સરકારનો નિર્ણય:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષે ગરબા થશે, વાઇબ્રન્ટ નવરાત્રિમાં તમામને ફ્રી એન્ટ્રી

અમદાવાદએક મહિનો પહેલા
  • અંબાજી સહિતનાં 9 શક્તિ કેન્દ્ર પર ગરબાનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય આયોજન

ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાતાં આ વખતે ગરબારસિકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લીધો છે. ત્રણ વર્ષથી નવરાત્રિમાં મા અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતા, પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવરાત્રિ અંગે જાહેરાત કરશે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન
નવરાત્રિને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે. નવરાત્રિ તહેવાર દેવી દુર્ગા માને સમર્પિત છે. એમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઊજવવામાં આવે છે. ત્યારે આ વખતે નવરાત્રિનું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.

કોરોનાકાળમાં ગરબા નહોતા થયા.
કોરોનાકાળમાં ગરબા નહોતા થયા.

આસો સુદ એકમથી નવરાત્રિ ઊજવાય છે
આસો મહિનાની સુદ એકમથી નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રિની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રિના નવ દિવસ સુધી મા અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનું પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.

આ વર્ષે ગરબાની મોજ માણશે ગુજરાતીઓ.
આ વર્ષે ગરબાની મોજ માણશે ગુજરાતીઓ.

આ વખતે મા દુર્ગા હાથીની સવારી કરશે
આ વર્ષે શારદીય નવરાત્રિ ખૂબ જ ખાસ છે. મા દુર્ગાનું આગમન આ વર્ષે હાથી પર થવાનું છે. જ્યારે નવરાત્રિ સોમવારથી શરૂ થઈ રહી છે. મા દુર્ગાને હાથી પર સવાર થઇને આવે છે, તેથી એ ખૂબ જ સુખ-સમૃદ્ધિ આપનાર છે. મા દુર્ગાની આ સવારી અપાર સુખ-સમૃદ્ધિ લાવશે અને શાંતિ અને સુખનો માહોલ બને છે. આ મુજબ આ નવરાત્રિ દેશ અને દેશવાસી માટે ખૂબ જ શુભ સાબિત થશે.

અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિને પણ મંજૂરી મળી.
અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિને પણ મંજૂરી મળી.

શારદીય નવરાત્રિ 2022 ઘટ સ્થાપના
શારદીય નવરાત્રિનો પ્રારંભ 26 સપ્ટેમ્બરના થશે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રતિપદા તિથિ 26 સપ્ટેમ્બરે વહેલી સવારે 03:24 વાગ્યાથી 27 સપ્ટેમ્બરની સવારે 03:08 વાગ્યા સુધી રહેશે. આ વચ્ચે ઘટ સ્થાપના મુહૂર્ત 26 સપ્ટેમ્બરની સવારે 06:20 વાગ્યાથી 10:19 વાગ્યા સુધી રહેશે. તો અભિજિત મુહૂર્ત 26 સ્પટેમ્બરની સવારે 11:54 વાગ્યાથી બપોરે 12:42 વાગ્યા સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...