સરખેજમાં કેળવણી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની ફીમાં અચાનક સ્કૂલ દ્વારા વર્ષના અંતમાં 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા ફી વધારીને વાલીઓ પાસેથી માંગવામાં આવી હતી. વધારાની ફી ના આપનારા વાલીના એલ.સી અને રીઝલ્ટ અટકાવાયા હતા, જેના પગલે વાલીઓએ સ્કુલમાં હોબાળો કર્યો હતો. વાલીઓના હોબાળા બાદ પણ સ્કૂલે પોતાનો નિર્ણય બદલ્યો નહોતો.
સ્કૂલે વાર્ષિક ફીમાં રૂ.700નો વધારો કર્યો
સરખેજ સાર્વજનિક શાળા હેઠળની કેળવણી પ્રાથમિક શાળામાં ભણતા વાલીઓને ગત મહિને સ્કૂલ દ્વારા હાથથી લખેલ લખાણ દ્વારા 700 રૂપિયા ફીમાં વધ્યા હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વાલીઓએ વર્ષમાં અંતમાં ફી વધતા વધારાની ફી આપી નહોતી. આજે જ્યારે વાલી સ્કૂલમાં રીઝલ્ટ લેવા ગયા ત્યારે સ્કૂલે રીઝલ્ટ અને એલ.સી બંને ફી ભર્યા બાદ જ આપવા જણાવ્યું હતું. જેને પગલે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. જેની સામે સ્કૂલના આચાર્યએ પણ વાલીઓને ફી ભરવા દબાણ કર્યું હતું.
વધારાની ફી ન ચૂકવતા રિઝલ્ટ-એલ.સી અટકાવ્યા
આ અંગે લાલજીભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે, ફી ભર્યા છતાં બાળકનું એલ.સી રોકી રાખ્યું છે. વધારાની રૂ.700ની ફી નહીં આપીએ ત્યાં સુધી એલ.સી નહીં આપે. સ્કૂલના આચાર્ય પણ ધમકી આપી રહ્યા છે. અમે લેખિતમાં ફી વધારો માંગી રહ્યા છે, પરંતુ તે આપતા નથી.
ફી નહીં ભરનારા બાળકોને આગળના ધોરણમાં પ્રવેશ નહીં આપવાની ધમકી
જ્યારે અનંત ચુનારા નામના વાલીએ જણાવ્યું હતું કે, અમે પૂરી ફી ભરી છે પરંતુ હવે વધારાના 700 રૂપિયા માંગી રહ્યા છે. જોકે મેં તો ફી પૂરી ભરી દીધી છે. અન્ય વાલીઓને પણ કહેવામાં આવી રહ્યું છે કે 700 રૂપિયા નહીં આપો તો આગળના ધોરણમાં પ્રવેશ નહીં આપીએ. આ અંગે સ્કૂલના આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.