વિપક્ષનો આક્ષેપ:અમદાવાદની SVP હોસ્પિટલને વિધાનસભાની ચૂંટણી બાદ અદાણી કંપનીને સોંપી દેવાય તેવી શક્યતા- AMC વિપક્ષ નેતા

અમદાવાદ24 દિવસ પહેલા

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVPહોસ્પિટલ)ને હવે અદાણીને સોંપવામાં આવે તેવી શક્યતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે AMC વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ SVP હોસ્પિટલને અદાણી કંપનીને સોંપી દેવામાં આવશે.

આશિષ રાજાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, SVP હોસ્પિટલ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. જેમાં ડેપ્યુટી ડાયરેક્ટર અને OSD તરીકે વધારાના ચાર્જ સાથે ફરજ બજાવતા આશિષ રાજા દ્વારા પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને હાલમાં તેઓ અદાણીમાં નોકરીમાં જોડાયા છે. અદાણી કંપનીમાં વ્યવસ્થા ના ભાગરૂપે સ્વૈચ્છિક રાજીનામું કોર્પોરેશન દ્વારા લઈ લેવામાં આવ્યું છે અને હવે SVP હોસ્પિટલને અદાણી કંપનીને આપી દેવામાં આવે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ SVP હોસ્પિટલને અદાણી કંપનીને સોંપી દેવામાં આવશે અને જો આ નિર્ણય લેવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કરોડોના ખર્ચે એસવીપી હોસ્પિટલ બનાવાઈ છે
વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગરીબો માટેની વીએસ હોસ્પિટલને બંધ કરી અને કરોડો રૂપિયાના ખર્ચે એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હવે આ હોસ્પિટલને ખાનગી કંપની અદાણીને સોંપવામાં આવે તેવી હિલચાલ જણાઈ રહી છે. METના ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર જેઓ વર્ષ 2028માં નિવૃત્ત થવાના હતા. તેઓ એ હવે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે અને તેઓ અદાણી કંપનીમાં નોકરીએ લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ હવે ધીરે ધીરે પ્રાઇવેટ સેક્ટર તરફ આગળ વધી રહી છે. અદાણીની ઝોલીમાં નાખવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ અદાણી કંપનીને એસીપી હોસ્પિટલ સોંપી દેવામાં આવશે અને જો આ રીતે કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ ઉગ્ર વિરોધ કરી અને રોડ ચક્કાજામ કરશે.

અન્ય સમાચારો પણ છે...