પોલીસ સામે સવાલ:અમદાવાદમાં લોકડાઉનમાં પણ દારુ-જુગારની પ્રવૃત્તિઓ ચાલુ હતી, વિજિલન્સે રેડ કરી પરંતુ કોઈ કાર્યવાહી ના થઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજિલન્સે દરિયાપુરમાં સૌથી મોટા જુગારધામ પર રેડ પાડી હતી - Divya Bhaskar
વિજિલન્સે દરિયાપુરમાં સૌથી મોટા જુગારધામ પર રેડ પાડી હતી
  • દરિયાપુર જીમખાના પ્રકરણમાં એજન્સીના અધિકારી અને એક અન્ય બ્રાન્ચનો પોલીસકર્મી પણ સક્રિય.
  • શહેરના ટોચના અધિકારીની છબીને નુકસાન, દરિયાપુર જીમખાનામાં રેડ બાદ IPS વચ્ચેનો ખટરાગ હોવાની ચર્ચા.

ગુજરાતમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલી અમદાવાદ શહેરની જીમખાના રેડ બાદ શહેરના ટોચના પોલીસ અધિકારીઓની છબીને નુકસાન થયાની ચર્ચાઓ વાયુવેગે પ્રસરી રહી છે. થોડા સમય પહેલા શહેરના ઉચ્ચ અધિકારીની બદલીનો માહોલ બનાવવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર તે અધિકારીને નહીં બદલવા માટે લોબિંગ પણ થયું હતું. પરંતુ રથયાત્રા નજીક હોય અને આટલી મોટી રેડ થયા બાદ શહેરના ટોચના અધિકારીની છબીને નુકસાન થાય અને બદલીના દોરમાં તેની પણ બદલી થાય તે પ્રમાણે માહોલ બનાવવામાં આવ્યો છે.

બીજી તરફ લોકડાઉનના સમયગાળામાં પણ દારુ અને જુગારના અડ્ડાઓ ધમધમતા હતાં. આ સમયગાળા દરમિયાન પોલીસે 25 લાખથી વધુની કિંમતનો દારુ ઝડપી પાડ્યો છે અને 6.69 લાખની રોકડ સહિત કુલ 19 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

અમદાવાદમાં ઝોન 4 સતત વિવાદમાં રહ્યો છે
આ બધાની વચ્ચે અમદાવાદમાં ઝોન 4 સતત વિવાદમાં રહ્યો છે. ઝોન-4ની હદમાં અનેક વખત વિજિલન્સ વિભાગે રેડ કરી પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. ક્યાંક પોલીસ સ્ટેશનનના ઈન્ચાર્જને બચાવી લેવામાં આવ્યાં હતાં. જેની પાછળ રાજકારણ ખૂબ મહત્વનું હતું. બીજી તરફ આટલી મોટી રેડ બાદ હવે DCP પણ શકના દાયરામાં આવી ગયાં છે. હવે આ સમગ્ર તપાસમાં શું બહાર આવશે તે મુદ્દે પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.

અમદાવામાં છેલ્લા એક વર્ષમાં 25 લાખથી વધુની કિંમતનો દારુ પકડાયો
અમદાવામાં છેલ્લા એક વર્ષમાં 25 લાખથી વધુની કિંમતનો દારુ પકડાયો

સ્થાનિક પોલીસ સ્ટેશનના ત્રણ વહિવટદાર પણ સક્રિય
દરિયાપુર જીમખાનામાં રહેમ નજર હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનના ત્રણ વહિવટદાર પણ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક પોલીસકર્મી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં જ્યારે એક મહત્વની બ્રાંચમાં નોકરી કરે છે. બીજી તરફ આ સમગ્ર મીની કેસીનો જેવા જીમખાના શરૂ કરવા માટે લાઈઝનિંગનું કામ એક કોન્સ્ટેબલે કર્યું હતું. જે હાલ એજન્સીમાં છે અને શહેરના મોટા બુટલેગર બંસીનો પડદા પાછળનો સાથી છે. જે હાલ પૂર્વ વિસ્તારમાં રહે છે. દરિયાપુર જીમખાના અંગે મહત્વની બાબત એ છે કે ઝોનના DCPના વિસ્તારમાં રાજ્યની મોટી રેડ થઈ છે તે જ DCPના સુપરવિઝનમાં બંસી જેવા બુટલેગરની તપાસ ચાલી રહી છે. તેવી ચર્ચાઓ પોલીસબેડામાં જોર પકડી રહી છે.

લોકડાઉનના સમયગાળામાં પણ જુગારધામ ધમધમતા હતાં
લોકડાઉનના સમયગાળામાં પણ જુગારધામ ધમધમતા હતાં

વિજિલન્સની રેડ પણ કોઈ કાર્યવાહી નહીં
ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ આ લોકડાઉન દરમિયાન સામાન્ય લોકો ઘરમાં પુરાયા હતાં અને દારુના અડ્ડાઓ તથા જુગારધામો ધમધમતાં હતાં. પોલીસે છેલ્લા એક વર્ષમાં 25.28 લાખનો દારૂ ઝડપ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત જુગારધામો પર દરોડા પાડીને 6.69 લાખની રોકડ સહિત કુલ 19.76 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં 198 કરોડ રૂપિયાનો દેશી અને વિદેશી દારુ પકડાયો છે. 2019 કરતાં 2020માં વધુ દારુ રાજ્યમાંથી પકડાયો છે. જેમાં 67 દિવસના લોકડાઉનમાં 2019 કરતાં વધુ દારુ ગુજરાતમાંથી પકડાયો હોવાનું સરકારે કબૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...