તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોર્ડનું રિનોવેશન:યુએન મહેતા હોસ્પિટલમાં રિનોવેશનના નામે 24 કલાક સુધી બેડ ન ફાળવાયાનો આક્ષેપ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેજલપુરમાં રહેતી વ્યક્તિને એટેક આવતા તેમને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં 12 કલાકની સારવાર દરમિયાન ખર્ચ વધી જતા દર્દીના સગાં તેમને સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં લાવ્યા હતા, પરંતુ ત્યાં વોર્ડનું રિનોવેશન ચાલતું હોવાના નામે દર્દીને 24 કલાક સુધી વોર્ડમાં બેડ ફાળવાયો ન હતો. આ દરમિયાન તેમને મૂવેબલ નાના બેડ પર જ રખાયા હતા, જ્યાં કોઈ સારવાર મળી ન હતી.

આ ઘટના વિશે યશ પરદેશીએ જણાવ્યું કે, તેના પિતા વિનોદ પરદેશીને ગુરુવારે વહેલી સવારે હાર્ટએટેક આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 12 કલાક સુધી ચાલેલી સારવાર દરમિયાન ખર્ચ વધી જતા તેઓ વધુ ખર્ચ કરી શકે તેમ ન હોવાથી દર્દીને યુ. એન. મહેતા હોસ્પિટલમાં ગુરુવારે સાંજે લગભગ 4.30 વાગે શિફ્ટ કરાયા હતા. જ્યાં દાખલ કર્યા બાદ તેમને વોર્ડમાં શિફ્ટ કરવાના બદલે બી બ્લોકના જનરલ વોર્ડ બહાર નાના બેડ પર જ રાખવામાં આવ્યા હતા.

વધુમાં ત્યાં 24 કલાક દરમિયાન ફક્ત એક વાર રેસિડેન્ટ ડોક્ટર આવ્યા હતા, પરંતુ કોઈ સારવાર વગર ત્યાંથી જતા રહ્યા હતા. તેમને વોર્ડમાં ખસેડવા અનેકવાર રજૂઆત કરવા છતાં દિવસ દરમિયાન ત્યાં જ રાખી મુકાયા હતા. છેવટે સાંજે લગભગ 5 વાગે તેમને વોર્ડમાં ખસેડાતા સારવાર શરૂ થઈ હતી. આ ઘટના વિશે પૂછવા યુ. એન. મહેતા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. આર. કે. પટેલનો ફોનથી સંપર્ક કરવાની કોશિશ કરાઈ હતી, પણ તેમણે ફોન કાપી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...