જીવરાજ મહેતા હોસ્પિટલમાંફરજ બજાવતા હિમેટોલોજિસ્ટ ડો. ધૈવત શુકલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘એલજી હોસ્પિટલનાં સિસ્ટર ઇન્ચાર્જ અને સ્ટાફમાં અતિપ્રિય ઉષાબેન ઝાલાને સ્તન કેન્સરની સારવારમાં રેડિયો અને કીમોથેરેપીથી સ્વસ્થ થયા હતા અને ફરી નોકરી શરૂ કરી, પણ ફરજ દરમિયાન ઢળી પડ્યા અને મગજમાં હેમરેજ થતાં લોહી પાતળું કરવાની દવાની આડઅસરથી અચાનક કોમામાં સરી પડતાં તેમની એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયાં હતાં, જ્યાં ખર્ચ વધતાં છેવટે ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.’
આગળ તેઓ કહે છે કે, ‘સતત 100 દિવસ આઈસીસીયુની સારવારમાં કોવિડમાં સારી કામગીરી બદલ સરકાર દ્વારા ઉષાબેનને સન્માનિત કરાયાં હતાં, પણ બીજી તરફ કોવિડને કારણે ઉષાબેનના પતિની નોકરી છૂટી ગઈ હતી, જેથી પરિવાર આર્થિક કટોકટીમાં હતો. ખાનગી હોસ્પિટલમાં સારવારનો દિન-પ્રતિદિન વધતાં ખર્ચને ધ્યાનમાં રાખી એલજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સર્જન ડો. રાઘવે મારી પાસે સારવારની સલાહ આપી હતી. હું પોતે હિમેટોલોજિસ્ટ છું, પણ ડોક્ટર મિત્રનો આગ્રહ અને દર્દીના પરિવારની આર્થિક સ્થિતિ તેમ જ દર્દી નર્સ હોવાથી મેં તેમની સારવાર કરવાનું નક્કી કર્યું હતું.’
વધુ જણાવતા કહે છે કે, ‘તેમને આઈસીસીયુમાં દાખલ કરાયાં ત્યારે આઈસીસીયુ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. અરુણા અગ્રવાલ અને ડો. ધૈવત શુુકલાને પ્રાથમિક તપાસમાં દર્દીને બચાવવા મુશ્કેલ હોવાનું જણાયું હતું છતાં ન્યુરોલોજિસ્ટ ડો. માલવ ગદાણી અને ન્યુરો સર્જન ડો. વાય.સી. શાહ દ્વારા મગજનું દબાણ ઓછું કરવાની તેમ જ ચેપની સારવાર શરૂ કરાતા તબિયતમાં સુધારો થયો અને બ્લડપ્રેશર કંટ્રોલમાં આવી ગયું અને ચેપમુક્ત થયાં હતાં, પરંતુ, લોહી પાતળું કરવાની દવા બંધ કરવાથી ફેફસાં અને હૃદયની નળી બ્લોક થઈ જતાં ફરી એ જ સ્થિતિમાં આવી ગયાં. ન્યુરોલોજિસ્ટની સલાહથી ફરીથી લોહી પાતળું કરવાની દવા આપવાથી મહિના બાદ ફરી તેમણે આંખો ખોલી અને વેન્ટિલેટર અને બ્લડપ્રેશરની દવા બંધ કરાઈ અને આખરે મોત સામે જિંદગીની જીત થઈ.’ (સમીર રાજપૂત સાથે થયેલી વાતચીતને આધારે)
‘સાજા થાય તે માટે ચર્ચ, ગોલ્ડન ટેમ્પલમાં પ્રાર્થના કરાઈ’
આધ્યાત્મિક અને વિજ્ઞાનને સાથે રાખીને મેં અને મારા પુત્રએ નક્કી કર્યું હતું કે, પત્નીને કોઈપણ ભોગે ઘરે પાછા લઈ જઈશું. એક તરફ ડોક્ટર પર અને ભગવાન પર વિશ્વાસ રાખ્યો જેને કારણે મારી પત્ની મોતના મુખમાંથી બહાર આવી છે. તેને બચાવવા માટે કેલિફોર્નિયાના ચર્ચમાં, સોલા ભાગવત મંદિર તેમજ ગોલ્ડન ટેમ્પલમાં પણ પૂજા થઈ હતી. હોસ્પિટલના ડોક્ટરોથી લઈને સફાઈ કામદાર સુધીના તમામ સ્ટાફનો હું આભાર માનું છું. - પંકજ ઝાલા, દર્દીના પતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.