AMCની નવી નીતિ:અમદાવાદમાં તમામ વિસ્તારમાં હવે પાણી કનેક્શન માટે એક સરખો ચાર્જ, ગેરકાયદેસર કનેક્શન બદલ રૂ.10,000 સુધીનો દંડ

અમદાવાદ16 દિવસ પહેલા
AMCની કચેરીની તસવીર
  • શહેરના પાંચ ઝોનમાં 22 વર્ષ પહેલા પાણી કનેક્શનના ચાર્જ નક્કી કરાયા હતા
  • કોમર્શિયલ પ્રકારના બાંધકામોએ PRC પાણી કનેક્શન લેવાના રહેશે

અમદાવાદના બોપલ, ઘુમા, જોધપુર, સેટેલાઈટ, બોડકદેવ, થલતેજ, શીલજ સહિતના ઉત્તર-દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સમાવેશ થતા વિસ્તારોમાં હવે પાણીના કનેક્શન સરળતાથી મળી શકશે અને તેના ચાર્જ આજે મળેલી વોટર એન્ડ સુએજ કમિટીમાં નક્કી કરવામાં આવ્યા છે. શહેરના 7 ઝોનમાંથી પાંચ ઝોનમાં 22 વર્ષ પહેલાં પાણી કનેક્શનના ચાર્જ નક્કી કરવામાં આવ્યા હતા. 2006માં બનેલા નવા પશ્ચિમ ઝોન એટલે કે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચાર્જ અલગ લેવામાં આવતા હતા. આજે વોટર કમિટી દ્વારા શહેરમાં તમામ જગ્યાએ પાણી કનેક્શન ચાર્જ એક સરખા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શહેરમાં પાણી કનેક્શનના વન ટાઈમ ચાર્જ ચાલી અને ઝુંપડાઓમાં રૂ. 750, ટેનામેન્ટ-રો, હાઉસ- ફ્લેટ અને બંગલાઓમાં રૂ.1000 ચાર્જ ચૂકવવાનો રહેશે.

પાણી કનેક્શનના ચાર્જીસ એક સરખા કરાયા
કોમર્શિયલ પ્રકારના બાંધકામોએ PRC પાણી કનેક્શન લેવાના રહેશે. જેમાં રહેઠાણમાં વધારાનું અને બિન રહેણાંક (પાણીના ડોમેસ્ટિક વપરાશ માટે)માં અડધા ઈંચ કનેક્શન માટે રૂ. 3000, રહેણાંક-બિન રહેણાંકમાં (પાણીના બાંધકામ તેમજ કોમર્શિયલ વપરાશ માટે )પોણો ઈંચ કનેક્શનના રૂ. 6000 અને 1 ઇંચ કનેક્શનના રૂ. 12000 ચાર્જ ચુકવવાનો રહેશે. પાણીના વિતરણમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી માત્ર પાણીના કનેક્શન ચાર્જીસ જ એક સરખા કરવામાં આવ્યા છે.

ઉત્તર-દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણી કનેક્શનના ચાર્જ અલગ હતા
વોટર એન્ડ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, શહેરના અન્ય પાંચ ઝોનમાં એક સરખા પાણીના ચાર્જ હતા. નવા પશ્ચિમ ઝોન એટલે કે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણી કનેક્શનના ચાર્જ અલગ હતા. જેમાં યુનિટની જગ્યાએ કારપેટ એરીયા પ્રમાણે પાણી કનેક્શનના ચાર્જ લેવામાં આવતા હતા. જ્યારે અન્ય પાંચ ઝોનમાં યુનિટ દીઠ કનેક્શન ચાર્જ લેવામા આવતા હતા. જે વિસંગતતા દૂર કરવા માટે આજે મળેલી કમિટીમાં પાણીના કનેક્શન ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. હવેથી શહેરમાં એક સરખા પાણીના કનેક્શન ચાર્જ રહેશે અને યુનિટ દીઠ આ પાણી કનેક્શન ચાર્જ લેવાશે. યુનિટ દીઠ 700થી 1000 લિટર પાણી દરરોજ આપવામાં આવે છે.

પાણીના નવા કનેક્શનો સોસાયટીના મુખ્ય ગેટ સુધીના સમ્પમાં આપવાના થશે. કોમન સમ્પથી સોસાયટીમાં પાણીની લાઈન ખર્ચે કરવાની રહેશે. ઠરાવ તારીખ પહેલાંની સોસાયટીઓમાં કે જેમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પાણીની સુવિધા/સપ્લાય પુરો પાડવામાં આવતો નથી તેવી સોસાયટીઓમાં કનેકશન મેળવવા માટે કોમન સમ્પ માટે જગ્યા ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં એસ્ટેટ ખાતેથી સમ્પ બનાવવા માટે જગ્યા ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર રજુ કરતા કોમન સમ્પની જગ્યાએ રહેઠાણ દીઠ કનેકશન આપી શકાશે.

ગેરકાયદેસર કનેક્શન પર રૂ.10 હજાર સુધી દંડ
રહેઠાણ તથા બીન રહેઠાણ (કોમર્શીયલ) એક જ બિલ્ડીંગમાં આવેલા હોય તો બંને માટે અલગ અલગ સમ્પ બનાવી બિલ્ડીંગના વપરાશ પ્રમાણે અલગ અલગ (સામાન્ય/પી.આર.સી.) કનેકશન આપવાના રહેશે. વન ટાઇમ કનેકશન ચાર્જીસમાં મુખ્ય લાઈનમાં કનેકશન માટે કરવાના થતા હોલ માટેના ખર્ચનો સમાવેશ થયો છે. ગેરકાયદેસર કનેક્શન ધરાવનારા લોકો અને દંડની કાર્યવાહી કરવામાં આવશે જે માટે પણ દંડની રકમ નક્કી કરવામાં આવી છે, જેમાં રહેણાક વિસ્તારમાં 5000 અને કોમર્શિયલ વિસ્તારમાં રૂ. 10000નો દંડ ફટકારવામાં આવશે.

નવા કનેક્શન માટે તમામ ખર્ચ અરજદારને ભરવો પડશે
કનેકશન માટે કાચાપાકા રોડમાં મુખ્ય લાઇન પર કરવાના થતા ખોદાણ, મ્યુનિ હદ સુધી પાઇપલાઇન નાંખવા માટે કરવાના થતા ખોદાણ, કનેકશન માટે થનાર તમામ મજુરી ખર્ચ, પુરાણ, રોડ/ફૂટપોથ રીપેરીંગ વગેરે માટે થનાર ખર્ચ ઉપર 20 ટકા સુપરવિઝન કન્ટીજન્સી ચાર્જ સાથે કુલ તમામ ખર્ચ કનેકશન માટે માંગણી કરનાર અરજદારે ભરવાનો રહેશે. ખર્ચની તમામ ગણતરી પ્રવર્તમાન AMC/GWSSB/34 SOR મુજબ કરવાની રહેશે. જે આઇટમનો SOR સમાવેશ ન હોય તે આઇટમના ભાવ ઝોન ખાતે મંજુર થયેલ ટેન્ડર મુજબ લેવાના રહેશે. પાણીના કનેકશન માટે તમામ મટીરીયલ્સ જ ફલ, પાઇપ, બેન્ડ, યુનિયન, વિગેરે અરજદાર દ્વારા લાવી આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...