મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:મુંબઈમાં આજે રણબીર-આલિયા લગ્નના બંધને બંધાશે, હાર્દિક પટેલનો હુંકાર, 'હું તો ચૂંટણી લડીશ જ'

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર છે, તારીખ 14 એપ્રિલ, ચૈત્ર સુદ-તેરસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે દેશભરમાં આંબેડકરજયંતીની ઉજવણી કરાશે

2) જૂની પેન્શન યોજના મુદ્દે સયુંકત કર્મચારી મોરચા દ્વારા દેખાવો કરાશે

3) ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે અભિયાન શરુ કરશે

4) આજે મુંબઈમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના લગ્ન યોજાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) હાર્દિક પટેલનો હુંકાર:હું તો ચૂંટણી લડીશ જ, જો વિપક્ષમાં બહાર રહી સારાં કામ કરી શકીએ તો વિધાનસભામાં બેસીને કેમ ન કરીએ?

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઊથલપાથલનો દૌર શરૂ થવા લાગ્યો છે. રાજ્યમાં પોલિટિકલ પાર્ટીઓ તરફથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં એક સમયે મુખ્યમંત્રીપદના દાવેદાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે નરેશ પટેલ મામલે ઝડપથી નિર્ણય લેવો જોઈએ. છેલ્લા બે મહિનાથી વાતો ચાલે છે, પણ હવે કોંગ્રેસે આ મુદ્દે ક્લિયર કરવું જોઈએ.

વાંચો સમાચાર વિગતવાર

2) બે પુત્ર અને માતાને જીવે ત્યાં સુધી કેદ:ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં ખંડણી માટે બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી હતી, તાન્યા હત્યા કેસમાં નડિયાદ કોર્ટનો ચુકાદો

નડિયાદમાં બહુચર્ચિત તાન્યા હત્યા કેસનો ચુકાદો નડિયાદ કોર્ટે સંભળાવ્યો હતો. નડિયાદમાં 5 વર્ષ પહેલાં માસૂમ 7 વર્ષીય બાળકી તાન્યાનું તેના પાડોશીઓએ ખંડણીના આશયથી અપહરણ કરીને તેને નદીમાં ફેંકી ક્રૂર હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ ઘટનામાં સામેલ પાંચ આરોપીની પોલીસે જે-તે સમયે ધરપકડ કરી હતી. તો બીજી બાજુ નડિયાદ સહિત જિલ્લામાં બાળકીનાં પરિવારજનોને ન્યાય મળે એ માટે આ સમયે લોકો રસ્તા પર ઊતરી 'હત્યારાઓને ફાંસી આપો'ના નારા લગાવ્યા હતા. આ બહુચર્ચિત કેસ આજે નડિયાદની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આકરું વલણ દાખવી આરોપીઓ પૈકી 3ને આજીવન કેદની સજા સંભળાવી છે.

વાંચો સમાચાર વિગતવાર

3) તંત્રની ગંભીર બેદરકારી:વડોદરામાં 399 આંગણવાડીના 10 હજાર બાળકોને 5 દિવસથી ભોજન નથી મળ્યું, 31 માર્ચથી સરકારે તેલ પણ મોકલ્યું નથી

એક તરફ મધ્યાહન ભોજનમાં સરકાર દ્વારા બાળકો દીઠ ઓછું બજેટ આપવાના અહેવાલો પ્રસિદ્ધ થાય છે, ત્યાં હવે વડોદરાની 399 આંગણવાડીઓમાં 10 હજારથી વધુ બાળકોને પાંચ દિવસથી નાસ્તો કે ભોજન આપવામાં આવ્યું નથી, તેવી ઘટના સામે આવી છે. તેમજ 31 માર્ચ બાદ તેલનો જથ્થો પણ વડોદરાની આંગણવાડીઓ માટે સરકારે મોકલ્યો નથી.

વાંચો સમાચાર વિગતવાર

4) રશિયાને વખોડવું જરૂરી હતું?:હવે G-7 મીટિંગથી ભારતને દૂર રાખવાનો જર્મનીનો પ્રયત્ન, રશિયા સામેનો એક્શન પ્લાન પણ તૈયાર

યુક્રેન-રશિયા વિરુદ્ધ છેલ્લા દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન NATO સહિત ઘણા દેશોએ રશિયાનો વિરોધ કર્યો છે. અમેરિકાએ તો રશિયા પર વેપાર સહિત ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે, પરંતુ આ સમગ્ર સમય દરમિયાન ભારતે ક્યારેય રશિયાનો વિરોધ કર્યો નથી કે પુતિન વિરુદ્ધ કોઈ મત આપ્યો નથી. જોકે ભારતે તેના આ વર્તનની આગામી સમયમાં લાંબી કિંમત ચૂકવવી પડે એવું લાગે છે. યુક્રેન પર હુમલા વિશે રશિયા વિરુદ્ધ એક શબ્દ ના બોલવાને કારણે જર્મની ભારતને G-7 મીટિંગથી દૂર રાખવાનો પ્રયત્ન કરે એવી શક્યતા છે. બ્લૂમબર્ગ સાથે જોડાયેલાં સૂત્રો દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં આ વિશે દાવો કરવામાં આવ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

5) પાકિસ્તાનમાં ડ્રામા ખતમ, એક્શન શરૂ:ઈમરાનની પાર્ટીની સોશિયલ મીડિયા ટીમના 8 મેમ્બરની ધરપકડ, સેના અને SCની વિરુદ્ધ કેમ્પનિંગનો આરોપ

પાકિસ્તાનમાં સેના પ્રમુખ જનરલ બાજવા અને સુપ્રીમ કોર્ટના જજની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવાના આરોપમાં ઈમરાનની પાર્ટી PTIના 8 સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી(FIA)એ મંગળવારે પંજાબના અલગ-અલગ હિસ્સામાંથી ધરપકડ કરી છે.

