મતદારોને દિવાળી ગિફ્ટ:અમદાવાદના દાણીલીમડામાં AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારે 500થી વધુ મહિલાઓને સાડીઓ આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એક હજાર સાડીઓ મંગાવવામાં આવી હતી - Divya Bhaskar
એક હજાર સાડીઓ મંગાવવામાં આવી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી જીતવા માટે અલગ અલગ પ્રકારની રેવડી આપવામાં આવી છે. ત્યારે અસદુદ્દિન ઓવૈસીની AIMIM પાર્ટીના દાણિલીમડાના ઉમેદવાર કૌશિકા પરમારે રાજેન્દ્ર પાર્ક સોસાયટીમાં મહિલાઓ અને બુઝુર્ગોને સાથે રાખીને દિવાળીનું સ્નેહ સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે મહિલાઓને સાડીઓ દિવાળીની ગિફ્ટ રૂપે આપી હતી. આ દરમિયાન તેમની સાથે AIMIM પાર્ટીના અમદાવાદના પ્રવક્તા અસ્લમ શેખ પણ હાજર રહ્યાં હતા. કૌશિકા પરમારે દાણીલીમડા અને બહેરામપુરામાં પાંચસોથી વધુ મહિલાઓને સાડીઓ આપી હતી.

એક હજાર સાડીઓ મંગાવી હતી
આ અંગે AIMIMના અમદાવાદ શહેરના પ્રવક્તા અસલમ શેખે જણાવ્યું હતું કે, અમારા ઉમેદવાર કૌશિકા પરમારે દાણિલિમડા અને બહેરામપુરામાં દિવાળી નિમિત્તે બુઝુર્ગ મહિલાઓને સાડીઓનું વિતરણ કર્યું હતું. એક હજાર જેટલી સાડીઓ મંગાવી હતી પરંતુ તેમાંથી પાંચસોથી સાતસો સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરમાં હજી પણ ગરીબ લોકોને સાડીઓ વહેંચવા માટેનું આયોજન છે. આવું અમે દર વખતે કરીએ છીએ. ચાહે ઈદ હોય, રમજાન હોય કે પછી દિવાળી હોય. ગરીબ લોકોને સાડીઓ વહેંચીએ છીએ.

દાણીલીમડા અને બહેરામપુરામાં સાડીઓનું વિતરણ કરાયું
દાણીલીમડા અને બહેરામપુરામાં સાડીઓનું વિતરણ કરાયું

કૌશિકા પરમારે પોતાના તરફથી સાડીઓ વહેંચી
તે ઉપરાંત AIMIMના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ કહ્યું હતું કે, અમારા ઉમેદવારે સાડીઓ વહેંચી છે એની જાણ મને થઈ છે. પરંતુ તેમણે પોતાના તરફથી ગરીબ વિસ્તારમાં સાડીઓ વહેંચી છે. અમારી પાર્ટીએ નથી વહેંચી. તેઓ સામાજિક સંસ્થા ચલાવે છે અને ગરીબોને અવારનવાર આ પ્રકારે મદદ કરતાં હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ગરીબ લોકોને આવી સાડી વિતરણ કરવાનું પાર્ટીનું કોઈ આયોજન નથી. અમારા ઉમેદવારે માત્ર તેમના વિસ્તારમાં ગરીબોની પોતાના તરફથી મદદ કરી છે.

ગુજરાતમાં ચૌપાંખિયો જંગ જામે તેવા સંજોગો
ચૂંટણીને પગલે ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતની 30 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જેને લઇને હવે ગુજરાતમાં ચૌપાંખિયો જંગ જામે તેવા સંજોગો વર્તાઇ રહ્યા છે.અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન દલિત અને મુસ્લિમ વોટ ઉપર છે. AIMIM દ્વારા અમદાવાદની 5 વિધાનસભા બેઠક, અબડાસા, માંડવી, ભૂજ, અંજાર,ગાંધીધામ,જૂનાગઢ, જૂનાગઢ ગ્રામ્ય, માંગરોળ, ધોરાજીમાં AIMIM ચૂંટણી લડશે. વધુમાં ઉના, કોડિનાર, ઉમરેઠ, ખંભાળિયા, સોમનાથ સહીતની બેઠક પર AIMIM પાર્ટી ઝંપલાવી શકે છે. હવે AIMIMની એન્ટ્રીને લઇને કોંગ્રેસના મુસ્લિમ મતો પર પણ જોખમ છે.

દિવાળીની ગિફ્ટ સ્વરૂપે AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારે સાડીઓ વહેંચી
દિવાળીની ગિફ્ટ સ્વરૂપે AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારે સાડીઓ વહેંચી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 26 સીટો ઉપર AIMIMએ જીત હાંસલ કરી
2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 26 સીટો ઉપર AIMIMએ જીત હાંસલ કરી હતી. ત્યારે 2022ની ચૂટંણીને લઇને અસદુદ્દીન ઓવેસીના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવ્યો છે. અત્યાર સુધીમાં AIMIMએ અમદાવાદની 3 અને સુરતની 2 બેઠકો સહીત અનેક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ પાંચમાંથી ચાર ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...