AMCનો દાવો:ગાર્બેજ ફ્રી સિટીમાં 5 સ્ટાર રેન્કિંગ મેળવવા અમદાવાદનો પીરાણા ડમ્પ સાઈટની કામગીરી 75 ટકા પૂર્ણ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરને હવે ગાર્બેજ ફ્રી સિટીમાં 5 સ્ટાર રેટિંગ મેળવવા માટેના પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં ગાર્બેજ ફ્રી સિટીના 5 સ્ટાર રેન્કિંગ મેળવવા માટે કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઈટ પર બાયોમાઇનિંગની 75 ટકા કામગીરી પુર્ણ થઈ હોવાના દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ગાર્બેજ ફ્રી સીટીના ફાઇવસટાર રેન્કિંગ મેળવવા માટે પાત્રતા ધરાવે છે તે બાબતની રાજ્ય સરકાર મારફતે ભારત સરકારમાં દરખાસ્ત રજૂ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા માટે કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા દાવો કરાયો છે કે પીરાણા ડમ્પિંગ સાઈટનું 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હકીકતમાં દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. હજી પણ બે મોટા ઊંચા ડુંગરો પીરાણા ડમ્પ સાઇટ પર જોવા મળી રહ્યા છે.

ગાર્બેજ ફ્રી સિટીના 5 સ્ટાર રેટિંગ માટે દરખાસ્ત
બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગાર્બેજ ફ્રી સિટીના દરજ્જામાં 5 સ્ટાર રેન્કિંગ મેળવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મુકવા માટે મંજુરી માંગતી દરખાસ્ત મુકવામાં આવી છે. ગાર્બેજ ફ્રી સિટીના દરજ્જામાં 7 સ્ટાર મેળવવા સિટી લેવલ-4 અને 400 ગુણ હોવા જરૂરી છે અને કુલ 7500 માર્ક્સ મેળવવાથી સેવન સ્ટાર રેન્કિંગ મળે છે. જોકે, અમદાવાદ શહેરમાં પીરાણા ડમ્પ સાઇટ આવેલી છે અને તેમાં 75 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. હવે માત્ર 25 ટકા જ કચરો બાકી છે તેઓ દાવો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરી અને અમદાવાદ શહેરને 5 સ્ટાર રેટિંગ મળવાપાત્ર છે. રાજ્ય સરકાર મારફતે કેન્દ્રમાં દરખાસ્ત કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરાઈ છે. ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણમાં જાહેર શૌચ મુક્ત અને વોટર પ્લસ સિટીના સર્ટિફીકેટ માટે પણ નાગરિકો પાસેથી વાંધા મંગાવાયા હતા. પરંતુ તે મુદ્દે કોર્પોરેશનને કોઈ વાંધા મળ્યા ન હોવાનું જાણવા મળે છે.

અમદાવાદને સ્વચ્છ મેગાસિટીનો એવોર્ડ મળ્યો
અમદાવાદ શહેર ગાર્બેજ ફ્રી સિટીના સ્ટાર રેટિંગ મેળવવા માટે નાગરિકો પાસેથી વાંધા મંગાવવામાં આવ્યા હતા. જેમાં નિયત સમયમર્યાદામાં બે નાગરિકો દ્વારા પોતાના વાંધા મોકલી આપ્યા હતા. જેથી કોર્પોરેશન દ્વારા વાંધા રજૂ કરનારને રૂબરૂ સાંભળી તેનું નિરાકરણ લાવવામાં આવ્યા બાદ હવે ગાર્બેજ ફ્રી સિટીના 5 સ્ટાર રેટિંગ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ગત 4 વર્ષમાં અમદાવાદને સ્વચ્છ મેગાસિટીનો એવોર્ડ મળ્યો છે. ગત વર્ષે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર ભારતમાં અમદાવાદે 8મુ સ્થાન હાંસલ કર્યું હતું. જોકે, હવે બીજા તબક્કાના અભિયાનમાં ઘન અને પ્રવાહી કચરાના પ્રોસેસીંગ અને કચરાના રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણના ગુણ પણ 7500થી વધારીને 9500 કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...