ભાસ્કર એક્સક્લૂસિવહવે વિશાલાથી નારોલ જાવ, દુર્ગંધ બંધ!!:અમદાવાદનો બદબોદાર પીરાણા ડુંગર અડધો ગાયબ, 2025માં બનશે સુંદર ગાર્ડન! જાણો કઈ રીતે આ કામ શક્ય બન્યું

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

છેલ્લાં 42 વર્ષથી અમદાવાદના માથે કાળી ટીલી સમાન એવો પીરાણાનો કચરાનો ડુંગર અડધો ગાયબ થઈ ગયો છે અને 2025માં તો બિલકુલ જોવા નહીં મળે. અત્યારે બે ગણી ઝડપથી કચરાનો ડુંગર દૂર કરવાની કામગીરી હવે ચાલી રહી છે. પીરાણા સાઈટ પર 1.25 કરોડથી વધુ મેટ્રિક ટન કચરાના ઢગલામાંથી 65% કચરો દૂર કરાયો છે. આને પગલે 80 એકરમાંથી 55 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ છે, જ્યાં સુંદર ગાર્ડન બનશે. બાયોમાઇનિંગ પદ્ધતિથી 68 મશીનો મારફતે હાલમાં પીરાણાના ડુંગરને દૂર કરવાની કામગીરી ચાલે છે. અત્યાર સુધી દિવસે જ કચરો હટતો હતો, જ્યારે હવેથી રાત્રે પણ કચરાનો ડુંગર સાફ કરાશે. આથી રોજનો 25000 મેટ્રિક ટન કચરો દૂર થશે. જેથી બે વર્ષમાં અમદાવાદીઓને પીરાણાના પ્રદૂષણમાંથી મુક્તિ મળી જશે.

મશીનો મૂકી કચરાના ડુંગરને દૂર કરવાની કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી જણાવ્યું હતું કે, સરખેજથી નારોલ તરફ જતાં પીરાણા પાસે દેખાતાં કચરાના ડુંગર હવે દોઢ વર્ષમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે. 1980માં પીરાણા ખાતે અમદાવાદના કચરાને ડમ્પ કરવામાં આવતો હતો. 85 એકર જમીનમાં કુલ 1.25 કરોડ મેટ્રિક ટન જેટલો કચરાનો ઢગલો હતો, જેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બે વર્ષ પહેલાં બાયો-માયનિંગ પદ્ધતિથી 30 મશીનો મૂકી અને કચરાના ડુંગરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીરાણા ડમ્પ સાઈટ ઉપર અજમેરી ડમ્પ, હાઈ ડમ્પ અને એક્સેલ ડમ્પ એમ કુલ ત્રણ જેટલા મોટા કચરાના ડુંગર આવેલા છે. જેમાંથી અજમેરી ડમ્પ સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે અને 35 એકર જમીન ખુલ્લી થઈ ગઈ છે. અજમેરી ડમ્પ સાઈટને દૂર કરી 55 લાખ મેટ્રિક ટન જેટલો કચરો દૂર કરી દેવામાં આવ્યો છે.

આગામી દોઢ વર્ષમાં પીરાણોનો ડુંગર સંપૂર્ણપણે દૂર
અજમેરી ડમ્પ સાઈટને દૂર કરી અને ત્યાં દીવાલ બનાવવામાં આવી છે. ચોમાસાની સિઝન પહેલાં હાઈ ડમ્પ કચરાના ડુંગરને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા બે-ત્રણ મહિનાથી આ કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. જેનાથી 50 ટકા જેટલો કચરો દૂર થઈ ગયો છે અને 25 લાખ મેટ્રિક ટન જેટલો કચરો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો છે. NGTના કેટલાક હુકમોને ધ્યાનમાં રાખીને કચરાના આ ડુંગરને દૂર કરવાની આ કામગીરી હવે વધુ ઝડપથી કરવામાં આવશે. હવેથી રાત્રિ દરમિયાન પણ આ કચરાના ડુંગરને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેથી અત્યારે રોજનો 14થી 15 હજાર મેટ્રિક ટન જેટલો કચરો દૂર થાય છે તેની જગ્યાએ 25,000 મેટ્રિક ટન કચરો રોજનો દૂર થશે. તેથી આગામી દોઢ વર્ષની અંદર આ પીરાણોનો ડુંગર સંપૂર્ણપણે દૂર થઈ જશે અને એક ઇતિહાસ બની જશે.

ડમ્પ સાઈટ પર સીસીટીવી કેમેરા લગાવાશે
આગામી 6 મહિનામાં અમદાવાદ શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ વધી રહ્યું છે ત્યારે આ પીરાણાના કચરાનો ડુંગર ઝડપથી દૂર કરવામાં આવી રહ્યો છે અને હાલમાં કુલ 55 એકર જેટલી જમીન ખુલ્લી કરી ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે. ફેન્સિંગ દીવાલની ત્યાં જરૂર પડે ત્યાં દીવાલ પણ બનાવવામાં આવી રહી છે. જેથી કોઈપણ વ્યક્તિ ત્યાં દબાણ કરી શકે નહીં. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પીરાણા ડમ્પ સાઈટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેના કારણે પીરાણા ડમ્પ સાઈટ ઉપર ચાલતી મશીનરી અને પ્લાન્ટ બરાબર ચાલે છે કે કેમ ત્યાં કામગીરી કઈ રીતે થઈ રહી છે તેના ઉપર મોનિટરિંગ કરી શકાશે. આ ઉપરાંત ત્યાં કોઈપણ દબાણ કે અન્ય પ્રવૃત્તિ થતી હશે તો પણ જાણ થઈ શકશે.

