ઉમદા કાર્ય:અમદાવાદની ઉદગમ સ્કૂલ લેટ ફી પેટે વાલીઓ પાસેથી વસૂલ કરેલા 5.21 લાખ અક્ષયપાત્ર ફાઉન્ડેશનને દાન આપ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અક્ષયપાત્ર ફાઉન્ડેશનને 5.21 લાખનો ચેક અપાયો - Divya Bhaskar
અક્ષયપાત્ર ફાઉન્ડેશનને 5.21 લાખનો ચેક અપાયો
  • લેટ ફી પેટે વસૂલાયેલી રકમનો ઉપયોગ ગરીબ બાળકોને ભોજન પૂરું પાડવા કરાશે

અમદાવાદની ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલે વાલીઓ પાસેથી લેટ ફી પેટે વસૂલ કરેલા 5.21 લાખ રૂપિયાની રકમ અક્ષયપાત્ર ફાઉન્ડેશનને દાન કર્યા છે. વાલીઓ પાસેથી વસૂલવામાં આવેલી આ રકમનો અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને ભોજન પૂરું પાડવામાં સદઉપયોગ કરાશે. સમયસર ફી ન ભરી શકનારા વાલીઓ પાસેથી સ્કૂલે આ લેટ ફી વસૂલી હતી.

આ મુદ્દે વાત કરતા ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર મનન ચોક્સીએ કહ્યું કે, વારંવાર ડેડલાઈન લંબાવવા છતાં પણ કેટલાક વાલીઓએ સમયસર ફી નહોતી ભરી, આથી અમે ફી પર સામાન્ય દંડ લાગુ કર્યો હતો. અમારો હેતુ પૈસા કમાવવાનો નહીં પરંતુ સમયસર સ્કૂલના સ્ટાફની સેલેરી કરવા પૈસા મેળવવાનો હતો. આથી લેટ ફી પેટે લેવામાં આવેલી રકમ અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં દાન કરવામાં આવી છે. અમને ખુશી છે કે આ રકમનો સારા કામમાં ઉપયોગ થઈ રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, સ્કૂલ ફી તેની નિયત તારીખ સુધીમાં ભરી દેવી જોઈએ, જેથી સ્કૂલો પોતાનો ખર્ચ કાઢી શકે. જો માતાપિતા પર કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં ન આવે તો તેઓ પાસે સમયસર ફી ભરવાનું કોઈ કારણ રહેશે નહીં. જો કોઈ વાલી ઓનલાઈન ફોર્મ ભરે છે કે આર્થિક ભીંસના કારણે તેઓ સમયસર ફી ન ભરી શક્યા તો તેમની પાસેથી કોઈ લેટ ફી લેવામાં આવતી નથી.

જણાવી દઈએ કે, ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ 56 વર્ષથી કાર્યરત છે અને બે શિફ્ટમાં સ્કૂલ ચલાવે છે. તેનું મેનેજમેન્ટ ઝેબર સ્કૂલ ઓફ ચિલ્ડ્રન્સ, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન્સ અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન્સ સાથે પણ સંકળાયેલું છે. આમ કુલ મળીને 4 સ્કૂલોમાં 8500 જેટલા વિદ્યાર્થીઓ અને 600થી વધુ શિક્ષકો છે.

અન્ય સમાચારો પણ છે...