ભાસ્કર બ્રેકિંગ:એરલાઇન્સની ઓગસ્ટ ક્રાંતિ - ઓગસ્ટથી અમદાવાદ-લંડન વચ્ચે માત્ર 20 હજાર રૂપિયામાં રિટર્ન ફ્લાઇટ શરૂ કરાશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: વિશાલ પાટડિયા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • UK સરકારનું 5 મિલિયન પાઉન્ડનું ફંડ મેળવનાર સ્ટાર્ટઅપ ફ્લાયપોપ એરલાઇન
 • ફ્લાઇટમાં માત્ર ઇકોનોમી ક્લાસ રહેશે, ફ્રી ડ્રિંક્સ, મીલ, લગેજના નામે વધારાનું ભાડું વસૂલાશે નહીં
 • ચંડીગઢ, હૈદરાબાદ, કોચી, ગોવા, કોલકાતાની ફ્લાઇટ પણ શરૂ કરાશે
 • બ્રિટનના 9 લાખ ગુજરાતી માટે મોટી રાહત, સપ્તાહમાં ત્રણ નૉન-સ્ટોપ ફ્લાઇટ શરૂ થશે:
 • એરલાઇનના ગુજરાતી ડાયરેક્ટર મહેન્દ્રસિંહ જાડેજા

યુકેમાં વસતા ગુજરાતીઓ અને લંડન અવારનવાર પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. યુકેમાં બે ભારતીય નીનો સિંહ અને બોબી ભાકરે શરૂ કરેલી ફ્લાયપોપ (ફ્લાય પીપલ ઑ‌વર પ્રોફિટ) એરલાઇન આ વર્ષમાં ઓગસ્ટથી લંડનથી અમદાવાદ અને લંડનથી ચંદીગઢ માટે માત્ર 20,000 રૂ.માં રિટર્ન ફ્લાઇટ શરૂ કરી રહ્યા છે. હાલ અમદાવાદ- લંડનની રિટર્ન ફ્લાઈટનું ભાડું રૂ. 40,000થી 1 લાખ જેટલું છે.

જામનગરના મૂળ વતની સમગ્ર ઓપરેશન હેન્ડલ કરશે
ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ છે કે આ ફ્લાઇટ શરૂ કરવામાં જામનગરનાં મૂળ વતની અને ગ્લોબલ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશનના વાઇસ-પ્રેસિડન્ટ મહેન્દ્રસિંહ જાડેજાની ભૂમિકા મહત્ત્વની છે. તેઓ એરલાઇનનું ઇન્ડિયાનું સમગ્ર ઓપરેશન હેન્ડલ કરે છે. આ એરલાઇન સ્ટાર્ટઅપને બ્રિટન સરકારનું 50 લાખ પાઉન્ડના ફંડ પણ મળ્યું છે. અત્યંત સસ્તા દરે શરૂ થનારી ઇન્ટરનેશનલ ફ્લાઇટથી પ્રવાસન, શોપિંગ કે બિઝનેસના કામે બ્રિટન જવા માગતા ગુજરાતીઓને મોટી રાહત મળશે.

ફર્સ્ટ પર્સનઃ મહેન્દ્રસિંહ જાડેજા, ડાયરેક્ટર, ફ્લાયપોપ
‘મે મહિનામાં અમદાવાદ, ચંડીગઢ માટે એમઓયુ કરીશું’

અમે છેલ્લાં કેટલાંય વર્ષથી સપનું સેવી રહ્યા હતા કે ભારતીયને ગુજરાત, પંજાબ કે કોચી જેવા ટૂ ટિયર સિટીમાં જવું હોય તો સીધી ફ્લાઇટ નથી. જે ફ્લાઇટ છે એ મોંઘી છે, જેથી એરલાઇનના ફાઉન્ડરોએ લો-કોસ્ટ એરલાઇનનું સપનું જોયું. ગુજરાતીઓ અને ભારતીયો માટેની મારી સેવા જોઇને તેમણે મને વર્કિંગ પાર્ટનર તરીકે જોડ્યો અને ડાયરેક્ટર ઓફ ઇન્ડિયન ઓપરેશન્સની જવાબદારી આપી. અમે મે મહિના સુધી જે-તે ઓથોરિટી સાથે અમદાવાદ અને ચંદીગઢ માટેના એમઓયુ સાઇન કરીશું. ઓગસ્ટથી ફ્લાઇટ શરૂ કરવાનો અમારો પ્લાન છે. અમે વન સાઇડ 99 પાઉન્ડ એટલે કે 10,000 રૂપિયા લઇશું. અમદાવાદ અને ચંડીગઢ બાદ તબક્કાવાર કોચી, હૈદરાબાદ, ગોવા, કોલકાતાની ફ્લાઇટો પણ શરૂ કરવામાં આવશે. અમારો લક્ષ્યાંક છે કે લગ્ન કે મરણ જેવા પ્રસંગ, બિઝનેસ, ટૂરિઝમ, શોપિંગ માટે ગુજરાતીઓ અને ભારતીયો છૂટથી બંને દેશમાં અવરજવર કરી શકે. અમારો ટાર્ગેટ છે કે એક વ્યક્તિ નહીં, પણ સમગ્ર પરિવાર ફ્લાઈટમાં ઈન્ડિયા જઈ શકે.

આ રીતે થશે ભાડું ઓછું...

 • ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસ નહીં હોય.
 • તમામ પેસેન્જર માટે એક જ ઇકોનોમી ક્લાસ. ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના ખોટા ખર્ચ નહીં.
 • હાઇલી એફિસિયન્ટ એરક્રાફ્ટ અને નોન-સ્ટોપ ફ્લાઇટ. જેથી ફ્યુઅલ અને અન્ય ખર્ચ નહીં.
 • મોટી ઓફિસો નહીં ખોલાય. તમામ ઓપરેશન ઓનલાઇન અને ઓટોમેટેડ. જેથી સ્ટાફ પર ખર્ચ ઓછો.
 • મીલ, લગેજ અને ડ્રિંક લેવું હોય તો જ પૈસા આપો. કમાવાના હેતુથી પહેલેથી ભાડામાં ઉમેરો નહીં થાય

વર્ષે 1 લાખ ભારતીયોને પ્રવાસ કરાવવાનો ટાર્ગેટ
જાડેજાએ જણાવ્યું હતું કે યુકેમાં 20 લાખ જેટલા ભારતીયો છે, જેમાં 9 લાખ જેટલા ગુજરાતીઓ છે. અમારો ટાર્ગેટ દર વર્ષે એક લાખ ભારતીયોને ઇન્ડિયા અને લંડન વચ્ચે પ્રવાસ કરાવવાનો છે. અમારી એરલાઇન લો-કોસ્ટ છે, એનો અર્થ એ નથી કે અમારી સર્વિસ ખરાબ હશે. અમે માત્ર જે સર્વિસ આપીએ છીએ એના જ પૈસા લઇશું.

ફ્લાઇટદીઠ 400 મુસાફરના વૃક્ષ રોપાશે, જે ટ્રેક થઇ શકશે
કંપનીએ પેસેન્જરદીઠ એક ઝાડ વાવવાનું નક્કી કર્યું છે. કંપનીએ એક ફ્લાઇટદીઠ 400 વૃક્ષ વાવવાનું નક્કી કર્યું છે. દરેક ઝાડનો એના મુસાફરનું નામ અપાશે. ઝાડ કેટલું મોટું થયું એ ગૂગલ અર્થથી જોઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...