ઉમેદવાર હોસ્પિટલાઈઝ્ડ:અમદાવાદના AIMIMના ઉમેદવારની તબિયત લથડતાં બેહોશ, સારવારાર્થે SVP હોસ્પિટલમાં દાખલ કરાયા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નો માહોલ જામ્યો છે. ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે અમદાવાદના દાણીલીમડા વિધાનસભાના AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારની તબિયત ગઈકાલે બગડતાં તેઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૌશિકા પરમારને ડીહાઇડ્રેશન અને બ્લડ પ્રેશરની તકલીફ થઈ હોવાથી ગઈકાલે મોડી સાંજે તેઓની તબિયત ખરાબ થઈ હતી અને બેહોશ થઈ જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

5 નવેમ્બરે દિવ્યભાસ્કરે કૌશિકા પરમાર એક્સક્લુઝિવ વાતચીત હતી
ગુજરાતમાં ચૂંટણીમાં તમામ પાર્ટીઓ એકબીજાને પછાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના ચક્રવ્યૂહમાં તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં એક નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. એ નામ છે કૌશિકા પરમારનું. બે બાળકની માતા 38 વર્ષીય કૌશિકા પરમારે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રાજકારણના ધુરંધરોને પડકાર ફેંક્યો છે.

ધો.10 પાસ કૌશિકા પરમારને ઓવૈશીની પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ટિકિટ ફાળવી છે. કૌશિકા પરમાર AIMIM (ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન) પાર્ટીનાં અમદાવાદ શહેર પ્રમુખ પણ છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જન્મેલાં કૌશિકા પરમારના પતિ ખાનગી નોકરી કરે છે. કૌશિકા બે બાળક, પતિ, સાસુ-સસુરા અને નણંદ એમ કુલ 6 સભ્ય સાથે ભાડાના મકાનમાં રહે અને ભાડાથી પોતાનું બ્યૂટી સલૂન ચલાવે છે.

દાણીલીમડા બેઠક હંમેશાંથી કોંગ્રેસનો ગઢ રહી છે. વિધાનસભાની 2012 અને 2017ની બે ચૂંટણીમાં કોંગ્રેસના શૈલેષ પરમાર જીત્યા છે. જોકે આ વખતે તેમને ભાજપ અને AAP ઉપરાંત AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારનો પણ સામનો કરવો પડશે. એે કારણે દાણીલીમડાની બેઠકની ચૂંટણી રસપ્રદ બની રહશે. દિવ્ય ભાસ્કરે AIMIMમાંથી પહેલી જ વખત ચૂંટણી લડી રહેલાં મહિલા ઉમેદવાર કૌશિકા પરમાર સાથે ખાસ વાતચીત કરી હતી.

AIMIMમાં જ કેમ જોડાયાં? એ અંગેના સવાલમાં કૌશિકાએ કહ્યું હતું કે, પહેલાં હું આમાં નહોતી આવવા માગતી, પણ કોરોનામાં મેં લોકોની ઘણી તકલીફો જોઈ છે. એ વખતે હું સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને સિવિલ તથા વીએસ જેવી હોસ્પિટલોમાં નાનીમોટી સેવા કરતી હતી. ત્યારે સાબિરભાઈ કાબલીવાળા (AIMIMના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ) પણ રાતદિવસ ઘણી સેવા કરતા હતા. એ બધું હું જોતી હતી. ત્યારે મને થયું કે આ કોણ છે? કઈ પાર્ટી છે? પછી જાણવા મળ્યું કે આ AIMIM પાર્ટી છે. એ વખતે ઘણા કાર્યકરો કોરોના થવાની બીકે ઘરમાં બેસી જતા, એવા કપરા સમયમાં સાબિરભાઈ એ લોકોની ખૂબ મદદ કરી હતી. મને રસ જાગ્યો કે આમની સાથે ક્યારેક જોડાવવું જોઈએ, પરંતુ બીજાં કામોને લીધે હું તેમની મુલાકાત કરી ન શકી. એનાં બે વર્ષ પછી મારી તેમની સાથે ઓળખાણ થઈ. એ પછી અસસ (અસાસુદીન ઓવૈસી) સાહેબના ઘણા વીડિયો મેં જોયા હતા, ત્યારે થતું કે હું ક્યારે આ વ્યક્તિને મળીશ?

