ફાયર સેફ્ટી મુદ્દે AMC ખાડે ગયું!:કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની ફાયર સિસ્ટમ ભંગાર હાલતમાં, ફાયર NOC રીન્યૂ કરવાનો ટાઈમ નહીં

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં પાર્કિંગ સમસ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ વિસ્તારોમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યાં છે. જેમાં પૂર્વ વિસ્તારમાં કાંકરિયા ખાતે રૂપિયા 28 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ બંધ હોવાનું દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. મલ્ટિલેવલ પાર્કિંગની ફાયર NOC પણ છેલ્લા એક વર્ષથી રીન્યૂ કરવામાં આવી નથી.

ફાયરનાં જેટલાં પણ સાધનો મલ્ટિલેવલ પાર્કિંગમાં લગાવેલાં છે, તે કાટ ખાઈ ગયાં છે. તેને છેલ્લાં કેટલાય વર્ષથી જોવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. મલ્ટિલેવલ પાર્કિંગ ખાનગી કોન્ટ્રાક્ટરને ચલાવવા માટે આપી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ ફાયર ફાઈટિંગ સિસ્ટમ કાર્યરત છે કે કેમ? તેનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. જેથી ક્યારેય પણ જો આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર ફાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ જ થઈ શકે તેમ નથી.

ફાયર NOC રીન્યૂ જ થઈ નથીઃ મિથુન મિસ્ત્રી
અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની ફાયર NOC સિસ્ટમમાં જણાતી નથી. ફાયર NOC રીન્યૂ થઈ નથી. ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની ફાયર NOC રીન્યૂ કરાવેલી નથી અને ફાયર એનઓસી રીન્યૂ કરવાની જવાબદારી જે તે વપરાશકર્તાની હોય છે.

દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા ડાયરેક્ટરે ફોન ન ઉપાડ્યો
કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ જેમના અંડરમાં આવે છે, એવા કાંકરિયા લેકફ્રન્ટના ડાયરેક્ટર આર. કે સાહુનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. રૂપિયા 28 કરોડના ખર્ચે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક માળ પર લગાવવામાં આવેલી ફાયર ફાઈટિંગ સિસ્ટમ ત્યાં કાર્યરત જ નથી. મલ્ટિલેવલ પાર્કિગમાં દરેક માળે ફાયર સેફટી માટે ફાયર ફાઈટિંગના સાધનો લગાવેલાં છે, તેની તપાસ કરતા તે સાધનો કટાઈ ગયેલી હાલતમાં ન હોવાનું જણાયું હતું. રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવું જરૂરી છે, પરંતુ ત્યાં ફાયરનાં સાધનોનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જ ન થતું હોવાનું સામે આવ્યું છે.

ફાયર ફાઈટિંગનાં સાધનો બંધ હાલતમાં
કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ખોડલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફાયરબ્રિગેડનાં તમામ સાધનોને મેન્ટેનન્સ અને રિપેરિંગ બાબતની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, ત્યારે ખુદ કોન્ટ્રાક્ટર દ્વારા જ આ રીતે ફાયર ફાઈટિંગનાં સાધનો ચાલુ છે કે બંધ હાલતમાં છે? તે ધ્યાન રાખવામાં આવતું નથી. જેના કારણે ગમે ત્યારે જો હવે મલ્ટિલેવલ પાર્કિંગમાં આગ લાગે અને ફાયર બ્રિગેડના જવાનો જ્યારે ફાયર ફાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે લગાવેલી સિસ્ટમ મારફતે આગ બુઝાવવાનો પ્રયત્ન કરે તો આ સાધનો જ કામ નહીં કરે.

ફાયર બ્રિગેડ દ્વારા મલ્ટિલેવલ પાર્કિંગને કોઈ નોટિસ નહીં
સૂત્રોમાંથી વધુ મળતી માહિતી મુજબ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી આપવામાં આવતી હોય છે. જે ફાયર એનઓસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગમાં જ ન હોવાનું સામે આવ્યું છે. છ મહિના પહેલાં જ્યારે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં અને અન્ય બિલ્ડિંગોમાં ફાયર એનઓસીનો પ્રશ્ન ઊભો થયો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા જે બિલ્ડિંગમાં ફાયર એનઓસી ન હોય તેને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા આ મલ્ટિલેવલ પાર્કિંગને નોટિસ જ આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.

‘ભાજપના સત્તાધીશો જ આવા કોન્ટ્રાક્ટરોને સાચવે છે...’
કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે ફાયરનાં સાધનો આવેલાં છે, તે ધૂળ ખાતા નજરે જોવા મળ્યાં હતાં. તેમાં ક્યાંય પણ મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તેવું જણાવ્યું નથી. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? ભાજપના સત્તાધીશો અને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, બાદમાં કોર્પોરેશનની માલિકીની જગ્યામાં કોન્ટ્રાક્ટર કેવી રીતે કામ કરે છે અને ત્યાં મેન્ટેનન્સ વગેરે થાય છે કે કેમ તે જોવામાં આવતું જ નથી. જેથી ચોક્કસથી કહી શકાય કે ભાજપના સત્તાધીશો આવા કોન્ટ્રાક્ટરોને સાચવે છે.

અન્ય સમાચારો પણ છે...