વધુ એક કોર્પોરેટરનો વિવાદ:ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ બીજાની માલિકીની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ

અમદાવાદ19 દિવસ પહેલા

અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના મહિલા મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તન કરવા મામલે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના વધુ એક કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. વિરાટ નગર વોર્ડના મહિલા કોર્પોરેટર સંગીતાબેન કોરાટ અને તેમના પતિ ભરતભાઈ કોરાટ દ્વારા નિકોલ વિસ્તારમાં સદગુરુ સોસાયટીમાં અન્યની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવાનો આક્ષેપ પ્લોટની માલિકી ધરાવતા વ્યક્તિએ કર્યો છે. વેપારીએ આ મામલે પૂર્વ ઝોનમાં એસ્ટેટ અધિકારી અને વિરાટ નગર પૂર્વ ઝોનની ઓફિસ ખાતે પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને પોતાની લેખિતમાં અરજી આપી છે. છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું ફરિયાદી વેપારીએ જણાવ્યું છે.

મારા સુધી અરજી આવી નથીઃ ડે.એસ્ટેટ ઓફિસર
વિરાટ નગર વોર્ડના મહિલા કોર્પોરેટર સંગીતાબેન કોરાટ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે મને ખબર નથી. પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર પ્રકાશ લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે આવી કોઈ અરજી આવી હતી. જે બાબતે ઇન્સ્પેક્ટર ગૌરવ ભાઈને મેં કહ્યું હતું, પરંતુ શું થયું એ મને ખ્યાલ નથી. અરજી મારી સુધી આવી નથી. આ બાબતે હું સોમવારે તપાસ કરી અને જાણ કરીશ.

અમારી માલિકીની જગ્યામાં ત્રણ દુકાનનું બાંધકામ કર્યું: અરજદાર
નિકોલ વિસ્તારમાં રહેતા કપિલભાઈ ગોંડલીયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ડેકોરેશનનો વ્યવસાય કરે છે અને નિકોલ લીંબુવાડી પાસે સદગુરુ સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટને ખેડૂત પાસેથી ખરીદી કર્યો છે. પ્લોટ ખરીદ્યા બાદ તેની આસપાસ દીવાલ કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે વિરાટ નગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સંગીતાબેન કોરાટના પતિ ભરતભાઈ કોરાટ દ્વારા અમારા કોટની દીવાલને તોડી અને અમારી માલિકીની જગ્યામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી ગેરકાયદેસર રીતે ત્રણ દુકાનોનું બાંધકામ કરી રહ્યા છે જ્યારે ભરતભાઈને આ બાંધકામ રોકવા માટે અમે જણાવ્યું તો ત્યારે તેઓએ એવું જણાવ્યું હતું કે બાંધકામ રોકાશે નહીં. મારે અધિકારીઓ સાથે વાત થઈ ગઈ છે.

‘કોર્પોરેશનમાં અરજી આપી છતાં કાર્યવાહી થઈ નથી’
ભરતભાઈને આ બાંધકામ રોકવા માટે જણાવવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે મારે અધિકારીઓ સાથે વાતચીત થઈ ગઈ છે. જેથી અમે પોલીસને જાણ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અરજી આપી છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્વ ઝોનની વિરાટનગર ઓફિસ ખાતે એસ્ટેટ અધિકારી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ કમિશનર સુધી પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે. જોકે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

પોલીસ અને કોર્પોરેશનને જાણ કરી પણ કાર્યવાહી ન કરી
ગલાજી ઠાકોર દ્વારા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, સદગુરુ સોસાયટીની પાસે ખુલ્લો પ્લોટ ખરીદવામાં આવ્યો છે. એમાં સંગીતાબેન કોરાટ અને તેમના પતિ ભરતભાઈ કોરાટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેમનું 76 નંબરનું મકાન આવેલું છે તેમના મકાન અને અમારા પ્લોટની વચ્ચે પાકી દિવાલ આવેલી છે. જેને તોડી અને તેમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. 25 ઓગસ્ટના રોજ આ મામલે પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી છતાં પણ તેઓ દ્વારા અમારી અરજી પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

બાંધકામ નહીં રોકાય કહી ધમકી આપી
તેઓને રૂબરૂ મળી અને બાંધકામ બંધ કરવા કહ્યું તો તેઓએ બાંધકામ નહીં રોકાય કહી ધમકી આપવામાં આવી હતી પોલીસને પણ જાણ કરવામાં આવી તો પોલીસ દ્વારા અમારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બે વખત ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ રીતે સંગીતાબેન કોરાટ અને તેમના પતિ ભરતભાઈ કોરાટ દ્વારા બિન અધિકૃત રીતે પ્રવેશ કરી અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા બાંધકામ દૂર કરવા બાબતે અનેક અરજીઓ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...