તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં અમદાવાદમાં પણ ઉમેદવારોની યાદીમાં નવા ચહેરા જોવા મળ્યા છે. એને લઈને વહેલી સવારથી ભાજપના નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય ખાતે રજૂઆત કરવા એકઠા થયા છે. જોકે વહેલી સવારથી ધારાસભ્ય, શહેર પ્રભારી, શહેર પ્રમુખ અને પદાધિકારીઓ કાર્યકરોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કેટલાક કાર્યકરો ઉગ્ર રજૂઆત કરી પોતાની માગ પર અડગ છે અને કેટલાક લોકોએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદની યાદી ભાજપે જાહેર થતા જ વિરોધનો વંટોળ શરૂ થયો હતો. આજે સવારથી જ અલગ અલગ વોર્ડના ઉમેદવારોની પસંદગી પર નારાજગી વ્યક્ત કરવા કાર્યકરો ખાનપુર ભાજપ કાર્યાલય પર આવ્યા હતા. ડેમેજ કંટ્રોલ માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કાર્યકરોને સમજાવ્યા હતા. સાંજે પણ કેટલાક વોર્ડના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા હતા અને આ વિરોધ ઓછો થતાં સાંજે પ્રદીપસિંહ જાડેજા, અમિત ઠાકર અને પ્રદીપસિંહ વાઘેલા લકી ટી સ્ટોલ પર ચા પીવા માટે પહોંચ્યા હતાં. ચા પી અને તેઓએ હળવાશની પળો માણી હતી.
અમે તમામ જોડે વન ટુ વન બેસીને ચર્ચા કરી છે: આઈ.કે.જાડેજા
આ મામલે અમદાવાદ શહેર પ્રભારી આઈ.કે.જાડેજાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પાર્ટી દ્વારા જે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે એમાં તમામ પાસાંને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. જોકે કાર્યકરોની નારાજગી હોય એ સ્વાભાવિક છે, પણ અમે તમામ જોડે વન ટુ વન બેસીને ચર્ચા કરી છે, તમામને સમજાવ્યા છે. પ્રદીપસિંહ જાડેજા પણ અહીં એક કાર્યકરના ભાગરૂપે આવ્યા છે, તેઓ પણ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ મને લાગે છે કે અમારા કોઈપણ કાર્યકર રાજીનામું નહીં આપે.
આમ આદમી પાર્ટી કે AIMIM જેવી પાર્ટીથી અમને કોઈ નુકસાન નહીં
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં અનેક નવી પાર્ટીઓ આવીને અખતરા કરી ચૂકી છે, ઓવૈસી કે મનીષ સિસોદિયા જેવા કોઈપણ પક્ષના નેતા આવે, એનાથી અમને નુકસાન નથી, અમારો કોઈ કાર્યકર તેમની વાતમાં આવીને ભ્રમિત નહીં થાય. ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત છે. ભાજપના કાર્યકરો વિશેની વાતો માત્ર અફવા છે.
ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો જાહેર થતાં જ રાજકોટ, સુરત, વડોદરામાં વિરોધનું વાતાવરણ શરૂ થયા બાદ અમદાવાદમાં પણ અસંતુષ્ટો ઊભા થયા હતા અને કેટલાકને ટિકિટ ફાળવવાના મુદ્દે અને કેટલાકને ન ફાળવવાના મુદ્દે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ વ્યક્ત કરવા માટે પહોંચી ગયા હતા, જેને કારણે અમદાવાદ ભાજપમાં પણ બળવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ડેમેજ કંટ્રોલર તરીકે ગૃહ રાજ્યમંત્રી અને વટવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા કાર્યાલય પર દોડી આવ્યા હતા અને નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
શહેરના વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. ચાંદખેડાના કાર્યકરો મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યાં હતાં. અહીં આઇકે જાડેજાને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે શુક્રવારે બપોરે 12 વાગે ઉમેદવાર નહીં બદલાય તો 500 કાર્યકરો રાજીનામાં આપી દેશે. 2015માં પણ સ્થાનિક ઉમેદવારને બદલે અન્યને ટિકિટ આપવામાં આવી હતી.
ભાજપના કાર્યકરોએ હાય હાયના નારા બોલાવ્યા
સરદારનગર વોર્ડમાં પણ નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે વાસણામાં આયાતી ઉમેદવાર સામે વિરોધ થયો હતો. ગોતામાં પણ ભાજપના કાર્યકરોએ હાય હાયના નારા બોલાવ્યા હતા. કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં ટિકિટ અપાતાં તેની સામે વિરોધ ઊભો થયો હતો, જ્યારે અજય દેસાઈ મહામંત્રીનો દીકરો હોવાને કારણે વિરોધ થયો હતો.
કાંકરિયા રાઇડ અકસ્માતના જવાબદારના ભાઈને ટિકિટ અપાતાં વિરોધ
કાંકરિયા ખાતે જુલાઈ 2019માં રાઇડ અકસ્માત થયો હતો, જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. વિવાદાસ્પદને ટિકિટ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. જોકે આ વખતે ટિકિટ ફાળવવામાં ધારાસભ્યોનું વર્ચસ્વ રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે.
18 મહિલા સહિત 36 જેટલા ઉમેદવારો રિપીટ, પાલડી-થલતેજમાં આખી પેનલ નવી
અમદાવાદમાં ભાજપે 36 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે, જેમાં મોટા ભાગની મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. કુલ 18 મહિલા ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે થલતેજ, પાલડીમાં આખેઆખી પેનલના તમામ ઉમેદવારો નવા છે. પાલડી વોર્ડના જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પૂર્વ કોર્પોરેટર જૈનિક વકીલ એવા હાલમાં સ્કૂલ ફી નિયમન સમિતિ અમદાવાદ ઝોન અને એફઆરસી ટેક્નિકલ કમિટીના સભ્ય છે.
પીએમ મોદીની ભત્રીજી અને પૂર્વ મેયરના દીકરાને ટિકિટ ન મળી
પૂર્વ મેયર અમિત શાહના પુત્ર અને ખાડિયાના પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી. બંનેએ ટિકિટ માગી હતી. જ્યારે વડાપ્રધાન મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ટિકિટ માગી હતી છતાં આપવામાં આવી નથી. તો બીજી તરફ ગત ટર્મના કોર્પોરેટર અતુલ પટેલના પુત્રને તેમજ પૂર્વ મેયર કાનાજી ઠાકોરના ભત્રીજાને ટિકિટ અપાઈ છે. અમિત શાહના ખાસ મનાતા હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ મળી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.