અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત હવે જો શહેરમાં ક્યાંય પણ જાહેર રોડ ઉપર દુકાન કે ફેક્ટરી અથવા તો સોસાયટી ફ્લેટની બહાર ગંદકીના ઢગલા જોવા મળશે તો દંડ વસૂલ કરવામાં આવશે. જાહેર રોડ ઉપર કચરો ફેંકી અને ગંદકી કરવામાં આવશે તો દુકાન કે ફેક્ટરીને સીલ કરવા સુધીની કડક કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાડા ત્રણ મહિનામાં 1.57 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે અને 1084 દુકાન-ઓફિસ સીલ કરી છે. અમદાવાદમાં કોમર્શિયલ યુનિટો વધુ ગંદકી કરતા ઝડપાયા છે.
બે મહિનામાં સૌથી વધુ દુકાન-ઓફિસ સીલ કરી
છેલ્લા સાડા ત્રણ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી-કચરો ફેંકવા બદલ કુલ રૂ.1 કરોડનો દંડ વસૂલ કર્યો છે. 1064 જેટલી દુકાન-ઓફિસ વગેરેને સીલ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં સૌથી વધારે સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. જાહેર રોડ ઉપર ગંદકી કરવી, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકવો વગેરે મળી કુલ 1.57 કરોડ રૂપિયાનો દંડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
દરેક જગ્યાએ જાહેર રોડ ઉપર ડસ્ટબિન
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવે તમે જાહેર રોડ ઉપર કચરો ફેંકી શકશો નહીં. દરેક જગ્યાએ જાહેર રોડ ઉપર ડસ્ટબિન મૂકવામાં આવ્યાં છે, તેમજ દરેક દુકાનદારો અને રહેણાક સોસાયટીના લોકોને વિનંતી છે કે, જે ડોર ટુ ડોરની ગાડી આવે છે તેમાં જ કચરો આપવામાં આવે.
સાડા ત્રણ મહિનામાં કેટલી જગ્યાએથી ગંદકી કરનારા પાસેથી દંડ વસૂલ્યો
મહિનો | રહેણાક | કોમર્શિયલ | પ્લાસ્ટિક | ખુલ્લા પ્લોટ | સીલ |
ફેબ્રુઆરી | 74400 | 2177850 | 1054700 | 39300 | 39 |
માર્ચ | 84200 | 2321850 | 1268750 | 53500 | 348 |
એપ્રિલ | 165650 | 4411770 | 1777650 | 106600 | 471 |
14 મે સુધી | 44500 | 800200 | 348200 | 26900 | 226 |
કોમર્શિયલ એકમોને રૂ. 97 લાખનો દંડ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસનની સૂચના મુજબ સ્વચ્છતા જાળવવા માટે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા સાડા ત્રણ મહિના દરમિયાન રહેણાક વિસ્તારમાંથી રૂ.36 લાખ, કોમર્શિયલ એકમો પાસેથી રૂ.97 લાખનો દંડ વસૂલ કર્યો છે. સીલ કરવાની પણ કાર્યવાહી કડકરૂપે કરવામાં આવી છે. જેમાં કુલ 1084 જેટલા એકમોને સીલ કર્યા છે. જેમાં સૌથી વધારે એપ્રિલ મહિનામાં 471, માર્ચ મહિનામાં 348 અને 14 મે સુધી 226 જેટલી જગ્યાને સીલ કરવામાં આવી છે.
ખુલ્લા પાર્ટી પ્લોટધારકોને 2.26 લાખ દંડ
ખુલ્લા પાર્ટી પ્લોટમાં પણ જો કોઈ વ્યક્તિ કચરો નાખે છે તો તેમની પાસેથી કુલ 2.26 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. માત્ર જાહેર રોડ ઉપર ગંદકી કરવી તેની જ નહીં પરંતુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે, જેના ભાગરૂપે જે પણ દુકાન કે લારી-ગલ્લાવાળા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમની પાસેથી કુલ 44 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.