ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ બાદ શનિવારે 21 મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. આ મંત્રીઓને આજે બંગલોની પણ ફાળવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
13 નંબરનો કોઈ બંગલો નથી
ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાં જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે મુખ્યમંત્રીપદ ગુમાવવું પડે છે. એટલું જ નહીં, મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. ગાંધીનગરમાં રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે, જેમાં કુલ 42 બંગલા છે. એમાં બધા બંગલાને નંબર ફાળવવામાં આવ્યા છે, પણ 13 નંબરનો કોઈ બંગલો નથી, કેમ કે એ નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા છે. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.
જેઓ 1 નંબરના બંગલોમાં રહે તે પાંચ વર્ષ પૂરા ના કરી શકે
ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર નથી. કેટલીક માન્યતાઓ તો પ્રણાલીની માફક પાળવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને 1 નંબરનો બંગલો, એટલે કે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહે તેઓ પાંચ વર્ષ પૂરા કરતા નથી. આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા પછી બંગલા નંબર 1માં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ગઈ હતી.
26 નંબરના બંગલોમાં રહેલા અનેક નેતા મુખ્યમંત્રી બન્યા
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટૂ મંત્રી 26 નંબરના બંગલામાં રહે તો તેમનેમુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી બીજા નંબરે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો. એ પછી તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતા હતા. ચીમનભાઈનું અચાનક અવસાન થતાં મુખ્યપ્રધાનનો તાજ છબીલદાસના શીરે આવી ગયો હતો.
સુરેશ મહેતા 26 નંબરનો બંગલો મળ્યા બાદ CM બન્યા
કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં આ બંગલો સુરેશ મહેતાને ફાળવેલો હતો. એ પછી સુરેશ મહેતા પણ મુખ્યપ્રધાન બન્યા એ જાણીતી વાત છે. બળવો કરી સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળમાં દિલીપ પરીખને આપ્યો હતો. સપને પણ મુખ્યમંત્રી બનવાનો વિચાર ન કર્યો હોય એવા દિલીપ પરીખ પણ થોડા મહિનાઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
13 નંબરનો બંગલો જ નથી
સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે અપશુકનની માન્યતાને કારણે મંત્રીઓના બંગલામાં 13 નંબરનો કોઈ બંગલો રાખવામાં આવ્યો જ નથી, એને બદલે 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.