અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતી યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાના મામલે શાહીબાગ પીઆઇ કે.ડી જાડેજા અને PSI પૂનમ ચૌધરી સહિતના પોલીસકર્મીઓ સામે યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સાથે મળી ભગાડી જવામાં મદદ કરી છે. આ મામલે યુવતીના પરિવારજનોએ ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાને ફરિયાદ આપી છે. યુવતીના ભાઈએ જણાવ્યું કે તેમની બહેન ગુમ થયાની 15 માર્ચના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે શાહીબાગ પીઆઈ કે.ડી જાડેજાને તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એવોર્ડ આપ્યો હતો. પરંતુ ગૃહમાં લવ જેહાદનું બિલ લાવનાર પ્રદીપસિંહના જ બિલ પ્રમાણે કાર્યવાહી ન કરી હોવાના વીએચપી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
તપાસના આદેશ આપ્યા છેઃ ઝોન-4ના DCP
આ અંગે ઝોન-4ના DCP રાજેશ ગઢિયાએ જણાવ્યું કે મને આક્ષેપ કરતી અરજી મળી છે, જે માટે તપાસના આદેશ આપ્યા છે. હવે આ તપાસ ACP એફ ડિવિઝન કરશે.
પોલીસકર્મીઓ ડરાવવા અને ધમકાવવા લાગ્યાઃ પરિવારજનો
પરિવારજનોના આક્ષેપ મુજબ, આ મામલે આણંદ પોલીસ સ્ટેશનમાં યુવકને પકડી લાવ્યા હોવાથી યુવતીના માતા-પિતા અને પરિવારના સભ્યો સાથે ગાડીમાં આણંદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અસારવા પોલીસચોકીના જયપાલસિંહ અને રાકેશ બારોટ નામના પોલીસકર્મીઓ આવ્યા હતા. પરંતુ આણંદ પોલીસ સ્ટેશનમાં બહેનને મળતાં પરિવારના સભ્યો સાથે વર્તન બદલાઈ ગયું હતું. પોલીસકર્મીઓ વિધર્મી યુવક સાથે મળી ગયા હોય તેમ ડરાવવા અને ધમકાવવા લાગ્યા હતા.
આણંદથી પરત ફરતા ગાડીમાં ઉંધો કેસ કરવાની ધમકી આપી
યુવતીના પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યા કે, આણંદથી વિધર્મી યુવક અને બહેન સાથે પરત આવતા ગાડીમાં પણ ઊંધો કેસ નાખવાની ધમકી આપી હતી. શાહીબાગ અસારવા પોલીસ ચોકી પહોંચ્યા બાદ ત્યાં PI જાડેજા, PSI પૂનમ ચૌધરી સહિતના પોલીસકર્મીઓ હાજર હતા. જ્યાં અમારી બહેન સાથે સરખી વાતચીત કરવા દીધી ન હતી અને વિધર્મી યુવક સાથે કાયદેસરના લગ્નની તપાસ કર્યા વગર ડરાવી ધમકાવી અને સમજ વગર વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં પોલીસ સ્ટેશનમાં પહોંચવાનું કહી સિવિલ ટ્રોમા સેન્ટર ખાતે લઈ ગયા હતા.
PI જાડેજા અને PSI પૂનમ ચૌધરી તપાસ કર્યા વગર ભગાડી ગયા
જ્યાં ગાડીઓ બદલી અને સીટીએમ હાઇવે પર PI જાડેજા અને PSI પૂનમ ચૌધરી કાયદેસરની તપાસ કર્યા વગર ભગાડી ગયા હતા. પોલીસ અધિકારીઓએ નાણાંકીય લેવડ દેવડ કરી હોય તે શંકાના આધારે તેઓની સામે તપાસ અને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે.
PIએ લગ્નનો પુરાવો બતાવ્યા વગર કહ્યું લગ્ન થઈ ગયા છે
આ સમગ્ર લવજેહાદની ઘટનામાં આણંદના બુટલેગર લવિંગ ખાનનો હાથ અને આણંદ પોલીસ સ્ટેશનના સ્ટાફ અંકિત રાઠોડની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. PI જાડેજાએ લગ્નનો પુરાવો બતાવ્યા વગર કહ્યું લગ્ન થઈ ગયા છે અને ફરિયાદીને ગેરમાર્ગે દોર્યા છે. જેથી લવજેહાદની ઘટનામાં પોલીસ અધિકારીઓની સંડોવણી ગંભીર બાબત છે જેની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ છે.
પીઆઈ સામે કાર્યવાહી થવી જોઈએ:VHP
આ મામલે સોમવારે રાતે શાહીબાગ પોલીસ સ્ટેશનની બહાર હિન્દૂ સંસ્થાના કાર્યકરો અને આગેવાનો ટોળે વળ્યાં હતા. લવ જેહાદાના કેસમાં પીઆઈએ મદદ કરી હોવાની વાત ચર્ચામાં આવતા લોકો વિરોધ કરતા હતા. આ બધાની વચ્ચે લોકોએ હોબાળો કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે, હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા અને કાયદાની બહાર જઈને કામ કરનાર પીઆઈ સામે કાર્યવાહી થવી જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.