વાંચો સમાચાર વિગતવાર

6) પુલકિત મહારાજની ધરપકડ:PM મોદીના આધ્યાત્મિક ગુરુ હોવાનો દાવો, ભગવાધારીઓને આંતકીઓ બનાવવા ઉશ્કેર્યા હતા

ઉત્તરપ્રદેશની ગાજિયાબાદ પોલીસે વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત આધ્યાત્મિક ગુરુ હોવાનો દાવો કરનાર પુલકિત મિશ્રા ઉર્ફે પુલકિત મહારાજની ધરપકડ કરી છે. કોર્ટે જામીન ફગાવ્યા પછી હાલ પોલીસે પુલકિત મિશ્રાને જેલ ભેગા કર્યા છે. પુલકિત મિશ્રા પર આરોપ છે કે તેમણે કથિત રીતે હિન્દુઓને આતંકી બનાવવા માટે ઉશ્કેર્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

7) રોપ-વે દુર્ઘટનાનો લાઈવ વીડિયો:1500 ફૂટ ઊંચાઈ પર કેવી રીતે અથડાઈ ટ્રોલીઓ, ઘટના પહેલા ટૂરિસ્ટે ઉતારેલો વીડિયો વાઈરલ

ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર રોપ-વે અકસ્માતનો વીડિયો ત્રણ દિવસ બાદ સામે આવ્યો છે. આ વીડિયો એક પ્રવાસીએ ટ્રોલીની અંદરથી શૂટ કર્યો છે. એક પછી એક ટ્રોલીઓ આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અચાનક એક મોટો અવાજ આવે છે અને ચીસો સંભળાય છે. ટ્રોલીની અંદર પ્રવાસીનો મોબાઈલ પડી જાય છે અને અંદરથી રાડારાડનો અવાજ આવવાનો શરુ થઈ જાય છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ઓટો સેક્ટરમાં તેજી: સુરતમાં એક વર્ષમાં 4000 કરોડનાં 1.31 લાખ વાહન ખરીદાયાં, 4538 EV સાથે ગુજરાતમાં પહેલા નંબરે

2) ચાહકે આપી 'ગોલ્ડન' ગિફ્ટ:સુરતી જ્વેલરે રણબીર-આલિયાને 5 ફૂટનો ગોલ્ડ પ્લેટેડ બુકે ગિફ્ટ કર્યો, આખો પરિવાર છે 'ડાઈ હાર્ડ ફેન'

3) સ્કૂલમાં ફરી કોરોનાની એન્ટ્રી:અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધો.2નો વિદ્યાર્થી પોઝિટિવ,અન્ય બાળકોને કોઈ લક્ષણો જણાય તો ઘરે રહેવા સલાહ

4) 18 એપ્રિલે મોરેશિયસના PM અને WHOના વડાનો રાજકોટમાં રોડ-શો, 19 એપ્રિલે મોદીના કાર્યક્રમમાં જામનગર જશે

5) આપને કોંગ્રેસનો સથવારો:રાજકોટમાં કોંગી MLAની ચીમકી: ' યુવરાજસિંહને મુક્ત કરો નહીં તો હું રસ્તા પર આવી આંદોલન કરીશ'

6) ન્યૂયોર્કમાં 2 શીખ યુવક પર હુમલો: લાકડી વડે માર મારી પાઘડી પણ ઉતારાવી; 10 દિવસમાં આવી બીજી ઘટના

7) યુદ્ધ પહોંચશે ચરમસીમાએ?:ફરી એક વખત ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા પુતિન, રશિયા-યુક્રેન યુદ્ધમાં ન્યૂક્લિયર હુમલાનું જોખમ વધ્યું

8) EDએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની સંપત્તિ જપ્ત કરી

9) આગામી 10 દિવસમાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટશે, બાદમાં એપ્રિલના અંત સુધીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે

આજનો ઈતિહાસ

14 એપ્રિલ, 1891નાં રોજ બંધારણ લખનાર ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો. 14 ભાઈઓમાં સૌથી નાના બાબા સાહેબનો જન્મ ઈન્દોર પાસે આવેલા નાનકડા ગામમાં થયો હતો. 1990માં તેમને મરણોપરાંત ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરાયું હતું.

અને આજનો સુવિચાર

તમે પ્રગતિ કરી શકો છો અથવા બહાના બનાવી શકો છો, પરંતુ બંને નથી કરી શકતા.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...