દારુની 'બદી':દારુબંધી માત્ર નામની, ખુદ સરકાર કબૂલે છે કે રાજસ્થાન અને બિહાર કરતા પણ ગુજરાતમાં વધુ દારુ પીવાય છે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યસભામાં રજૂ કરાયેલા AIIMSના સર્વે મુજબ ગુજરાતના 3.9% પુખ્તો શરાબનું સેવન કરે છે, જેમાંથી 1.2% બંધાણી
  • દેશભરના 2 લાખથી વધુ લોકોનો સર્વેઃ દારુનાં સેવનમાં છત્તીસગઢ (35.6%) અને ત્રિપુરામાં (34.7%) સૌથી ટોચ પર

ગાંધીના ગુજરાતમાં આમ તો કડક દારુબંધી છે. જોકે દારૂ પીવાની બાબતમાં તે દારુબંધી ન હોય તેવા રાજ્યો કરતા પણ આગળ નીકળી ગયું છે. રાજ્યમાં 3.9 ટકા લોકો દારુનું સેવન કરે છે, જે રાજસ્થાન (2.1 ટકા) અને જમ્મુ કાશ્મીર (3.5 ટકા) કરતા પણ વધારે છે. જ્યારે દારૂબંધી ધરાવતા બિહારમાં આ આંકડો માત્ર 0.9 ટકાનો છે. આ વાત નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રિટમેન્ટ સેન્ટર, AIIMS નવી દિલ્હીએ 2019માં 2.11 લાખ લોકો પર કરેલા સર્વેમાં સામે આવ્યું છે. આ સર્વે મુજબ, દારુનું સેવન કરતા લોકોની રાષ્ટ્રીય એવરેજ 14.6 ટકા છે.

રાજસ્થાનમાં દારુની છૂટ, છતાં ગુજરાત કરતા ઓછું સેવન
આ સર્વે મુજબ, દારુની છૂટ ધરાવતા રાજસ્થાનમાં 2.1 ટકા લોકો, જ્યારે જમ્મુ કાશ્મીરમાં 3.5 ટકા લોકો દારુ પીવે છે. જ્યારે દારુબંધી ધરાવતા ગુજરાતમાં 3.9 ટકા લોકો દારુનું સેવન કરે છે. બીજી તરફ બિહારમાં 0.9 ટકા લોકો દારુ પીવે છે. બિહારમાં ગુજરાત બાદ 2016થી દારુબંધી લાગુ કરવામાં આવી છે. છતાં ત્યાં ગુજરાત કરતા પણ વધુ કડકપણે દારુબંધીનો અમલ થતો હોય તે સ્પષ્ટ સામે આવી રહ્યું છે. નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રિટમેન્ટ સેન્ટર, AIIMS નવી દિલ્હી દ્વારા વર્ષ 2019માં 10થી 75 વર્ષ સુધીના વ્યક્તિઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 2.11 લાખ લોકોને શામેલ કરાયા હતા.

દર વર્ષે 66 હજાર લોકો પાસે પરમીટ ઉપલબ્ધ હોય છે
નોંધનીય છે કે, હાલમાં જ રાજ્યમાં ઘરમાં બેસીને દારુ પીવાની છૂટ આપવા મામલે દાખલ થયેલી પિટીશનની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું હતું કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.

ગુજરાતમાં 66 જગ્યાએ લાઈસન્સથી દારુ વેચાણ
રાજ્યમાં હાલ કુલ 66 જગ્યાઓ પર લાઈસન્સથી દારુનું વેચાણ થાય છે. જેમાં અમદાવાદમાં 18 હોટલો, આણંદમાં 4, અંકલેશ્વરમાં 1, ભરુચમાં 3, ભાવનગરમાં 2, ભુજમાં 4, મુદ્રામાં 2, ગાંધીધામમાં 2, ગાંધીનગરમાં 3, જામનગરમાં 2, જુનાગઢમાં 2, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, નડિયાદમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 5, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં 7 હોટલોનો સમાવેશ થાય છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બે વર્ષમાં 215 કરોડનો ગેરકાયદેસર દારુ ઝડપાયો
જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં એક અભિયાન શરૂ કર્યું હતું જે અંતર્ગત 215 કરોડનો ગેરકાયદેસર દારુ કબજે કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એપ્રિલ 2019થી ડિસેમ્બર 2020 દરમિયાન રાજ્યમાં દરરોજ 34 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. જ્યારે રાજ્ય સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં દારુ પરમિટથી 19 કરોડ રૂપિયાની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...