વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ અને રમત-ગમત ક્ષેત્રે રૂચી કેળવાય અને તેનાથી અવગત થાય તે અર્થે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ રમતો અને યુવક મહોત્સવ-ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ અને ક્રમાંક મેળવતાં હોય છે. જીટીયુ માટે મેડલ અને પ્રથમ 3 સ્થાને ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી અને ટીમના તમામ સભ્યો માટે જીટીયુ દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસી લાગુ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને મેડલ પોલિસી થકી પ્રોત્સાહિત કરાશે
કુલપતિ પંકજ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ કાર્યરત રહે છે. રમત-ગમત અને વિવિધ લલિતકળાઓમાં જીટીયુનું પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓને મેડલ પોલિસી થકી પ્રોત્સાહિત કરાશે. આ પોલિસી અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે જીટીયુનું નામ રોશન કરનાર શૈક્ષણીક વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને પણ લાભ મળવા પાત્ર રહશે. ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આયોજીત તમામ રમતો તેમજ યુવક મહોત્સવની તમામ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે ટોપ-3માં આવનાર સહિત NCC, NSS, થલ, વાયુ અને નૌસેના કેમ્પ તથા પ્રજાસત્તાક અને સ્વતંત્રતાદિને રાજપથ લાલ કિલ્લા ખાતેની પરેડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને ટીમના સભ્યોને પણ આ પોલિસીમાં આવરી લેવામાં આવેલા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીટીયુનું પ્રતિનિધિત્વ કરવા પ્રેરાશે
જીટીયુ સ્પોર્ટ્સ અને કલ્ચર ઓફિસર ડૉ. આકાશ ગોહિલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગની આ પોલિસી થકી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થશે. ઉપરાંત આગામી દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીટીયુનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરાશે. આ પોલિસી અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ કે પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને 10 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર આપવામાં આવશે. જો ટીમ ઈવેન્ટ હશે તો પ્રતિ વિદ્યાર્થી દિઠ 7 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર આપવામાં આવશે. સિલ્વર મેડલ કે દ્વિતિય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને 7 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર અપાશે. ટીમ ઈવેન્ટ હશે તો પ્રતિ વિદ્યાર્થી દિઠ 5 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર અને બ્રોન્ઝ મેડલ કે તૃતિય સ્થાને આવનાર વિદ્યાર્થીને 5 હજાર પુરસ્કાર પેટે અને બ્લેઝર તથા ટીમ ઈવેન્ટ હશે તો પ્રતિ વિદ્યાર્થી દિઠ 3 હજાર અને કોચ તથા મેનેજર સહિત તમામને બ્લેઝર આપવામાં આવશે.
AMC હેલ્થ અધિકારીને એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો
અમદાવાદમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એક અરજદારે માહિતી અધિકાર કાયદા અંતર્ગત નિયત સમયગાળામાં માહિતી માગી હતી. જે માહિતી ન આપવા બદલ ગુજરાત માહિતી આયોગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના તત્કાલીન અધિકારી અને ડે. હેલ્થ ઓફિસર ડો. અશ્વિન ખરાડીને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડો. અશ્વિન ખરાડીને દંડ ચૂકવવા અને જો તેઓ દંડની રકમ ન ચૂકવે તો તેમના પગારમાંથી દંડની રકમ વસૂલ કરીને 1 માસમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ અધિકારી પાસેથી દંડ વસૂલ કરીને તે અંગે જાણ કરવા તેમજ તે અંગેની નકલ અગ્ર સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને મોકલવા અંગે ગુજરાત માહિતી આયોગે હુકમ કર્યો છે.
બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે
મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 12 જાન્યુઆરી 2023 ગુરુવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને 03.15 કલાકે બીજા દિવસે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09140 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર 13 જાન્યુઆરી 2023ના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટીયર, એસી 3-ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે. ટ્રેન નંબર 09139 અને 09140નું બુકિંગ 11 જાન્યુઆરી 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
સહિજપુર-અસારવા રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ બંધ
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રેલ્વે લાઇન પર સહિજપુર-અસારવા રેલવે સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03 km406/8-9 (ઓમનગર રેલ્વે ક્રોસિંગ) ઓવરહોલિંગ (સમારકામ) કાર્ય માટે 13 જાન્યુઆરી 2023ના રોજ સવારે 08:00 વાગ્યાથી 17 જાન્યુઆરી 2023ના સાંજે 20:00 વાગ્યા સુધી (5 દિવસ માટે) બંધ રહેશે. સડક ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન મેમ્કો રોડ ઓવર બ્રિજ (ROB) અને ચામુંડા રોડ ઓવર બ્રિજ (ROB) દ્વારા મુસાફરી કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.