જુમ્માની નમાઝ બાદ વિરોધ:​​​​​​​અમદાવાદમાં નૂપુર શર્માની ધરપકડની માગ સાથે હજારોની રેલી, સરદાર બાગ ખાતે 'ફાંસી દો'ના નારા લાગ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
નૂપુર શર્માની ધરપકડના માગ સાથેનાં બેનર બતાવાયાં. - Divya Bhaskar
નૂપુર શર્માની ધરપકડના માગ સાથેનાં બેનર બતાવાયાં.
  • મિર્ઝાપુરમાં ટોળું રોડ પર ઉતરી આપતા JCP એ ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને સમજાવ્યા
  • કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ શરૂ
  • પોલીસ અને મુસ્લિમ આગેવાનોના સમજાવવા છતાં બજારો બંધ રહ્યાં

ભાજપનાં નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા વડોદરા અને સુરત સાથે અમદાવાદમાં પણ પડ્યા છે. મિર્ઝાપુરમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા મોકલવાનો પ્રયાસો કર્યા હતા. સાથે જ મુસ્લિમ આગેવાનોને બોલાવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાલ દરવાજા સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઇ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ રેલી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ આગળ વધતા તેને રોકવામાં આવી હતી. પોલીસે ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જતો માર્ગ બંધ કર્યો હતો.

લાલ દરવાજા-ત્રણ દરવાજામાં બજારો બંધ રહ્યા
મોહંમદ પયગંબર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર આખું બંધ રાખવામાં આવ્યું છે. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણાબજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી.

આજે સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજાર શરૂ થયું હતું. જોકે પાથરણાબજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્ત્વો કાંકરીચાળો ન કરે એને પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે.

બજારો બપોર બાદ બંધ જોવા મળ્યાં.
બજારો બપોર બાદ બંધ જોવા મળ્યાં.

મિર્ઝાપુરમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું બહાર આવ્યું
અમદાવાદના મિર્ઝાપુર ત્રણ રસ્તા પાસે નૂપુર શર્માના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું બહાર આવ્યું હતું. જે બાદ કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશન સહિત ઝોન-2 ડીસીપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી રહ્યા છે. સેકટર 1 જેસીપી આર.વી અંસારીએ મિર્ઝાપુર પહોંચી અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું લોકોને સમજાવી અને ઘરમાં જવા માટે સૂચના આપી હતી.

મિર્ઝાપુર બહાર લોકોના ટોળાની તસવીર
મિર્ઝાપુર બહાર લોકોના ટોળાની તસવીર

ગુરુવારથી અમદાવાદમાં બંધ રાખવાના મેસેજ વાઈરલ
સૂત્રો મુજબ, ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાઇરલ કરવામાં આવ્યા હતા, જેને પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે એ માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનું પેટ્રોલિંગ.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનું પેટ્રોલિંગ.

ઢાલગરવાડનું બજાર બંધ જોવા મળ્યું
જોકે આજે બજાર ખૂલ્યાના બે કલાકમાં જ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને સમગ્ર ઢાલગરવાડ આજે બંધ જોવા મળ્યું હતું. એકપણ દુકાન ખુલ્લી જોવા મળી ન હતી. કેટલાક પાથરણાબજારના વેપારીઓએ બજાર ચાલુ રાખ્યું હતું, પરંતુ પટવા શેરીના આસપાસનાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ આવી એને બંધ કરાવ્યું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. 10 જૂનના રોજ બંધના એલાનના મેસેજ વાઇરલ થતાં પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો અને મૌલાનાને બોલાવીને લોકોને આવા બંધના મેસેજ પર ધ્યાન ન આપવા સમજાવ્યા હતા.

ગુરવારથી 10 જૂને બંધ પાળવાના મેસેજ વાઈરલ થયા.
ગુરવારથી 10 જૂને બંધ પાળવાના મેસેજ વાઈરલ થયા.

પોલીસ-મુસ્લિમ આગેવાનોના સમજાવવા છતાં બજાર બંધ રહ્યાં
મુસ્લિમ આગેવાનો અને મૌલાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 જૂનના બંધના મેસેજ ફોટા વાઇરલ કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો બંધનો મેસેજ કોઈ જમાત કે અમારા દ્વારા આપવામાં આવ્યો નથી. લોકોએ આવા મેસેજ પર ધ્યાન આપવું જોઈએ નહીં અને પોતાના વેપારધંધા પર ધ્યાન આપવું જોઈએ, એવો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની સમજાવટ અને મુસ્લિમ આગેવાનોના બંધના એલાન પર ધ્યાન ન આપવાનું કહેવા છતાં પણ આજે અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.

સ્થાનિકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો.
સ્થાનિકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો.

વડોદરામાં પણ નૂપુર શર્મા સામે વિરોધ
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ હવે ભાજપનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે. અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા હતા.

સુરતમાં પણ થયો હતો વિરોધ
બે દિવસ પહેલાં સુરતના જીલાણી બ્રિજ પર નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળાં પેમ્ફલેટ લગાડવામાં આવ્યાં હતાં, જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ હતી. લઘુમતિ સમાજની મહિલાઓ દ્વારા આજે જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી. મહિલાઓ દ્વારા જે પ્લેકાર્ડ લઈને માંગણી કરવામાં આવી હતી.મહિલાઓ જે પ્લેકાર્ડ લઈને આવી હતી. તેના પર લખ્યું હતું કે, પયગંબર સાહેબને લઈને જે ગુસ્તાખી કરવામાં આવી છે. તેને એક જ સજા આપવામાં આવે તેનું માથું ધડથી અલગ કરી દેવાની સજા છે.

અન્ય સમાચારો પણ છે...