ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પેપર પરીક્ષાની તૈયારી કરવા માટે મદદરૂપ થાય છે. પેપર માટે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ અને લાયબ્રેરી કે અન્ય જગ્યાએ તપાસ કરતા હોય છે પરંતુ તેમાં વિદ્યાર્થીઓને ક્યારેક મુશ્કેલી પણ આવે છે. જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી અને GLS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળીને એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ સ્ટ્રીમના પેપર એક એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને સરળતાથી પેપર મળી રહેશે.
2014થી 2021 સુધીના પેપર એક જગ્યાએ મળશે
GLS યુનિવર્સિટીના M.SC IT ના પ્રોફેસર વિશાલ અને તેમના વિદ્યાર્થી રિષભ શાહ, પ્રાંજલ ભીમાણી અને જિનાલી શાહ દ્વારા સારથી નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં વર્ષ 2014થી 2021 સુધીના તમામ સ્ટ્રીમના પેપર એક સાથે વિદ્યાર્થીઓને મળી શકશે. પરીક્ષા સમયે આ પેપર તૈયારી કરવા માટે પણ મદદરૂપ થાય તે આશયથી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. પેપર માટે વિદ્યાર્થીઓએ અગાઉ અનેક જગ્યાએ તપાસ કરવી પડતી હતી. ત્યારે હવે જ એક જ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓને 10,000 જેટલા પેપર મળી રહેશે.
ગુજરાત યુનિ.ના કુલપતિ દ્વારા એપ લોન્ચ કરાશે
સારથી એપ્લિકેશન તૈયાર કરીને ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી દ્વારા એપ્લિકેશન ચલાવવા આવશે. 15મી ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશનમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડિયમના પેપર વિદ્યાર્થીઓને મળી શકશે. 2014થી અત્યાર સુધીના 10,000 પેપર વિવિધ સ્ટ્રીમના જોવા મળશે. એપ્લિકેશનમાંથી પેપર ડાઉનલોડ નહીં થઈ શકે અને તેનો સ્ક્રીન શોર્ટ પણ નહીં લઈ શકાય. 9MBની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પેપર જોઈ શકાશે.
ઘરે બેઠાં જ વિદ્યાર્થીઓ જૂના પેપર જોઈ શકશે
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરિયન યોગેશ પારેખે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં પણ તપાસ માટે આવતા હતા. પરંતુ કોરોનાની મહામારીમાં લાયબ્રેરી પણ બંધ હતી, જેથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ પેપર મળી રહે તે માટે વ્યવસ્થા કરવાની વિચારણા ચાલી રહી હતી. તે દરમિયાન જ GLS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ એપ્લિકેશન તૈયાર કરીને આપી છે. જેમાં 10000 પેપર એક સાથે જોવા મળશે. આવતીકાલે આ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને હવે ઘરે બેઠા સરળતાથી પેપર મળી રહેશે અને સમય પ્રમાણે એપ્લિકેશનમાં સુધારા વધારા પણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.