તેઓ આગળ જણાવે છે, ત્યાર બાદ મેં AIMIM પાર્ટી વિશે જાણ્યું. એ પછી અસસ સાહેબના વીડિયો જોઈને ઘણી ઇન્સ્પાયર થઈ કે આ વ્યક્તિ આખા ભારતમાં બંધારણને બચાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. બીજા પણ એ માટે સક્રિય હશે, પણ અસસ સાહેબ ફેક્ટ કહે છે, બધાને સાથે લઈને ચાલે છે. મેં આજ સુધી તેમને ફક્ત મુસ્લિમનો જ નારો લગાવતા જોયા નથી, તેઓ હિન્દુ અને મુસ્લિમને સાથે લઈને ચાલે છે. તેમને મળ્યા બાદ મને થયું કે મારે આગળ વધવું જોઈએ. એક વાક્યમાં કહું તો દલિત- મુસ્લિમ અને આદિવાસી એમ બધા સમાજને સાથે લઈને તેઓ કામ કરે છે, એટલે આ પાર્ટીમાં જોડાઈ.

તેમણે કહ્યું હતું કે મેં ક્યારેય રાજકારણમાં જોડાવાનું વિચાર્યું જ નહોતું બીજી પાર્ટીઓનું મને કોઈ નોલેજ નથી, પણ એટલું કહી શકું કે અન્ય પાર્ટીઓમાં આગળ વધવું ઘણું ટફ છે અને મારા માટે આ પાર્ટીમાં જોડાવવા માટેનો આ ઘણો મોટો ચાન્સ હતો. મારી કામગીરી અસાસુદીન ઓવૈસી સાહેબ અને સાબિરભાઈ જોતા હતા. તેમની સાથે મુલાકાત થઈ પછી થયું કે આ પાર્ટીમાં જોડાવવું જોઈએ, કેમ કે અન્ય પાર્ટીમાં બહેનો જાય છે, પણ તેમને સ્ટેજ નથી મળતું કે મદદ પણ નથી મળતી, પરંતુ આ પાર્ટીમાં જોડાવવાની વાત કરી તો તેમણે મને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો મોટો હોદ્દો આપ્યો.

ઓવૈસી સાથે મુલાકાતમાં શું વાત થઈ? એના જવાબમાં કૌશિકા કહે છે કે ચાર મહિના પહેલાં તેમની સાથે પહેલી મુલાકાત થઈ હતી. હું અને મારા પતિ બંને સાથે જ હતાં. ત્યારે તેમણે એ જોયું કે એક દલિત બહેન લોકો માટે અવાજ ઉઠાવી રહી છે. તેઓ ઘણા ઇમ્પ્રેસ થયાં હતાં અને મને એટલું જ કહ્યું હતું કે "બહેન, આપ બહોત આગે જાઓગે, આપ મહેનત કરતે રહો." અસાસુદીન ઓવૈસીને રાજકારણના આદર્શ માનતી કૌશિકાએ કહ્યું હતું કે હું તેમનાથી ઘણી ઇન્સ્પાયર છું, એ વ્યક્તિ બધા માટે લડે છે. પછી એ ભલે બિલ્કિસ બાનુનો કેસ હોય કે અંકિતાનો કેસ હોય.

અસાસુદીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ અંગે કૌશિકાએ કહ્યું હતું કે તમે જાણો જ છો કે રાજકારણમાં ઘણા એવા મુદ્દા અને કેસો સામે આવી જાય છે, જેના માટે થોડું બોલવું પડે છે. એકલા એ નથી બોલતા, બીજી પાર્ટીવાળા પણ બોલે છે. આ ખોટી વાત છે, પણ ઘણી વખત પ્રોબ્લેમ આવતા હોય છે, જે બધાએ ફેસ કરવા પડે છે, ત્યારે બોલાઈ જાય છે. એવું નથી કે એ જાણીજોઈને જ બોલ્યા છે.

ઓવૈસી દ્વારા હિજાબને સપોર્ટ અંગે કૌશિકાએ કહ્યું હતું કે હિજાબનો મુદ્દો તેમણે એટલા માટે ઉઠાવ્યો હતો કે ઘણી મુસ્લિમ બહેનો હિજાબ પહેરે છે. બધા માટે ઓવૈસી સાહેબ નથી કહેતા. હિજાબ પહેરવો કે ના પહેરવો કોઈ ગુનો નથી. ઘણી મુસ્લિમ બહેનો મારી સાથે જીન્સ ટીશર્ટ પણ પહેરે છે. તો સાહેબે કોઈ સવાલ નથી કર્યો. બીજી વસ્તુ કે હું પોતે પણ લાજ-ઘૂંઘટમાં રહું છું. સલૂન પર જઈશ તો પ્રોફેશનલ થઈશ. લાજ નિકાળી દઇશ. મીટિંગમાં જઈશ તો સૂટબૂટમાં જઈશ. હિન્દુ ધર્મમાં ઘૂંઘટ કહે છે, મુસ્લિમ ધર્મમાં હિજાબ કહે છે. એ બંને વસ્તુ ઇકવલ જ છે. હિજાબ માટે કોઈ ને કોઈ પાબંદી નથી. એ કિસ્સા વખતે તમે જોયું જ હશે કે શું થયું હતું, એટલે જ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. હિજાબ કમ્પલ્સરી નથી. ઓવૈસી સાહેબ પણ સમજે છે. તેમણે કહી પણ દીધું છે કે જે પહેરે છે એ પહેરે છે, નથી પહેરતા એ નથી પહેરતા.

