નબીરાઓની સાન ઠેકાણે લાવતી પોલીસ:અમદાવાદના સિંધુભવન રોડને બાનમાં લેનારાઓને જ્યાં ફટાકડા ફોડ્યા એ જ જગ્યાએ લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું

અમદાવાદએક મહિનો પહેલા

દિવાળીની રાત્રે સમગ્ર શહેરના લોકો પોતાના પરિવાર સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ, ગાડી ઉપર બેસીને તથા રોડ-રસ્તા બંધ કરીને યુવકોએ બેફામ ફટાકડા ફોડ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વાઈરલ થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં નવ નબીરાઓની ધરપકડ કરીને તેમને પાઠ ભણાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત આ તમામ આરોપીઓને જાણ હતી કે ફટાકડા ફોડવાથી કોઈના જીવનું જોખમ રહેલું છે છતાં ફટાકડા ફોડ્યા તે મામલે પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ 308 પણ ઉમેરી છે. તમામ આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

રસ્તા વચ્ચે બેફામ કાર ચલાવી લોકોને ડરાવ્યા
અમદાવાદના સિંધુ ભવન રોડની શરૂઆતથી તાજ હોટલ સુધીના રસ્તા પર અનેક લોકો પસાર થતા હોય છે. ત્યારે આ જ રોડ પર દિવાળીની રાત્રે બનેલો બનાવ અમદાવાદીઓએ ક્યારે ન જોયો હોય તેવો જાહેર રસ્તા પર જોવા મળ્યો હતો. સ્કોર્પિયો કારના બોનેટ પર બેસીને બેફામ ફટાકડા ફોડી રહ્યા હતા અને રસ્તાની વચ્ચે પોતાની કાર ચલાવીને લોકોને રીતસર ડરાવી રહ્યા હતા. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે પણ રોડ-રસ્તા બંધ કરીને રસ્તાની વચ્ચે તથા બે રસ્તાના ડિવાઈડર પર ફટાકડા ફોડ્યા હતા.

વીડિયો સામે આવતા પોલીસ એક્શનમાં
આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા અને અમદાવાદ ઝોન 7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજાએ તાત્કાલિક નબીરાઓને શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા અને તેમણે આ સમગ્ર પ્રકરણમાં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્પા ચલાવતા હર્ષદ ગરાંતિયા (શીલજ), હિતેશ ઠાકોર (શીલજ), યશવંત ગરાંતિયા (શીલજ), સાહિલ કુરેશી (ગોમતીપુર), અસદ મેમણ (શાહ આલમ), સમીર શેખ (બાપુનગર) મળીને છ આરોપીની ધરપકડ કરી છે.

રસ્તા વચ્ચે ફટાકડા ફોડનાર નબીરાઓની ધરપકડ
આ તમામ લોકોએ અન્યના જીવને જોખમમાં મૂકે તે રીતે ફટાકડા ફોડી રહ્યા હતા અને પોતાના વાહન પર બેસીને લોકોને પરેશાન કરી રહ્યા હતા. હાલ સમગ્ર મામલે સરખેજ પોલીસે IPC 283, 188, 135, 286 અને 279 આ ઉપરાંત આ તમામ આરોપીઓને જાણ હતી કે ફટાકડા ફોડવાથી કોઈના જીવનું જોખમ રહેલું છે છતાં ફટાકડા ફોડ્યા તે મામલે પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ 308 પણ ઉમેરી છે. તમામ આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

રિકન્સ્ટ્રક્શન સમયે પણ આસપાસ લોકોના ટોળા ભેગા થયા
એસીપી એસ.ડી પટેલ, સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે ચાવડા તથા અન્ય પોલીસકર્મીઓ સાથે આરોપીઓને સિંધુ ભવન રોડ પર તાજ હોટલની સામે લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની વિગત મેળવીને અધિકારીઓએ સાથે રહીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તાજ હોટલથી ઓક્સિજન પાર્ક સુધી આરોપીઓને ચલાવીને લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકારનો ગુનો અન્ય કોઈ ના કરે તે માટે રસ્તામાં આરોપીઓને ઉઠાક બેઠક કરાવીને પાઠ ભણાવવામાં આવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન સમયે પણ આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...