કોરોનાના હાહાકારને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. કોરોનાના કહેર વચ્ચે અટકળો વહેતી થઈ હતી કે ઓક્ટોબરથી શાળાઓ શરૂ થશે, પરંતુ જે રીતે રોજેરોજ કેસ વધી રહ્યા છે એને ઘ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી બાદ પણ શાળા શરુ થઈ જ જશે એવું નથી.
16 માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ
આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 6 મહિનાથી સ્કૂલો બંધ છે.
શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવા વિચારણા
હવે, જો દિવાળી બાદ શાળાઓ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશકય થશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે એના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હાલમાં નિર્ણય લઈ શકાય તેમ નથી. શાળાઓ શરૂ થયા બાદ અભ્યાસના બાકી રહેતા દિવસોના આધારે એ નક્કી કરાશે.
બાળકો સ્કૂલે જશે તોપણ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
1. ફેસ માસ્ક પહેરવું પડશે.
2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂંકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.
9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.
11.એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન આપવાનું રહેશે.
18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
19. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
20. સફાઈકામદારોને કામ પર લગાવતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.
21. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
22. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.