AIMIMથી કોંગ્રેસના વોટ તૂટે છે? એના જવાબમાં કૌશિકા કહ્યું હતું કે આવા સવાલો મને પુછાતા જ રહે છે. હંમેશાં બી ટીમ અને સી ટીમ કહેવામાં આવે છે. અત્યારે કોંગ્રેસ પાર્ટી પણ બીજેપીને મળી રહી છે તો તેને કેમ કંઈ નથી કહેવામાં આવતું અને AIMIM પાર્ટીને જ કહેવામાં આવે છે. AIMIM ક્યારેય બીજેપીને સાથ નથી આપતી. અમે વોટ નથી તોડતા, આ વખતે જીતીને બતાવીશું. અમે અમારી રીતે મહેનત કરી છીએ. અમે કોઈ દિવસ બીજેપીને સાથ નથી આપ્યો. બધા કહે છે કે AIMIM બી કે સી ટીમ છે, પણ એવું નથી. અમે એકલા છીએ. અપક્ષમાં ઊભા રહી AIMIM પાર્ટીએ વર્ચસ્વ ઊભું કર્યું છે. ઓવૈસી સાહેબે AIMIM પાર્ટીનું નામ આગળ વધાર્યું છે.

દાણીલીમડા અંગે કૌશિકાએ કહ્યું હતું કે 10-15 વર્ષથી કોંગ્રેસ અહીં જીતે છે તો પબ્લિક કેમ રોષમાં છે? કેમ નારાજ છે? હું ડોર ટુ ડોર જઈ બધાને મળું છું અને વાત કરું છું. દલિત કે મુસ્લિમ વિસ્તારમાં એ લોકોની પરિસ્થિતિ કેવી છે? જેમણે કોંગ્રેસને જિતાડી છે તેમના ત્યાં જ લાઈટ અને રોડ-રસ્તા કઈ નથી. પાણી તો વેચાતું લેવું પડે છે. આવી પરિસ્થિતિને લીધે વિસ્તારના લોકોમાં રોષ છે. તેઓ કોંગ્રેસથી ખુશ નથી. જનતા જુએ જ છે કે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે કામ કરે છે. અત્યારે ઝાડુવાળી આમ આદમી પાર્ટી આવી છે. એને પણ જુઓ કે કઈ રીતે કામ કરે છે. હું તો એમ કહું છું કે આપણા ધારાસભ્ય સ્થાનિક હોવા જોઈએ. કોંગ્રેસના શૈલેષ પરમાર અને આપના દિનેશભાઈ શું દાણીલીમડામાં રહે છે? હું અહીંની છું તો પબ્લિક મારી પાસે આવે છે અને તેમની વાતો મૂકે છે.

ભાજપ કે આપ ઓફર કરે તો જોડાઓ? આ સવાલના જવાબમાં કૌશિકાએ કહ્યું, બિલકુલ નહીં. આ ક્લિપ તમે સાચવીને રાખજો. કૌશિકા પરમાર ક્યારેય બદલાશે નહીં. એ AIMIM પાર્ટીને સપોર્ટ કરે છે, અસસ સાહેબને અને સાબિરભાઈ કાબલીવાળાને સપોર્ટ કરે છે. લાઈફ ટાઈમ માટે હું તેમને જ સપોર્ટ કરતી રહીશ. હું જીતુ કે હારું, મને એની કોઈ ફિકર નથી, પણ આ પાર્ટીને હું હંમેશાં સપોર્ટ કરતી રહીશ.

