કોરોનામાં હવાઇ મુસાફરીને પણ ગ્રહણ લાગ્યું હતું. હવે ફરી એર ટ્રાફિક પાટે ચડી રહ્યું છે. વર્ષ 2019-20માં ગુજરાતમાંથી 1.45 કરોડે હવાઇ મુસાફરી કરી હતી, કોરોનાના કારણે આ આંકડો ઘટીને વર્ષ 2020-21માં 47 લાખ સુધી ઘટી ગયો હતો. જોકે, ફરી નિયંત્રણો હળવાં થતાં વર્ષ 2021-22માં ગુજરાતના મહત્વના એરપોર્ટ પરનો એર ટ્રાફિક વધીને 78 લાખ થયો છે. હજુ કોરોના અગાઉના આંકડાઓ સુધી ટ્રાફિક પહોંચી શક્યો નહોતો.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એર ટ્રાફિકના જાહેર થયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2021-22માં ગુજરાતના એરપોર્ટ્સ પરથી 78 લાખ લોકોએ હવાઇ મુસાફરી કરી હતી. અમદાવાદ એરપોર્ટ પરથી 56.70 લાખ લોકોએ ફ્લાઇટ પકડી હતી. સુરતથી 9.33 લાખ, વડોદરાથી 5.76 લાખ જ્યારે રાજકોટ એરપોર્ટ પરથી 4.20 લાખ લોકોએ હવાઇ મુસાફરી કરી હતી. 2021ના માર્ચની સરખામણીએ 2022ના એપ્રિલમાં અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરીમાં 17 ટકાનો વધારો થયો છે.
રાજ્યની કુલ એર પેસેન્જર મૂવમેન્ટમાંથી 70 ટકાથી વધુ હિસ્સેદારી માત્ર અમદાવાદ એરપોર્ટની
એરપોર્ટ | 2019-20 | 2020-21 | 2021-22 |
અમદાવાદ | 1.14 કરોડ | 36.42 લાખ | 56.70 લાખ |
સુરત | 15.15 લાખ | 5.64 લાખ | 9.33 લાખ |
વડોદરા | 11.04 લાખ | 2.68 લાખ | 5.76 લાખ |
રાજકોટ | 2.16 લાખ | 1.44 લાખ | 4.20 લાખ |
જામનગર | 68,654 | 21866 | 61668 |
પોરબંદર | 76,799 | 14964 | 14,790 |
ભુજ | 31,807 | 13500 | 17,840 |
ભાવનગર | 43,589 | 10187 | 34,442 |
કંડલા | 86,264 | 69265 | 92,445 |
કુલ | 1.45 કરોડ | 47.45 લાખ | 78.17 લાખ |
અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિકમાં છેલ્લા પાંચ વર્ષમાં આ રીતે ફેરફાર થયેલો જોવા મળ્યો
વર્ષ | મુસાફરો | ઇન્ટરનેશનલ | ડોમેસ્ટિક |
2017-18 | 91.74 લાખ | 18.51 લાખ | 73.23 લાખ |
2018-19 | 1.11 કરોડ | 21.46 લાખ | 90.26 લાખ |
2019-20 | 1.14 કરોડ | 23.21 લાખ | 91.11 લાખ |
2020-21 | 36.42 લાખ | 2.04 લાખ | 34.37 લાખ |
2021-22 | 56.70 લાખ | 6.25 લાખ | 50.45 લાખ |
દેશનું સાતમું સૌથી બિઝી એરપોર્ટ અમદાવાદ
દેશમાં વર્ષ 2021-22માં સૌથી વધુ 3.93 કરોડ મુસાફરો દિલ્હી એરપોર્ટ પરથી હવાઇ મુસાફરી કરે છે. બીજા નંબરે 2.17 કરોડ સાથે મુંબઇ જ્યારે ત્રીજા નંબરે 1.62 કરોડ સાથે બેંગલુરૂ એરપોર્ટ છે. ચોથા નંબરે 1.24 કરોડ સાથે હૈદરાબાદ, પાંચમા નંબરે 1.10 કરોડ સાથે કોલકત્તા અને છઠ્ઠા નંબરે 95 લાખ મુસાફરો સાથે ચેન્નાઇ એરપોર્ટ છે. અમદાવાદ એરપોર્ટ 57 લાખ મુસાફરો સાથે સાતમા ક્રમે છે.
એરક્રાફ્ટ મૂવમેન્ટમાં નોંધપાત્ર વધારો
અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2021-22માં ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ મૂવમેન્ટની સંખ્યા 5525 રહી હતી જે વર્ષ 2020-21માં 3096 હતી. ડોમેસ્ટિક મળી કુલ સંખ્યા 51157 હતી જે અગાઉના વર્ષમાં 40209 હતી. સુરતમાં 2021-22માં કુલ એરક્રાફ્ટ મૂવમેન્ટ 10429 હતી જે 2020-21માં 5755 હતી. વડોદરામાં અગાઉના વર્ષની સરખામણીએ 80 ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે રાજકોટમાં આંકડો 4244 હતો જે અગાઉના વર્ષમાં 1542 હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.