ખબરદાર જમાદાર:અમદાવાદના ACP સાહેબને ફિલ્લમનો જબરો ચસકો, એટલે માત્ર ફિલ્મોની જ વાતો કરે છે, સાહેબના મેડમે બંગલામાં જ ડેરી ખોલી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરે તેગા વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હોય તેને વાચકો માણી શકે તેનો આ એક પ્રયાસ છે.

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મહત્ત્વની પોસ્ટ પર બિરાજમાન થયેલા ACP કક્ષાના અધિકારી પર ખૂબ જ મહત્ત્વની જવાબદારીઓ છે, પરંતુ તેમના આવ્યા બાદ તેઓ જ્યાં બિરાજમાન છે એ જગ્યા નીરસ બની ગઈ છે. આ અધિકારી પાસે કોઈ જાય તો કામની જગ્યાએ તેઓ ફિલ્મો અને વેબસિરીઝની જ વાતો કરે છે. તેમના હાથ નીચેનાએ મનેકમને આ વાતો સાંભળવી જ પડે છે. સાહેબ એક જ વાત કરે, કે આ ફિલ્મ સિરીઝમાં આ રોલ સારો હતો ને પેલી વેબસિરિઝમાં આ પાત્ર જબરદસ્ત હતું. હવે આ સાહેબ જ વાસ્તવિક જીવનમાં તેમણે જે રોલ નિભાવવાનો છે એ નિભાવી શકતા નથી, એટલે હવે કંટાળેલા તેમના હાથ નીચેના કર્મચારીઓ પણ તેમની સાથે કામને બદલે માત્ર ફિલ્મો અને વેબસિરીઝની વાતો કરીને નાસ્તો કરી બહાર નીકળી જાય છે. એક સમયે આ જગ્યા પર પોસ્ટિંગ મેળવવા માટે લાઈનો લાગતી હતી, પરંતુ આ અધિકારીને એ જગ્યાની વેલ્યુ જ નથી રહી નથી.

એક અધિકારીના મેડમે વિશાળ બંગલામાં જાણે ડેરી ખોલી
એક મોટા ગજાના અધિકારીને પ્રકૃતિ અને ગાયો પ્રત્યે ખૂબ પ્રેમ છે. તેમને એટલો બધો પ્રેમ છે કે તેમના મેડમે તો તેમના સત્તાવાર બંગલામાં ગાયો જ પાળી લીધી છે. એક નહીં, બે નહીં પણ અડધો ડઝનથી વધુ ગાયો તેમના બંગલામાં ઊભા કરાયેલા વાડામાં છે. એટલું જ નહીં, આ ગાયોની સેવામાં કેટલાક સરકારી કર્મીઓ સાથે ખાનગી પગારે રખાયેલા લોકો પણ રહે છે. આ ગાયો જે દૂધ આપે છે તેમાંથી ઘરના વપરાશનું રાખીને બાકીનું ડેરીમાં મોકલી દેવામાં આવે છે. અધિકારીના મેડમ પોતે આખો દિવસ ગાયોની સારસંભાળમાં જ રહે છે અને કોઈ ગાય ભાંભરે તો બધાને દોડતા કરી દે છે. આમ તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કોઈએ ઉપરીને જાણ કરી દીધી તો તેમણે ફોન પર આ અધિકારીને બે શબ્દો કહ્યાનું પણ જાણવા મળ્યું છે. જોકે હવે પેલા અધિકારી પણ શું કરે, મેડમની આગળ પોતે વિવશ છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જૂના PIનો ઘડો ભરાઈ ગયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI અને તેમની ટીમે ઊંઝાના વેપારીને ખોટી રીતે ગોંધી રાખીને માર મારવાનો કિસ્સો જે-તે સમયે બહુ ચગ્યો હતો. અસહ્ય મારને લીધે વેપારીની તબિયત લથડતાં ખાનગી હોટલમાં લઇ જઈને ત્યાં વેપારી પાસે કોરા કાગળ તેમજ દસ્તાવેજ પર સહી કરાવી લેવાઈ હતી. વળી, છોડતી વખતે આ વેપારીને PI સહિતના સ્ટાફે ધાકધમકીઓ આપી હતી, જેની ફરિયાદ વેપારીએ છેક ગાંધીનગર સુધી કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. જોકે ભાજપના સાંસદે રાજકોટ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે ઊંઝાના વેપારીની લેખિત અરજી ગૃહ વિભાગના ધ્યાને આવી હતી. આ મામલે તપાસના આદેશ અપાયા બાદ આ PI સહિત તેમની ટીમ દોષિત હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના પગલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તત્કાલીન PI સહિત અન્ય પોલીસકર્મીઓ સામે ફરિયાદ ગમે તે ઘડીએ નોંધાઈ શકે છે.

