વિકાસ મામલે ભાજપ કોંગ્રેસ એક:અમદાવાદના ચંડોળા તળાવના વિકાસ માટે મેયર અને વિપક્ષના નેતાએ મુલાકાત લીધી, બે ફેઝમાં કામગીરી થશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ચંડોળા તળાવના ડેવલોપમેન્ટને લઈને આજે ભાજપ સત્તાધીશો અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે તળાવની મુલાકાત લીધી હતી. ચંડોળા તળાવના બ્યુટીફીકેશનને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી હતી. ચંડોળા તળાવને બે વિભાગમાં ડેવલોપ કરવા માટે થઈને વાત ચાલી રહી છે. જેમાં તળાવના જે વિસ્તારમાં પાણી અને વચ્ચે નાના ટાપુ જેવું છે ત્યાં બગીચો બનાવી વ્યવસ્થિત રીતે તળાવનો વિકાસ કરવામાં આવશે.

ચંડોળા તળાવના ડેવલોપમેન્ટની વાતો ચાલી રહી છે
જયારે બીજા ભાગમાં જે વિસ્તારમાં ઝુપડપટ્ટી છે તેનો થોડો ભાગ દૂર કરીને ખુલ્લા ભાગમાં વોકવે અને લાઇટીંગ કરીને તેનો વિકાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાનિક કોર્પોરેટર અને વિપક્ષના નેતા સજ્જાદ ખાન પઠાણ દ્વારા તળાવના વિકાસને લઇને મિટિંગ કરી અને ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે.વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં આવેલું સૌથી મોટું ચંડોળા તળાવ જેની છેલ્લા કેટલાય સમયથી ડેવલોપ કરવાની વાત ચાલી રહી છે.

સત્તાધીશોએ આજે ચંડોળા તળાવની મુલાકાત લીધી
આજે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહ સાથે ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. ચંડોળા તળાવનો વિકાસ કરવા માટે પ્લાનિંગ પણ આજે ભાજપના સત્તાધીશોને બતાવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં કમિશનર સાથે બેઠક કરી ઝડપથી તળાવના બ્યુટીફીકેશનની કામગીરી શરૂ થશે.અગાઉના અનેક મેયર અને કોંગ્રેસના નેતાઓ પણ વિઝીટ કરી ચૂક્યા છે પરંતુ નક્કર પરિણામ આવ્યું નથી. ફરી એકવાર ભાજપના સત્તાધીશો અને વિપક્ષ દ્વારા એકસાથે ચંડોળા તળાવના વિકાસની કામગીરી કરવાની વાત છે ત્યારે ખરેખર કામગીરી થશે કે કેમ તેના પર સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...