તેઓ આગળ જણાવતા કહે છે કે હું સરકારને એક જ વાત કરીશ કે તમે જે વિકાસ કર્યો છે એમાં અમારા દલિત લોકોનું શું ફ્યુચર? અમારાં ભાઈઓ- બહેનો પાસે રોજગારી નથી. સરકારે ભલે ડેવલપમેન્ટ કર્યું હોય, પણ અમે લોકો મરીએ છીએ અને ખબર નહીં કયા સુધી અમે આવી જિંદગી જીવીશું? મેં સાંભળ્યું છે કે ચંડોળામાં લેક બનાવવાની વાત કરે છે. એની જગ્યાએ આશ્રમ બનાવો. ત્યાં જુઓ તો મારા જેવી બહેનો ભીખ માગે છે, બુઝુર્ગ રોડ પર પડ્યા હોય છે. તેમની હાલત જોઈ તેમના માટે સુધારો લાવો. જ્યાં ડેવલપમેન્ટ કરવું જોઈએ ત્યાં નથી થતું અને જ્યાં નથી જરૂર ત્યાં વધારે ડેવલપમેન્ટ કરે છે.

રોજગારી, પાણી, રોડ, લાઇટ, ગટરને મુખ્ય સમસ્યા ગણાવતા કૌશિકાએ કહ્યું હતું કે લોકોને બે ટાઈમ જમવાનું કેવી રીતે થશે એ ખબર નથી. મિનિમમ 18 હજાર લોકો આ તકલીફ વેઠી રહી છે. નવી વસતિમાં હું જઈ આવી ત્યાં હાલત ખરાબ છે. મને લાગે છે કે આજસુધી જો કોઈ ધારાસભ્ય પબ્લિકને મળવા આવ્યા તે કોઈ જગ્યાએ ગયા હોત તો તેમને આ તકલીફો દેખાઈ ગઈ હોત. ઇલેક્શન આવે ત્યારે રેલી કાઢે, ગાડીઓમાં ફરે, પોતાનો હાથ બતાવીને નીકળી જાય છે, પણ જમીન લેવલે આવીને પબ્લિકની વાત સાંભળો, તેમને મળો.

અંગત વાત કરતાં કૌશિકા પરમારે જણાવ્યું હતું કે બ્યૂટી ફિલ્ડનો મને નાનપણથી શોખ છે. હું છેલ્લાં 20 વર્ષથી એના ક્લાસીસ ચલાવું છું. મેં ઇન્ટરનેશનલ કોર્સ પણ કરેલો છે. હું 14 વર્ષથી દાણીલીમડામાં કામ કરું છું અને 5 વર્ષથી મારા પોતાના સલૂન ક્લાસ પણ ચાલે છે, જેમાં યુવતીઓને સલૂનનું કામ શિખવાડીને ગવર્નમેન્ટનું સર્ટિફિકેટ પણ આપું છું. દાણીલીમડામાં 50 ટકા ઉપર મુસ્લિમ વસતિ છે. એ પડદાની અંદર રહે છે, બહાર નીકળી શકતી નથી. ઘણી એવી બહેનો છે, જે છાપરાઓમાં રહે છે. તેમને બહાર નીકળીને કંઈક શીખીને આત્મનિર્ભર બનવું હોય છે. ઘણી બહેનો મારી પાસે આવીને વાત કરે છે. તેમને સિલાઈકામ, થેપલાં બનાવવા, ધાગા કટિંગ, મહેંદી ક્લાસ, બ્યૂટિપાર્લર અને મેકઅપનું કામ શીખવાડું છું. જે કોર્સ બહાર 1.50 લાખ રૂપિયામાં થાય છે એ અમે 500 રૂપિયામાં શીખવાડીએ છીએ. આવી 3 હજારથી વધુ બહેનો છે. એમાંથી ઘણી શીખેલી બહેનો આજે આત્મનિર્ભર થઈ ગઈ છે.

કૌશિકા ઉમેરે છે કે મેં ઘણા NGO સાથે પણ કામ કર્યું છે. ફિલ્ડમાં હતી ત્યારે ઘણી જગ્યાએ ફરવાનું થતું. એ દરમિયાન મેં જોયું કે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ લોકોને કેટલી તકલીફો પડે છે. એક વખત હું વિચારતી હતી કે આ બાબતે મારે કંઈક કરવું છે. આગળ વધવું છે. ત્યારે હું નાનામોટા સેવાભાવી કાર્યક્રમો કરતી રહેતી હતી. ઘણીબધી સેવાભાવી સંસ્થાઓ સાથે આજની તારીખે પણ સંકળાયેલી છું. પડદાની આગળ અને પાછળ પણ કામ કરું છું. કોરોનામાં એવાં કેટલાંય કામો કર્યાં છે, જેનાથી ઘણા લોકોને ફાયદા થયા છે.

પોતાના શોખ અંગે કૌશિકાએ જણાવ્યું હતું કે તેને સિંગિંગ, ડાન્સિંગ અને એક્ટિંગનો ખૂબ શોખ છે.

અન્ય સમાચારો પણ છે...