સુરત રેલવે પોલીસના બે તોડબાડ કર્મીથી પોલીસ પણ તોબા
સુરત રેલવે પોલીસના જય-વીરુના નામથી ઓળખાતા બે પોલીસકર્મીથી બીજા તો ઠીક પણ ખુદ પોલીસ ડિપાર્ટમેન્ટ તોબા પોકારી ગયો છે. બને છે એવું કે મોબાઇલ સ્નેચિગ સ્ક્વોડના આ બંને જય-વીરુ રેલવે મુસાફરોના જે પણ મોબાઈલ ચોરાય કે સ્નેચિંગ થાય છે એમાં તપાસ તો કરે છે. સ્નેચરોને પકડે પણ છે, પરંતુ આ સ્નેચરોને જેલભેગા કરવાને બદલે બંને સ્નેચરો પાસેથી મસમોટો તોડ કરવા લાગ્યા છે. તેમની આવી કામગીરીથી સાથી કર્મચારીઓ પણ તોડબાજનું લેબલ લાગતાં તોબા પોકારી ગયા છે. આ બંને જણા રેલવે પોલીસની ઓફિસમાંથી જ બધો ખેલ કરે છે, જેને લઇ રેલવે મિસિંગ્સ સ્કવોડ પણ બદનામ થઈ રહી છે. આ અંગે રેલવે પોલીસમાં નવા નિમાયેલા જ પોલીસ-ઇન્સ્પેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરાયું હતું, પરંતુ કોણ જાણે કેમ PI સાહેબે કોઈ કાર્યવાહી જ ન કરી.

અમદાવાદમાં અમર-અકબર-એન્થનીનો તરખાટ
અમદાવાદના મધ્ય વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમર-અકબર-એન્થનીનો જબરો તરખાટ છે, આ ત્રણેય જણા પોતાના વીડિયો બનાવાને કારણે ખૂબ ચર્ચામાં છે. એક રીતે જોઈએ તો તેઓ TikTok સ્ટાર જ છે. તાજેતરમાં તેમના વિસ્તારમાં કોઈ વેપારી કે બિલ્ડર કે નાનોમોટો ધંધો કરનારી વ્યક્તિ જો પસાર થાય અને સામે આ ત્રણેય મળી જાય તો પોતાનો રસ્તો બદલી નાખે છે. આનું કારણ એ છે કે આ વ્યક્તિઓ પોતાને સામે જે પણ મળે તેની પાસેથી કશું લઈ લેવાની જ વૃત્તિ ધરાવે છે. તેમનાથી ઘણા મોબાઈલના દુકાનધારકો પણ પરેશાન છે, આ અમર-અકબર-એન્થની સાથે એક ગુનેગાર પણ ફરતો દેખાય છે જે તેમનું માર્ગદર્શન કરતો રહે છે.

એક IPS કોંગ્રેસના નેતાના ફેન, દિન-રાત તેમની જ ચિંતા
ગુજરાત સરકારમાં મહત્ત્વની જગ્યા પર ફરજ બજાવતા એક સિનિયર IPS ઓફિસર કોંગ્રેસના એક ધારાસભ્યની ખૂબ ચિંતા કર્યા કરે છે. આટલી બધી ચિંતા કરતા જોઈને આ IPS પેલા કોંગ્રેસી નેતાના બેન હોય એવું જ લાગે છે. તેમની વાતોમાં સતત કોંગ્રેસી નેતાનો જ ઉલ્લેખ સામે આવે છે. આ નેતાએ જાણે બહુ બધાં કામ કર્યા હોય એમ તેમનાથી પ્રભાવિત IPS અધિકારી આ ધારાસભ્યને નજીકના તેમજ વિપક્ષના લોકોને તેમજ તેના મતવિસ્તારના લોકોને પૂછીને કહે છે કે શું લાગે છે... આ વખતે બોસ જીતી જશે, પોતાની આ પ્રકારની વાતોથી ઘણા લોકોને આશ્ચર્ય લાગે છે, પરંતુ તેઓ સરકારના પણ ખૂબ નજીક છે.

ગુનેગારે પોસ્ટિંગના રૂપિયા પાછા માગતાં વહીવટદાર ફસાયા
અમદાવાદના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં PIના પોસ્ટિંગ માટે એક વહીવટદાર ગુનેગારોના ફાઇનાન્સર હતા. એક પોસ્ટિંગ માટે કિડની નામના ગુનેગાર પાસે વહીવટદારે ઉછીના રૂપિયા લીધા હતા. વહીવટદાર કામ થઈ ગયા બાદ ખુશ હતા, પણ કિડનીએ તરત રૂપિયા પાછા માગ્યા. હવે વહીવટદાર એ રીતે ફસાઈ ગયા કે હવે આ રૂપિયા કઈ રીતે પાછા આપવા. આની જ તેઓ એકબાજુ ચિંતા કર્યા કરતા હતા, એટલે હવે વહીવટદાર પાસે ફાઈનાન્સર રૂપિયા ઉઘરાવતા હતા તેવા સમયે જ એક વ્યક્તિ પ્રગટ થઈ અને કિડનીના રૂપિયા ચૂકવવા મદદ કરી. ત્યાર બાદ તેઓ પોલીસ સ્ટેશનના વહીવટમાં ગોઠવાઈ ગયા. હાલ આ વાતની ચર્ચા તમામ પોલીસમાં હોટ ટોપિક છે.

અન્ય સમાચારો પણ છે...