છે : ABVP

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
NSUIના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો - Divya Bhaskar
NSUIના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો
  • સત્તાવાળાઓનું કહેવું છે કે ડેટા લીક મામલે તપાસ ચાલુ છે અને જે પણ આરોપી હશે તેને સજા ફટકારવામાં આવશે
  • NSUIએ જવાબદાર પદાધિકારીની તપાસ કરીને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની માગણી કરી હતી

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો ડેટા લીક કરાયો હોવાનો તેમજ ABVPદ્વારા આ ડેટાના આધારે વિદ્યાર્થીઓને એબીવીપીમાં જોડાવા માટેના મેસેજ કરાતા હોવાના આક્ષેપ સાથે NSUIએ ગુરુવારે હોબાળો મચાવી દીધો હતો. NSUIના સ્ટેટ જનરલ સેક્રેટરી કુણાલ સિંહ જેતાવતે આ અંગે રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવીને આની પાછળ જવાબદાર પદાધિકારીની તપાસ કરીને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની માગણી કરી હતી.બીજી તરફ ABVPએ NSUI દ્વારા કરવામાં આવેલા આક્ષેપને ખોટો અને પાયાવિહોણો ગણાવીને NSUI વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનું કામ કરે છે એવું જણાવવામાં આવ્યું હતું.

સત્તાવાળાઓનું કહેવું છે કે આરોપીને સજા ફટકારાશે
બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી સત્તાવાળાઓને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ડેટા લીક બાબતે રજૂઆત મળી છે. જે અંતર્ગત આ સમગ્ર બાબતે સ્ટુડન્ટ ગ્રીવન્સ સેલમાં લઈ જવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે સત્તાધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ ચાલુ છે અને જે પણ આરોપી હશે તેને કડક સજા ફટકારવામાં આવશે.

ABVP આ મામલે શું કહે છે
ડેટા લીક મુદ્દે આક્ષેપ થયા બાદ ABVP દ્વારા કહેવામાં આવ્યું હતું કે ABVP ડેટા લીકના તમામ આરોપોને સંપૂર્ણ રીતે નકારે છે. આ બનાવટી આરોપો NSUI ના નબળી વૃતિના નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓના મનમાં શંકા અને મૂંઝવણ ઊભી કરવા માટે લગાવવામાં આવ્યા છે. આવા નિંદાજનક અને ઘડી કાઢેલા આરોપો લગાવ્યા બાદ પણ ABVP વિદ્યાર્થીઓના હિત માટે નિઃસ્વાર્થભાવે કાર્ય કરતું રહેશે. ABVPના સદસ્યતા અભિયાન માં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સહભાગિતા જોઈ, NSUI પોતાનું ભાન ભૂલી, જુઠ્ઠા આક્ષેપો કરવા પર ઉતર્યું છે.

ABVP વિદ્યાર્થીઓની વચ્ચે આખું વર્ષ કામ કરી વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી, દિવસેને દિવસે વધુ મજબૂત થતું રહે છે. વિદ્યાર્થીઓના હાલ પૂછવા, બદલાતી શિક્ષણ ની પદ્ધતિ માં પડતી તકલીફો વિષે પૂછવા ABVP એ સામાન્ય વિદ્યાર્થી સુધી પહોંચવા “વિદ્યાર્થી સંપર્ક અભિયાન” ચલાવ્યું હતું. આ સદસ્યતા અભિયાનમાં વિદ્યાર્થી પરિષદે, વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી વિદ્યાર્થી પરિષદના વિવિધ સર્વેમાં જેવાકે માસ પ્રમોશન જેમાં 1.50 લાખ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને હેલ્પલાઇન નંબરમાં આપવામાં આવતી હતી તેનો યોગ્ય ઉપયોગ કર્યો હતો.

ખોટી માહિતી ફેલાવવી એ NSUI ના ચારિત્ર્ય નો ભાગઃ ABVP
મીડિયા, સોશિઅલ મીડિયા અને લોકો વચ્ચે ખોટી માહિતી ફેલાવવી એ NSUI ના ચારિત્ર્ય નો ભાગ બની ગયું છે. ગુજરાતના વિદ્યાર્થીઓએ NSUI ને સ્પષ્ટ રીતે જાકારો આપ્યો છે અને પરિણામે તે વિદ્યાર્થીઓને આવી ગંદી હરકતો દ્વારા ગુમરાહ કરવાનું કામ કરે છે. ગુજરાત યુનિવર્સિટી માં વિદ્યાર્થી પરિષદે પારદર્શક પ્રવેશ પ્રક્રિયા માટે સફળ પ્રયાસો કર્યા. આ પ્રયાસોના લીધે NSUI ને જે પ્રવેશ પ્રક્રિયામાં કમિશન મળતું તે બંધ થઇ ગયું. આવી વિવિધ બાબતો થી ગભરાયને અને ગુસ્સામાં આવીને, NSUI આ રીતે સુનિયોજિત ખોટી માહિતીઓ ફેલાવવા પાછળ લાગ્યું છે. આવી ગંદી હરકતો થી દૂર રહી તેમણે પરિણામલક્ષી અને ગુજરાતના વિદ્યાર્થીઓના હિત માટે કાર્યો કરવા જોઈએ. તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...