ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદનું બોપલ તળાવ ગંદકીના પાણીથી ખદબદયું, વોકિંગ ટ્રેક અને ગાર્ડન પાણીમાં ડૂબી ગયા

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈના પ્રશ્નને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગંભીરતાથી લેવામાં ન આવતા ભાજપના સત્તાધીશો દ્વારા ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપવી પડી હતી. માત્ર એટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સૂચના આપી હતી. બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા બનાવવામાં આવેલું બોપલ તળાવ આજે ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવ ઓવરફ્લો થઈ ગયું છે અને ગંદકીના પાણી વોકિંગ ટ્રેક પર આવી ગયા છે. તળાવના ગાર્ડનમાં રમત-ગમતના સાધનો પણ પાણીમાં ડૂબી ગયા છે. તળાવમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયાનક રોગચાળો ફાટી નીકળે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

2.70 કરોડના ખર્ચે બન્યું બોપલ તળાવ
બે વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવેલા બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા 2013માં રૂ. 2.70 કરોડના ખર્ચે બોપલ તળાવ બનાવવામાં આવ્યું હતું. બોપલ તળાવની આસપાસ વોકિંગ ટ્રેક, રમત-ગમતના સાધનો અને ગાર્ડન બનાવવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરે બોપલ તળાવનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં બોપલ તળાવની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે.

વોકિંગ ટ્રેક અને ગાર્ડન પણ ગુમ
બોપલ તળાવમાં આસપાસનો વોકિંગ ટ્રેક, ગાર્ડન અને બોપલ તળાવનું બોર્ડ પણ ક્યાંય દેખાતું નથી. માત્ર તળાવ જ નહીં પરંતુ વોકિંગ ટ્રેક, રમત-ગમતના સાધનો વગેરે પાણીમાં ડૂબી ગયા છે. છેલ્લા બે મહિનાથી આ રીતે તળાવ અને વોકિંગ ટ્રેક ઉપર પાણી ફરી વળતા બોપલ તળાવ બંધ હાલતમાં છે. એકમાત્ર બોપલ વિસ્તારમાં ફરવા માટે એકમાત્ર આ તળાવ અને ગાર્ડન છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરો કોઈપણ પ્રકારનું ત્યાં ધ્યાન નથી આપતા ત્યારે આ તળાવ બદત્તર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

બોપલ તળાવ આસપાસ 10 હજાર લોકોનો વસવાટ
બોપલ તળાવની આજે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે, તે આખું પાણીથી ભરેલું છે અને તેમાં મચ્છરોના ઉપદ્રવ જોવા મળે છે. તળાવમાં ગટરનું પાણી પણ ભળી ગયું છે. જેના કારણે ખૂબ જ ખરાબ ગંધ મારે છે. બોપલ તળાવની આસપાસ 25થી વધુ સોસાયટી આવેલી છે અને 10,000થી વધુ લોકો રહે છે. બાજુમાં જ DPS સ્કૂલ પણ આવેલી છે. ત્યારે આસપાસમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ બની શકે તેવી પૂરી શક્યતા છે. સ્થાનિક લોકોની માંગ છે કે બોપલ વિસ્તારમાં ટેક્સ ઉઘરાવવામાં આવે છે તો પ્રાથમિક જરૂરિયાતો વગેરે પુરી પાડવામાં આવે.

AMCના અધિકારીઓ બોપલ તળાવ પર ધ્યાન આપતા જ નથી
વર્ષ 2013માં તળાવ બન્યું ત્યારે ઔડાના ચેરમેન તરીકે ધર્મેન્દ્ર શાહ હતા, અને હાલમાં તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પ્રભારી છે ત્યારે બોપલ ગાર્ડનની આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ બોપલ તળાવ તરફ ધ્યાન જ આપતા નથી, ત્યારે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બોપલમાં સફાઈ મુદ્દે પણ ભાજપના સત્તાધીશોએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી ત્યારે અધિકારીઓએ ધ્યાન આપવું પડી રહ્યું છે, ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ભાજપના સત્તાધીશોની કોર્પોરેશનના અધિકારીઓ ઉપર પકડ રહી નથી તેના કારણે બોપલ વિસ્તારના લોકોને આજે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...