કચરો દૂર કરવા રાત્રિના સમયે પણ કામ કરવામાં આવશે
હાલમાં 60 મશીનો મારફતે રોજનો 300 મેટ્રિક ટન અને 8 મશીનો મારફતે એક હજાર મેટ્રિક ટન જેટલો કચરો દૂર થઈ રહ્યો છે. આગામી દિવસોમાં હવે રાત્રિના સમયે પણ કામ કરવામાં આવશે અને 1000 મેટ્રિક ટન કચરો દૂર કરવાનાં મશીનો મારફતે કચરો દૂર કરાશે જેથી આગામી ત્રણ મહિનામાં પણ તે દૂર થઈ શકે છે. માત્ર એક્સેલ ડમ્પ બાકી રહેશે જેને એક વર્ષમાં જ દૂર કરી દેવામાં આવશે.

ગાંધી આશ્રમમાં 4 એકર જમીન પીરાણાની માટી
બાયોમાઇનિંગ પદ્ધતિથી કચરો દૂર કરાતાં તેમાંથી જે માટી, રોડાં, પથ્થરો નીકળે છે તેને વિવિધ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ પ્રોજેક્ટ અને નેશનલ હાઈવેની કામગીરીમાં આ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર 10 એકર જમીન અને ગાંધી આશ્રમમાં 4 એકર જમીન પીરાણાની માટીથી સમથળ કરવામાં આવી છે. કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કાઢવામાં આવે છે. જેમાં પીરાણાની જમીન પર હાલમાં 15 લાખ મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક જમા છે. પ્લાસ્ટિકને પણ રિસાઇકલ કરી અને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવશે અને તેના માટેનો પ્લાન્ટ પણ ડમ્પ સાઈટ ઉપર નાખી દેવામાં આવ્યો છે. આગામી 15 દિવસમાં પ્લાન્ટ શરૂ થઈ જશે. આમ રોજનું 3000 મેટ્રિક ટન પ્લાસ્ટિકને દૂર કરી અને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવશે.

AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી

1000 મેટ્રિક ટન જેટલો કચરો પ્રોસેસ કરવામાં આવે છે
અમદાવાદ શહેરના વિસ્તારમાંથી રોજનો 2000 મેટ્રિક ટન જેટલો કન્સ્ટ્રક્શન અને ડિમોલેશનનો કચરો આવે છે. આ ઉપરાંત અન્ય કચરો પણ પીરાણા ડમ્પ સાઈડ પર આવે છે. આ તમામ કચરાને પ્રોસેસ કરી અને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. હાલમાં 1000 મેટ્રિક ટન જેટલો કચરો પ્રોસેસ કરવામાં આવે છે. જ્યારે અન્ય 1000 મેટ્રિક ટન માટે નવો પ્લાન્ટ લગાવવામાં આવશે. સૂકો ભીનો કચરો અત્યારે જે અલગ કરવામાં આવે છે તેમાં રોજનો 100 મેટ્રિક ટન જેટલો કચરો પણ અલગ થઈ રહ્યો છે.

લોકોને અંદાજે 6 લાખ મેટ્રિક ટન માટી આપી
લોકોના ઘરેથી ડોર ટુ ડોર જે કલેક્શન કરવામાં આવે છે તે તમામ કચરો શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા રેફ્યુઝ સ્ટેશન પર લઈ જવામાં આવે છે. જ્યાં અલગ-અલગ ગાડીઓમાં લોકોને ટ્રાફિક ના નડે તેવા રોડ પરથી એક ટન કચરો લઈ જવાની ક્ષમતાવાળી ગાડીમાં કચરો પીરાણા ડમ્પ સાઇટ પર લઈ જવામાં આવે છે અને ત્યાં આ પ્રોસેસ કરવામાં આવે છે. પીરાણા ડમ્પ સાઇટ પર બાયોમાઇનિંગ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ છે. જેમાં ખાતરમાં ઉપયોગ થઈ શકે તેવી માટી, પ્લાસ્ટિક અને મોટાં રોડાં-પથ્થરો હોય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આસપાસનાં ગામડાના ખેડૂતોને પુરાણ કે સારી જગ્યા માટે માટી જોઈએ તો આપવામાં આવી છે. જેમાં આવા લોકોને અંદાજે 6 લાખ મેટ્રિક ટન માટી આપી છે. ગાર્ડન વિભાગને અને કોર્પોરેશનના પ્લોટના પુરાણ માટે પણ માટી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...